Get The App

ધોની સાથે 10 વર્ષ સુધી વાત ન કરી, હરભજને પહેલીવાર માહી સાથેના સંબંધો પર તોડ્યું મૌન

Updated: Dec 4th, 2024


Google NewsGoogle News
ધોની સાથે 10 વર્ષ સુધી વાત ન કરી, હરભજને પહેલીવાર માહી સાથેના સંબંધો પર તોડ્યું મૌન 1 - image


Harbhajan Singh On MS Dhoni: ભારતીય ટીમના પૂર્વ ઓફ સ્પિન બોલર હરભજન સિંહની ગણતરી વર્લ્ડ ક્રિકેટના શ્રેષ્ઠ સ્પિનરોમાં થાય છે. હરભજન એક સમયે ટીમ ઈન્ડિયા માટે ત્રણેય ફોર્મેટમાં મુખ્ય સ્પિનરની ભૂમિકા ભજવતો હતો, જેમાં એમએસ ધોનીની કેપ્ટન્શીપમાં પણ તેનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે. વર્ષ 2007માં જ્યારે ટીમ ઈન્ડિયાએ ધોનીની કેપ્ટનશીપમાં દક્ષિણ આફ્રિકામાં T20 વર્લ્ડ કપની ટ્રોફી જીતી હતી, તે સમયે હરભજન પણ ટીમનો હિસ્સો હતો. બીજી તરફ ત્યારબાદ વર્ષ 2011માં ભારતમાં આયોજિત ODI વર્લ્ડ કપમાં પણ ધોનીની કેપ્ટનશીપમાં હરભજન સિંહને રમવાની તક મળી હતી. જો કે, ત્યારબાદ હરભજનના કરિયરનો ગ્રાફ નીચે જતો દેખાયો અને પછી તે મોટાભાગે IPLમાં જ રમતો જોવા મળ્યો. હવે હરભજને પોતાના તાજેતરના નિવેદનથી બધાને ચોંકાવી દીધા છે, જેમાં તેણે એ ખુલાસો કર્યો  કે, હું ધોની સાથે વધુ વાત નથી કરતો અને ફોન પર વાત કર્યાને 10 વર્ષથી વધુ સમય વીતી ગયો છે. આમ, હરભજને પહેલીવાર માહી સાથેના પોતાના સંબધો પર મૌન તોડ્યું છે.

જ્યારે CSKમાં રમતો હતો ત્યારે વાત થઈ હતી પરંતુ ફોન પર નહીં

હરભજન સિંહને એક ઈન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું કે ધોની સાથે વાત થાય છે કે નહીં? તો ભજ્જીએ જવાબ આપ્યો કે ના, હું ધોની સાથે વાત નથી કરતો. જ્યારે હું IPLમાં CSK માટે રમતો હતો તે સમયે તેની સાથે વાત થતી હતી પરંતુ ફોન પર વાત નથી થતી, જ્યારે અમે મળીએ ત્યારે જ વાત થાય છે. અમે ફોન પર વાત કર્યાને લગભગ 10 વર્ષ થઈ ગયા છે. મારી પાસે આ માટે કોઈ કારણ નથી, પરંતુ કદાચ ધોની પાસે કોઈ કારણ હશે. જો કે તેની પાસે પણ કોઈ કારણ હોત તો તે જણાવ્યું હોત. જ્યારે હું ચેન્નાઈ સુપર કિંગ્સમાં હતો ત્યારે પણ મારી ધોની સાથે ઓછી જ વાત થતી હતી.

પ્રોફેશનલ ક્રિકેટમાં આ કોઈ મુદ્દો નથી

એમએસ ધોની અંગે હરભજન સિંહે આગળ કહ્યું કે, પ્રોફેશનલ ક્રિકેટમાં આ કોઈ મુદ્દો નથી. જ્યારે હું IPLમાં 2 સીઝન માટે ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમનો હિસ્સો હતો, તે દરમિયાન પણ અમે ફક્ત મેદાન પર જ વાત કરતા હતા, આ સિવાય હોટેલમાં કે બીજે ક્યાંય અમારા વચ્ચે વાત નહોતી થતી. ન તો તે મારા રૂમમાં આવતો કે ન તો હું તેના રૂમમાં જતો હતો. પરંતુ આ બરાબર છે કારણ કે અમારા બધાનું લક્ષ્ય ટીમને જીતાડવાનું હતું. જ્યારે હું CSKનો ભાગ હતો, ત્યારે તેણે એક સિઝનમાં હારનો સામનો કરવો પડ્યો અને એક સિઝન જીતવામાં સફળ રહ્યો હતો.


Google NewsGoogle News