Cricket Controversy : વગદાર ક્રિકેટરના પિતાએ લીધો હનુમા વિહારીનો ભોગ? કેપ્ટન્સી કરીને પ્લેઈંગ 11માંથી પણ બહાર
હનુમા વિહારી મુંબઈ સામે મેચ પહેલા 30 મેચમાં આંધ્રનો કેપ્ટન હતો, હવે રિકી ભુઈને કેપ્ટનશિપ સોંપાઈ
Image:File Photo |
Hanuma Vihari : ભારતીય ટીમથી બહાર રહેલા મિડલ ઓર્ડર બેટ્સમેન હનુમા વિહારીએ ગઈકાલે કેપ્ટનપદેથી રાજીનામું આપી દીધું હતું. ટીમના કેપ્ટનપદેથી હટાવ્યા બાદ તેને પ્લેઇંગ-11માંથી પણ બહાર કરી દેવાયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હનુમાએ સ્વેચ્છાએ ટીમનું સુકાની પદ છોડ્યું છે પરંતુ પ્લેઇંગ-11માંથી બહાર થયા બાદ મામલો કંઈ જુદો જ લાગી રહ્યો છે.
એક ક્રિકેટરના વગદાર પિતાએ ફરિયાદ કરી હતી
હનુમા વિહારીની જગ્યાએ રિકી ભુઈને આંધ્ર પ્રદેશ ક્રિકેટ ટીમની કેપ્ટનશિપ સોંપાઈ છે. મીડિયા સાથે વાતચીત દરમિયાન ટીમના મેનેજર જુગલ કિશોર ધિયાએ જણાવ્યું હતું કે, ‘હનુમાએ સ્વેચ્છાએ સુકાની પદ છોડ્યું છે. ટીમમાં કોઈ વિવાદ નથી.’ જો કે જે લોકો આંધ્રા ક્રિકેટને સારી રીતે સમજી છે, તેઓ અચાનક કેપ્ટન બદલવાના આ કારણને યોગ્ય માની રહ્યા નથી. મળતા અહેવાલો મુજબ ગત અઠવાડિયે વિશાખાપટ્ટનમમાં પ્રથમ મેચ દરમિયાન વિહારી એક બેક અપ ખેલાડી પર ગુસ્સે થયો હતો. વગદાર હસ્તી ગણાતા એ ખેલાડીના પિતાએ કેપ્ટન હનુમા વિહારી વિરુદ્ધ આંધ્ર ક્રિકેટ એસોસિયેશનને ફરિયાદ કરી હતી.
હનુમા વિહારીને હટાવવા પસંદગીકારોને દબાણ કર્યું
સરત ચંદ્ર રેડ્ડીના નેતૃત્વ હેઠળના આંધ્ર ક્રિકેટ એસોસિયેશને આ ફરિયાદને ગંભીરતાથી લીધી હતી. બાદમાં તેમણે પસંદગીકારોને વિહારીને હટાવીને બીજા કોઈને કેપ્ટન તરીકે નિયુક્ત કરવા દબાણ કર્યું હતું. જો કે હવે હનુમા વિહારી મુંબઈની આ મેચ માટે 15 ખેલાડીમાં સામેલ છે, પરંતુ પ્લેઈંગ-11માં નથી.
આંધ્ર ક્રિકેટમાં બહારનો ગણાય છે હનુમા વિહારી
હનુમા વિહારીએ મુંબઈ સામે મેચ પહેલા આંધ્ર પ્રદેશ માટે 30 મેચ રમી હતી. એ તમામ મેચમાં તે જ કેપ્ટન હતો. તેની સફળતાનો દર પણ ઘણો સારો છે. તે 2000થી વધુ રન બનાવનાર આંધ્રપ્રદેશના 10 બેટ્સમેન પૈકીનો એક છે. તેણે 53ની શાનદાર એવરેજથી 2262 રન બનાવ્યા છે. જો કે હનુમાને કેટલાક આંધ્ર ક્રિકેટ વર્તુળોમાં બહારનો ખેલાડી માનવામાં આવે છે કારણ કે અગાઉ તે હૈદરાબાદ માટે 40 મેચ રમી ચૂક્યો છે.
કે.એસ. ભરતને કેપ્ટન બનાવવાની પણ માંગ
એક મોટો વર્ગ કે.એસ. ભરતને આંધ્ર પ્રદેશનો કેપ્ટન બનાવવા માંગે છે, જે હાલમાં ઇન્ડિયા-A તરફથી રમી રહ્યો છે. તે આંધ્ર ટીમનો વ્હાઈટ બોલ કેપ્ટન પણ છે. કેટલાક લોકો અંડર-19 વર્લ્ડ કપના વાઇસ કેપ્ટન શેખ રશિદને કેપ્ટનનું નામ પણ સૂચવે છે. છે. જો કે હાલમાં તેને આંધ્ર ક્રિકેટ ટીમનો નવો વાઇસ કેપ્ટન પણ બનાવાયો છે.