શતરંજનો બાદશાહ બન્યો ગુકેશ, સૌથી યુવા વર્લ્ડ ચેમ્પિયન બની રચ્યો ઈતિહાસ
World Chess Championship : વર્લ્ડ ચેસ ચેમ્પિયનશીપમાં ભારતીય ગ્રેન્ડમાસ્ટર ડી. ગુકેશે ઈતિહાસ રચ્યો છે. ગુકેશ દુનિયાનો સૌથી યુવા વર્લ્ડચેમ્પિયન બન્યો છે. આજે ગુકેશે ચીનના ડિંગ લીરેનને અંતિમ મુકાબલામાં મ્હાત આપી. બુધવારે વર્લ્ડ ચેસ ચેમ્પિયનશીપની 13મી બાજીRમાં મેચ ડ્રો થઈ હતી જોકે આજે 14મી બાજીમાં ગુકેશે લીરેનને મ્હાત આપી છે. આજે 14માં અને છેલ્લા મુકાબલામાં ગુકેશ અને લિરેન વચ્ચે જોરદાર રસાકસી જામી હતી. ખાસ વાત એ છે કે ગયા વર્ષે લિરેને ચેમ્પિયનશીપ જીતી હતી.
મેચમાં વિજયી થતાં જ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો હતો ગુકેશ, જુઓ વીડિયો
વિશ્વનાથન આનંદ બાદ બીજો ભારતીય જે વર્લ્ડચેમ્પિયન બન્યો
નોંધનીય છે કે ગુકેશ પહેલા વર્ષ 2012માં વિશ્વનાથન આનંદે વર્લ્ડ ચેમ્પિયન બનીને ઈતિહાસ રચ્યો હતો. આટલું જ નહીં 17 વર્ષની ઉંમરે FIDE કેન્ડિડેટ્સ ચેસ ટુર્નામેન્ટમાં પણ ગુકેશ સૌથી યુવા ચેમ્પિયન બન્યો હતો.
ચેન્નઈમાં થયો હતો જન્મ
ગુકેશનું આખું નામ ડોમારાજૂ ગુકેશ છે, તેનો જન્મ 7 મે 2006ના રોજ ચેન્નઈમાં થયો હતો. સાત વર્ષની ઉંમરથી જ તેણે ચેસ રમવાની શરૂઆત કરી દીધી હતી. વિશ્વનાથન આનંદે તેને કોચિંગ આપ્યું છે.