ગુજરાતીઓનો ક્રિકેટ પ્રેમ, T-20 મેન્સ વર્લ્ડ કપ જોવા આટલા લોકો અમેરિકા જશે
ICC Men's T20 World Cup 2024 : દેશમાં લોકસભાની ચૂંટણી સાથે હવે T-20 વર્લ્ડકપનો માહોલ પણ જામવા જઈ રહ્યો છે. આગામી બીજી જૂનથી અમેરિકા-વેસ્ટ ઈન્ડિઝની સંયુક્ત યજમાનીમાં યોજાનારા T-20 વર્લ્ડકપ માટે ગુજરાતમાંથી 400થી વધુ લોકો અમેરિકા જશે.
વિઝા માટે હાલ વર્ષ 2025 સુધીનું વેઇટિંગ
T-20 વર્લ્ડકપના લીગ રાઉન્ડમાં ભારતીય ટીમ ન્યૂયોર્ક ખાતે 5 જૂને આયર્લેન્ડ, 9 જૂને પાકિસ્તાન, 12 જૂને અમેરિકા જ્યારે 15 જૂને લાઉડરહિલ, ખાતે કેનેડા સામે રમશે. ઉનાળાના વેકેશનમાં અમેરિકા ફરવા અને ભારતીય ટીમના જુસ્સો વધારવા માટે ગુજરાતમાથી અનેક લોકોએ અગાઉથી જ આયોજન કરી દીધું હતું. આ અંગે ટાફી ગુજરાતના મનીષ શર્માએ જણાવ્યું કે, અમેરિકા જવા કોન્સ્યુલેટના વિઝા માટે હાલ વર્ષ 2025 સુધીનું વેઇટિંગ છે. જેના કારણે જેઓ છેલ્લી ઘડીએ વર્લ્ડ કપ જોવા અમેરિકા જવા માગતા હોય તેમના માટે લગભગ અશક્ય છે.
ભારત- પાકિસ્તાન મેચની તમામ ટિકિટ વેચાઈ ગઈ
અલબત્ત, જેમણે થોડા મહિના અગાઉ જ વિઝા સહિતની ઔપચારિક્તા પૂરી કરી લીધી છે તેઓ મોટી સંખ્યામાં અમેરિકા પહોંચી રહ્યા છે. ખાસ કરીને ભારત- પાકિસ્તાનની મેચને લઈને સૌથી વધુ ઉત્સાહ છે. ' વર્લ્ડકપમાં ભારત- પાકિસ્તાન મેચ માટે ઓછામાં ઓછી ટિકિટ 300 ડોલરની છે. પરંતુ આ તમામ ટિકિટ વેચાઈ ચૂકી છે. ન્યૂયોર્કના સ્ટેડિયમના ડાયમન્ડ ક્લબ સેક્શનમાં ટિકિટના દર 20 હજાર ડોલર અંદાજે રૂ. 16.65 લાખ છે. અગાઉ 2019નો વર્લ્ડકપ ઇંગ્લેન્ડમાં હતો ત્યારે પણ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ ઇંગ્લેન્ડ પહોંચ્યા હતા.