છ વર્ષ બાદ ભારતીય ટેસ્ટ ટીમમાં વાપસી કરશે સ્ટાર ગુજરાતી ખેલાડી! શરુ કરી તૈયારી
Hardik Pandya : 23 નવેમ્બર 2024થી ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં હાર્દિક પંડ્યાને ભારતીય ટેસ્ટ ટીમમાં સામેલ કરવાને લઈને એક મોટી અપડેટ સામે આવી રહી છે. એક અહેવાલ અનુસાર, હાલમાં હાર્દિક પંડ્યા રણજી ટ્રોફીની તૈયારી કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયન પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને તેને બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં રમવાની તક અપાઈ શકે છે. હાર્દિક છેલ્લે 6 વર્ષ પહેલાં ટેસ્ટ મેચ રમ્યો હતો. ઈજાઓથી પરેશાન, ભારતનો ટોચનો ઓલરાઉન્ડર મુખ્યત્વે સફેદ બોલના ફોર્મેટનો ખેલાડી રહ્યો છે, પરંતુ હવે ગૌતમ ગંભીરના નવા યુગમાં, હાર્દિક પંડ્યા રેડ-બોલ ક્રિકેટમાં પુનરાગમન કરવા માટે તૈયાર છે.
ભારતીય ટીમની પ્લેઇંગ ઈલેવનમાં સ્થાન મળી શકે
અત્યારે ભારતીય ક્રિકેટ ટીમ બાંગ્લાદેશ સામે 2 મેચની ટેસ્ટ સીરિઝ રમી રહી છે, ત્યારબાદ ટીમ ન્યુઝીલેન્ડ સામે 3 મેચની ટેસ્ટ સીરિઝ રમશે. અને પછી ટીમ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રમવા માટે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે. ઓસ્ટ્રેલિયાની ધરતી પર રમાનારી આ ટુર્નામેન્ટમાં ઝડપી બોલર અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનો સમાવેશ ટીમમાં માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
ભારતીય ક્રિકેટ ટીમમાં ઝડપી બોલરને લઈને વિકલ્પોની જરૂર છે. જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ અત્યારે ફીટ છે. મોહમ્મદ શમી પણ સંપૂર્ણ ફીટ થઈને આ ટુર્નામેન્ટમાં પરત ફરી શકે છે. જો હાર્દિક ઘરેલું ક્રિકેટમાં સારું પ્રદર્શન કરે છે, તો તેને ભારતીય ટીમની પ્લેઇંગ ઈલેવનમાં પણ સ્થાન મળી શકે છે.
હાર્દિક માટે રસ્તો એટલો પણ સરળ નથી
ઓસ્ટ્રેલિયામાં પીચ પરની અસમાન ગતિ અને ઉછાળ હાર્દિક પંડ્યા માટે ફાયદાકારક સાબિત થઈ શકે. હાર્દિક વ્હાઇટ બોલના ફોર્મેટમાં પોતાને એક શાનદાર ઝડપી બોલર તરીકે સ્થાપિત કરી ચૂક્યો છે, પરંતુ હાર્દિક માટે આ રસ્તો એટલો પણ સરળ નથી. છેલ્લે તેણે ભારત માટે ટેસ્ટ મેચ વર્ષ 2018માં રમી હતી, જ્યારે ભારતે ઈંગ્લેન્ડનો પ્રવાસ કર્યો હતો. ત્યારબાદ તે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો, અને વર્કલોડ મેનેજમેન્ટને કારણે હાર્દિકે વ્હાઇટ બોલ ક્રિકેટમાં રમવાનું પસંદ કર્યું હતું, પરંતુ હવે ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરના આગમન બાદ સ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે.
ઓલરાઉન્ડર તરીકે શ્રેષ્ઠ વિકલ્પ
ભારતીય ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીર તમામ વિકલ્પોને ખુલ્લા રાખવા માંગે છે. જેથી કરીને હાર્દિક હવે ઘરેલું ક્રિકેટ રમવા માટે પોતાને તૈયાર કરી રહ્યો છે. ટીમના અન્ય ખેલાડી સૂર્યકુમાર યાદવની જેમ હાર્દિક પણ ટેસ્ટ ફૉર્મેટમાં ભારતીય ટીમમાં પોતાનો દાવો મજબૂત કરવા રણજી ટ્રોફીમાં સારું પ્રદર્શન કરવાના પ્રયત્ન કરશે. હાર્દિક માત્ર બેટિંગથી જ નહીં, પરંતુ પોતાની કુશળ બોલિંગ દ્વારા પણ ટીમ માટે મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. જો ભારતીય ટીમ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં 4 ઝડપી બોલરોને લઈને મેદાનમાં રમવા ઉતરશે તો હાર્દિક પંડ્યા ઓલરાઉન્ડર તરીકે શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે.