ગુજરાત ટાઈટન્સે સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવ્યું, બે વિસ્ફોટક ખેલાડીઓએ પલટી બાજી

Updated: Mar 31st, 2024


Google NewsGoogle News
ગુજરાત ટાઈટન્સે સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવ્યું, બે વિસ્ફોટક ખેલાડીઓએ પલટી બાજી 1 - image


IPL 2024 : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની 12મી મેચમાં ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે આજે (31 માર્ચ) મેચ રમાઈ હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ગુજરાતે સનરાઈઝર્સ હૈદરાબાદને સાત વિકેટથી હરાવ્યું. મેચમાં ગુજરાતને જીત માટે 163 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જે તેમણે પાંચ બોલ બાકી રહેતા હાંસલ કરી લીધો.

મિલર-સુદર્શને પલટી ગેમ

ગુજરાત ટાઈટન્સ માટે ઈમ્પેક્ટ પ્લેયર સાઈ સુદર્શને સૌથી વધુ 36 બોલ પર 45 રન બનાવ્યા, જેમાં 4 ચોગ્ગા અને એક છગ્ગો સામેલ હતો. તો ડેવિડ મિલરે 27 બોલ પર 44 રનની અણનમ ઈનિંગ રમી. મિલરે પોતાની ઈનિંગમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગા લગાવ્યા. મિલર-સુદર્શન વચ્ચે ત્રીજી વિકેટ માટે 64 રનોની પાર્ટનરશિપ થઈ, જેણે સનરાઈઝર્સને મેચથી બહાર કર્યું. ગુજરાતની આ ત્રણ મેચોમાં બીજી જીત રહી. તો સનરાઈઝર્સ હૈદરાબાદની ત્રણ મેચોમાં આ બીજી હાર રહી.

મેચમાં ટૉસ જીતીને પહેલા બેટિંગ કરતા હૈદરાબાદે આઠ વિકેટ પર 162 રન બનાવ્યા. હૈદરાબાદ માટે અબ્દુલ સમદ અને અભિષેક વર્માએ 29-29 રન બનાવ્યા. અબ્દુલ સમદે આ દરમિયાન 14 બોલનો સામનો કર્યો અને ત્રણ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો. તો અભિષેકે 20 બોલની ઇનિંગમાં બે ચોગ્ગા અને બે છગ્ગા લગાવ્યા. વિસ્ફોટક બેટ્સમેન હેનરિક ક્લાસેન (24) અને શાહબાઝ અહમદ (22)એ પણ ઉપયોગી યોગદાન આપ્યું. મોહિત શર્માએ ગુજરાત ટાઈટન્સ તરફથી સૌથી વધુ ત્રણ વિકેટ હાંસલ કરી. તો નૂર અહમદ, અજમતુલ્લાહ ઉમરજઈ, રાશિદ ખાન અને ઉમેશ યાદવે એક-એક વિકેટ ઝડપી.


Google NewsGoogle News