IPL 2025: ગુજરાત ટાઈટન્સનો સ્ટાર ખેલાડી ચાલુ ટુર્નામેન્ટ છોડી પોતાના દેશ પરત ફર્યો
IPL 2025: IPL 2025માં અત્યાર સુધીમાં 25 મેચ રમાઈ ચૂકી છે. આ દરમિયાન ગુજરાત ટાઈટન્સને મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાત ટાઈટન્સનો સ્ટાર ખેલાડી ગ્લેન ફિલિપ્સ અચાનક ચાલુ ટુર્નામેન્ટ છોડી પોતાના દેશ પરત ફર્યો છે. આનો અર્થ એ થયો કે ગ્લેન ફિલિપ્સ હવે આ સિઝનમાં ગુજરાત ટાઈટન્સ માટે રમતો નહીં જોવા મળે. આ ખેલાડી તાજેતરમાં જ ફિલ્ડિંગ કરતી વખતે ઘાયલ થયો હતો. આ ઈજાના કારણે તે ટીમમાંથી છૂટો પડ્યો છે.
ચાલુ ટુર્નામેન્ટ છોડી વતન પરત
ન્યુઝીલેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન ફિલિપ્સે ગુજરાત ટાઈટન્સની ટીમ છોડી દીધી છે. તે પોતાના દેશમાં પરત ફર્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ટૂંક સમયમાં આ અંગે ઓફિશિયલ જાહેરાત કરી શકે છે. ગ્લેન ફિલિપ્સને ગુજરાત ટાઈટન્સે મેગા ઓક્શનમાં 12.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પરંતુ તેને કોઈપણ મેચમાં ટીમના પ્લેઇંગ 11માં સિલેક્ટ કરવામાં નહોતો આવ્યો. તમને જણાવી દઈએ કે શુભમન ગિલની ટીમની આજે લખનઉ સુપરજાયન્ટ્સ સાથે મેચ ચાલી રહી છે. આવી સ્થિતિમાં આ ટીમ માટે એક મોટો ઝટકો છે.
ફિલ્ડિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો
6 એપ્રિલના રોજ સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં ગુજરાત ટાઈટન્સ તરફથી ફિલ્ડિંગ કરતી વખતે ગ્લેન ફિલિપ્સ ઘાયલ થયો હતો. આ મેચમાં ફિલિપ્સ ગુજરાત માટે સબસ્ટિટ્યૂટ ખેલાડી તરીકે મેદાનમાં ઉતર્યો હતો. પરંતુ થ્રો કરવાનો પ્રયાસ કરતી વખતે તેને સ્નાયુમાં ખેંચ આવી ગઈ હતી. ત્યારબાદ તેને તેના સાથી ખેલાડીઓના ખભાના ટેકાથી મેદાનની બહાર જવું પડ્યું હતું. આ ઈજા પછી તે ટીમની પ્રેક્ટિસમાં પણ નજર નહોતો આવ્યો.
ગુજરાતનું ટેન્શન વધ્યું
ગ્લેન ફિલિપ્સ પોતાના દેશ પરત ફરતા ગુજરાતનું ટેન્શન વધી ગયું છે. તેના પહેલા કિર્ગીસો રબાડા પણ દક્ષિણ આફ્રિકા પરત ફર્યો હતો. તે ક્યારે ટીમમાં જોડાશે તે અંગે હજુ સુધી કોઈ અપડેટ નથી. આવી સ્થિતિમાં ગુજરાતની ટીમમાં હાલમાં ફક્ત પાંચ વિદેશી ખેલાડીઓ છે. જેમાં જોસ બટલર, શેરફેન રૂદરફોર્ડ, રાશિદ ખાન, ગેરાલ્ડ કોએટઝી અને કરીમ જન્નત શામેલ છે. જોકે, ટીમ હાલમાં સારા ફોર્મમાં છે. તે 5 મેચમાં 4 જીત સાથે ટોપ પર છે.