તો ગુજરાત ટાઈટન્સના માલિક બદલાઈ જશે, બે ગુજરાતી કંપનીઓ વચ્ચે રસાકસી
Gujarat titans CVC Capital Partners: ક્રિકેટ જગતના એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. IPLમાં નજીકના સમયમાં એક મોટો ફેરફાર જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ગુજરાત ટાઈટન્સ ટીમની માલિક અને લકઝમબર્ગ સ્થિત CVC કેપિટલ પાર્ટનર્સ તેની માલિકી છોડી દે તેવી શક્યતા છે.
અદાણી ગ્રુપ અને ટોરેન્ટ ગ્રુપ રેસમાં
CVC કેપિટલ પાર્ટનર્સ અદાણી ગ્રુપ અને ટોરેન્ટ ગ્રુપ સાથે ગુજરાત ટાઈટન્સ ટીમની માલિકીમાં મોટા ભાગની હિસ્સેદારી વેચવા અંગે ચર્ચા કરી રહ્યા છે. એક બિઝનેસ દૈનિકના દાવા પ્રમાણે આ પ્રકારનું વેચાણ થાય પછીથી CVC કેપિટલ પાર્ટનર્સ પોતાનો એક નાનકડો હિસ્સો ટીમમાં રાખે તેવી શક્યતા છે.
Gujarat Titans' owners CVC Capital Partners in talks with Adani Group and Torrent Group to sell the majority of the stakes in GT. (Economic Times). pic.twitter.com/e0nJQOCIDc
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 19, 2024
ગુજરાત ટાઈટન્સની ટીમને IPLમાં હજુ ત્રણ વર્ષ જ થયા છે. આમ છતાં તેની વેલ્યુએશન 1થી 1.5 અબજ ડોલર્સ જેટલી કરવામાં આવી રહી છે. આ ટીમે પોતાની પ્રથમ સિઝનમાં જ ટાઇટલ જીત્યું હતું અને બીજી સિઝનમાં તે રનર-અપ બની હતી.
બ્રાન્ડ વેલ્યૂ 124 મિલિયન ડોલર્સ
ગુજરાત ટાઈટન્સની બ્રાન્ડ વેલ્યૂ 124 મિલિયન ડોલર્સ જેટલી છે. જે તમામ IPL ટીમોમાં 8માં ક્રમે છે. આ ટુર્નામેન્ટમાં સૌથી વધારે બ્રાન્ડ વેલ્યૂ ચેન્નઈ સુપર કિંગ્સની છે જે 231 મિલિયન ડોલર્સ છે. IPL ઓવરઓલ વેલ્યુએશન વધીને હવે 16.4 અબજ ડોલર્સ થઈ ગઈ છે. BCCI દ્વારા ડિઝની સ્ટારને ટેલિવિઝન અને વાયકોમ18ને 2022માં ડિજિટલ રાઇટ્સ વેચ્યા હતા ત્યાર પછી તેમાં ફેરફાર થયો હતો. IPL ક્રિકેટ જગતમાં એક એવી ટુર્નામેન્ટ છે જે હજુ આવનારા વર્ષોમાં ખૂબ નવો કરાવી આપે એ પ્રકારનું રોકાણ માનવામાં આવે છે.
2021માં CVC કેપિટલ પાર્ટનર્સ દ્વારા 5625 કરોડ રૂપિયામાં ફ્રેન્ચાઇઝ ખરીદવામાં આવી હતી. BCCIના નિયમો પ્રમાણે ફેબ્રુઆરી 2025 સુધી નવી ટીમ પોતાના માલિકી હકો વેચી શકે નહીં. પરંતુ ત્યાર પછી ફ્રેન્ચાઇઝ પોતાની હિસ્સેદારી વેચવા કાઢી શકે છે. IPL 2021માં બે શહેરની નવી ટીમોની ફ્રેન્ચાઇઝ વેચવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં અદાણી અને ટોરેન્ટ જેવા ગ્રુપ પણ રેસમાં હતા. તેમાં CVC કેપિટલની ઇરેલીયા સ્પોર્ટ્સ ઈન્ડિયાએ બાજી મારી હતી.