ગુજરાત ટાઇટન્સના બેટરે મચાવ્યો કહેર, રૅકોર્ડ સદી ફટકારીને અપાવી શ્રેષ્ઠ જીત
Image: Facebook
Sherfane Rutherford Century: વેસ્ટઇન્ડિઝ અને બાંગ્લાદેશની વચ્ચે ત્રણ વનડે મેચની સિરીઝ રમાઈ રહી છે, જેની પહેલી મેચમાં વેસ્ટઇન્ડિઝે બાંગ્લાદેશને 5 વિકેટથી હરાવી દીધું. આ મેચમાં વેસ્ટઇન્ડિઝ માટે શેરફેન રદરફોર્ડે દમદાર બેટિંગનું ઉદાહરણ રજૂ કર્યું. તેણે સદી ફટકારીને પોતાના દમ પર ટીમને જીત અપાવી છે અને સૌથી મોટો હીરો સાબિત થયો છે. બાંગ્લાદેશે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. તે બાદ 295 રનનો ટાર્ગેટ આપ્યો જેના જવાબમાં વેસ્ટઇન્ડિઝે સાઈ હોપ અને શેરફેન રદરફોર્ડની દમદાર ઇનિંગના કારણે ટાર્ગેટ ચેઝ કરી દીધો.
રદરફોર્ડે કરિયરની પહેલી સદી ફટકારી
વેસ્ટઇન્ડિઝની શરુઆત ખૂબ જ ખરાબ રહી હતી. ઓપનર બ્રેન્ડન કિંગ (9 રન) અને એવિન લેવિસ (16 રન) કંઈ ખાસ કમાલ કરી શક્યા નહીં. કેસી કાર્ટી પણ માત્ર 21 રન જ બનાવી શક્યા. તે બાદ કૅપ્ટન સાઈ હોપ અને શેરફેન રદરફોર્ડે રન બનાવવાની જવાબદારી સંભાળી. રદરફોર્ડે 80 બોલમાં જ 113 રન બનાવ્યા, જેમાં 7 ચોગ્ગા અને 8 છગ્ગા સામેલ હતાં. તેમણે પોતાના કરિયરની પહેલી સદી ફટકારી છે. કૅપ્ટન સાઈએ 88 બોલમાં 86 રન બનાવ્યા. આ પ્લેયર્સના કારણે જ ટીમ મેચ જીતી ગઈ.
વનડેમાં સતત પાંચમો ફિફ્ટી પ્લસ સ્કોર
શેરફેન રદરફોર્ડે વર્ષ 2023માં વેસ્ટઇન્ડિઝ માટે ડેબ્યુ કર્યું હતું. આ સમયે તે શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે અને તે ખૂબ રન બનાવી રહ્યા છે. તે વનડે ક્રિકેટમાં સતત પાંચ ફિફ્ટી પ્લસ સ્કોર બનાવી ચૂક્યા છે. આ સાથે તેમણે ક્રિસ ગેલ, સાઈ હોપ અને ગોર્ડન ગ્રીનિજની બરાબરી કરી લીધી છે. આ પ્લેયર્સ પણ વનડેમાં સતત પાંચ વખત ફિફ્ટી પ્લસ સ્કોર બનાવી ચૂક્યા છે. રદરફોર્ડ અત્યાર સુધી 10 વનડે મેચમાં કુલ 443 રન બનાવી ચૂક્યા છે, જેમાં એક સદી અને 5 અડધી સદી સામેલ છે. તેમના નામે ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પણ 428 રન નોંધાયા છે. તેમણે ટેસ્ટ ક્રિકેટમાં હજુ ડેબ્યુ કર્યું નથી.
ODIમાં વેસ્ટઇન્ડિઝ માટે સતત સૌથી વધુ ફિફ્ટી પ્લસ સ્કોર
6 - ગૉર્ડન ગ્રીનિઝ (1979-1980)
5 - ક્રિસ ગેલ (2018-2019)
5 - સાઈ હોપ (2020-2021)
5 - શેરફેન રદરફોર્ડ (2024)
4 - વિવિયન રિચર્ડ્સ (1979-1980)
મેગા ઑક્શનમાં ગુજરાતની ટીમે ખરીદ્યો
IPL માં શેરફેન રદરફોર્ડે દિલ્હી કેપિટલ્સ અને આરસીબી માટે ક્રિકેટ રમી છે. જેમાં તેણે 10 મેચમાં કુલ 106 રન બનાવ્યા છે. આ વખતે આઇપીએલ મેગા ઑક્શન 2025માં તેમણે ગુજરાત ટાઇટન્સની ટીમે ખરીદ્યો છે. આ માટે ગુજરાતની ટીમે 2 કરોડ 60 લાખ રૂપિયા ચૂકવ્યા છે.