IPL 2025માં ગુજરાતી ક્રિકેટરને મળી મોટી જવાબદારી! ગુજરાત ટાઈટન્સની ટીમ સાથે જોડાશે
Gujarat Titans Appoint Parthiv Patel As Batting Coach : ભૂતપૂર્વ વિકેટકીપર અને બેટર પાર્થિવ પટેલ આગામી IPL 2025માં એક નવી ભૂમિકામાં જોવા મળશે. ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ હાલ પાર્થિવ કોમેન્ટ્રીમાં સક્રિય છે. પરંતુ હવે તે કોમેન્ટ્રીને બદલે IPLમાં ટીમનું કોચિંગ કરતો જોવા મળશે. ગુજરાત ટાઇટન્સે પાર્થિવ પટેલને IPLની આગામી સિઝન માટે બેટિંગ અને સહાયક કોચ તરીકે નિમણૂક કરી છે. પાર્થિવ મુખ્ય કોચ આશિષ નેહરાના નેતૃત્વમાં સપોર્ટ સ્ટાફમાં બેવડી ભૂમિકા ભજવશે.
પાર્થિવની 17 વર્ષની શાનદાર કારકિર્દીનો અનુભવ ટીમને કામ લાગશે
ગુજરાત ટાઇટન્સ ફ્રેન્ચાઇઝીએ જણાવ્યું હતું કે, 'ગુજરાત ટાઇટન્સ તેના નવા સહાયક અને બેટિંગ કોચ તરીકે પાર્થિવ પટેલની નિમણૂક કરવાની જાહેરાત કરતાં છે. આ ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપર અને બેટરની 17 વર્ષની શાનદાર કારકિર્દીનો અનુભવ ટીમને કામ લાગશે. ટાઇટન્સ આગામી IPLની સિઝન માટે તૈયારી કરી રહ્યું છે. તેથી આ સ્થિતિમાં પાર્થિવની બેટિંગ ટેકનિક અને વ્યૂહરચના તૈયાર કરવાની ક્ષમતા ખેલાડીઓના કૌશલ્યને વધારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.'
પહેલી વખત પાર્થિવ પટેલ આ ભૂમિકામાં જોવા મળશે
પાર્થિવ પટેલે વર્ષ 2020માં ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. આ પહેલીવાર હશે જ્યારે તે IPLમાં કોચની ભૂમિકા ભજવતો જોવા મળશે. તે છેલ્લી ત્રણ સિઝનથી મુંબઈ ઈન્ડિયન્સ માટે ટેલેન્ટ સ્કાઉટ તરીકે કામ કરી રહ્યો હતો. તે ILT20ની પહેલી સિઝનમાં MI અમીરાતનો બેટિંગ કોચ પણ હતો.
પાર્થિવ પટેલની ક્રિકેટ કારકિર્દી
પોતાની ક્રિકેટ કારકિર્દી દરમિયાન પાર્થિવે 25 ટેસ્ટ મેચોમાં 934 રન બનાવ્યા હતા. જેમાં 6 અડધી સદીનો સમાવેશ થાય છે. આ સિવાય તેણે વિકેટકીપિંગ કરતા 10 સ્ટમ્પિંગ કરીને વિકેટ પાછળ 62 કેચ પકડ્યા હતા. 38 વન-ડે આંતરરાષ્ટ્રીય મેચોમાં પાર્થિવે 4 અડધી સદીની મદદથી 736 રન બનાવ્યા છે. તેણે વિકેટ પાછળ 39 આઉટ કર્યા છે. જેમાં 30 કેચ અને 9 સ્ટમ્પિંગનો સમાવેશ થાય છે. પાર્થિવે 2 T20I મેચમાં 36 રન બનાવ્યા હતા.