ભારતના આ સ્ટેડિયમ સામે સંકટ, 1 વર્ષનો પ્રતિબંધ લાગવાની શક્યતા, બે વિદેશી ટીમોની મેચ ટલ્લે ચઢી
Greater Noida, Shaheed Vijay Singh Pathik Stadium: 9 સપ્ટેમ્બરથી ગ્રેટર નોઇડાના શહીદ વિજય સિંહ પથિક સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચેની એકમાત્ર ટેસ્ટ શરુ થવાની હતી, પરંતુ બે દિવસ વીતી ગયા પછી પણ મેચ હજુ શરુ થઈ શકી નથી. હજુ મેચનો ટોસ પણ થયો નથી. કારણ કે પહેલા દિવસે જ ભીની જમીનને કારણે ટોસમાં સતત વિલંબ થયો હતો અને અંતે આખો દિવસ વેડફાઈ ગયો હતો. બીજા દિવસે રમત શરુ થવાની આશા હતી, પરંતુ મેદાન ભીનું હોવાના કારણે સતત બીજા દિવસે પણ રમત ચાલુ થઈ શકી ન હતી.
હવે ત્રીજા દિવસે પણ સાંજે ભારે વરસાદ થવાના કારણે મેદાન વધારે ભીનું થઈ ગયું હતું. જેથી કરીને ત્રીજા દિવસે મેચ યોજાય તેવી શક્યતા ઓછી છે. આ સ્થિતિમાં હવે બધાની નજર મેચ રેફરી જવાગલ શ્રીનાથ પર છે. તે મેદાનના ભીના આઉટફિલ્ડનું મૂલ્યાંકન કરશે અને પછી રિપોર્ટ આપશે.
સ્ટેડિયમમાં અવ્યવસ્થા અને સુવિધાનો અભાવ
હકીકતમાં ગ્રેટર નોઇડાનું આ ક્રિકેટ સ્ટેડિયમ અવ્યવસ્થા અને સુવિધાના અભાવના કારણે પહેલા દિવસથી જ ચર્ચામાં છે. આ સ્ટેડિયમમાં મેદાનને વરસાદથી બચાવવા માટે પૂરતા કવર પણ નથી. મેદાન ભીનું થવાના કારણે મેદાન પર ભરાયેલા વધારાના પાણીના નિકાલ માટે સુપર સોપરની વ્યવસ્થા પણ નથી. આ જ કારણ છે કે ટેસ્ટ મેચના પહેલા બે દિવસોમાં મેદાન રમત માટે સંપૂર્ણ રીતે તૈયાર થઈ શક્યું નથી. બાકીની કામગીરી બિનઅનુભવી ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા પૂર્ણ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: દુલીપ ટ્રોફીની બીજા રાઉન્ડની તમામ ટીમની જાહેરાત, રિંકુ સિંહ સહિત અનેકનું નસીબ ચમક્યું
કોઈ પણ મેચનું આયોજન કરવામાં આવતું નથી
ગ્રેટર નોઇડાના આ ક્રિકેટ સ્ટેડિયમમાં માત્ર આંતરરાષ્ટ્રીય મેચો જ નહીં, પરંતુ ડોમેસ્ટિક મેચોનું પણ આયોજન કરવામાં આવતું નથી. 2019 બાદ BCCIએ અહીં કોઈપણ ઘરેલું મેચનું આયોજન કર્યું નથી. સ્ટેડિયમની ખરાબ હાલતને જોતાં ભવિષ્યમાં કોઈપણ મેચ યોજવાની શક્યતાઓ ઓછી છે.
1 વર્ષ માટે સસ્પેન્ડ થઈ શકે
ICCની 'પીચ અને આઉટફિલ્ડ મોનિટરિંગ પ્રોસિજર' અનુસાર, દરેક મેચ થઈ ગયા પછી મેચ રેફરી પીચ અને આઉટફિલ્ડ રિપોર્ટના ફૉર્મને ICCના સિનિયર ક્રિકેટ ઑપરેટર મેનેજરને મોકલવું જરૂરી છે. આ રિપોર્ટ મળ્યાના 14 દિવસની અંદર મેનેજર તે રિપોર્ટને યજમાન બોર્ડને મોકલે છે. અને તેમને સ્ટેડિયમ પર લાદવામાં આવેલા નકારાત્મક પોઇન્ટ્સની જાણ કરે છે. જો ગ્રેટર નોઇડા સ્ટેડિયમને 6 કે તેથી વધુ નકારાત્મક પોઇન્ટ્સ મળે છે, તો તેને 1 વર્ષ માટે આંતરરાષ્ટ્રીય મેચો યોજવાથી સસ્પેન્ડ કરવામાં આવી શકે છે.