Get The App

100 ટેસ્ટ મેચ રમી ચૂકેલા દિગ્ગજ પૂર્વ ક્રિકેટરના નિધનથી રમતજગતમાં શોક

Updated: Aug 5th, 2024


Google NewsGoogle News
Graham Thorpe death


ઇંગ્લૅન્ડ અને સરેના ભૂતપૂર્વ બેટ્સમેન ગ્રેહામ થોર્પ(Graham Thorpe)નું 55 વર્ષની વયે અવસાન થયું હોવાનું ઇંગ્લૅન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે જાહેર કર્યું છે. થોર્પે 1993 અને 2005ની વચ્ચે ઇંગ્લૅન્ડ માટે 100 ટેસ્ટ અને 82 વન-ડે ઇન્ટરનેશનલ રમ્યા હતા.

ગ્રેહામ થોર્પ એક સ્ટાઇલિશ લેફટી બેટર હતા. તેમણે ઇંગ્લૅન્ડ માટે 44.66ની સરેરાશથી 16 સદી સહિત 6,744 ટેસ્ટ રન બનાવ્યા હતા. ECBએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ગ્રેહામના મૃત્યુથી અમને જે ઊંડો આઘાત લાગ્યો છે તેનું વર્ણન કરવા માટે કોઈ શબ્દો યોગ્ય નથી. તેઓ ઇંગ્લૅન્ડના અત્યાર સુધીના શ્રેષ્ઠ બેટ્સમેનોમાંના એક હતા. આ ઉપરાંત, તેઓ સમગ્ર વિશ્વના ક્રિકેટ ચાહકો દ્વારા સન્માન પામ્યા હતા.

"તેમની બેટિંગ અને ક્રિકેટ સ્કિલ્સ તો બેજોડ હતી જ, સાથે તેઓ 13 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં શાનદાર રમત બતાવી શક્યા હતા. તેઓ ઇંગ્લૅન્ડ અને સરેની ક્રિકેટ ટીમ માટે ખૂબ મહત્ત્વના ખેલાડી રહ્યા હતા. ત્યાર પછી એક કોચ તરીકે, રમતના તમામ ફોર્મેટમાં કેટલીક અવિશ્વસનીય જીત માટે અને ઇંગ્લૅન્ડ ક્રિકેટ ટીમના શ્રેષ્ઠ પ્રદર્શન અને ખેલાડીઓની પ્રતિભા બહાર લાવવા માટે પણ યશના હકદાર છે.''

"ક્રિકેટ જગત આજે શોકમાં છે. આ અકલ્પનીય મુશ્કેલ સમય દરમિયાન અમે તેમની પત્ની અમાન્ડા, તેના બાળકો, પિતા જ્યોફ અને તેના પરિવાર અને મિત્રોને સાંત્વના આપીએ છીએ. અમે ગ્રેહામને રમતમાં તેમના અસાધારણ યોગદાન માટે હંમેશા યાદ રાખીશું."


Google NewsGoogle News