Good Bye 2023 : ટેનિસમાં યોકોવિચની બાદશાહત કાયમ, અલકારાઝનો પણ ઉદય

Updated: Dec 30th, 2023


Google NewsGoogle News
Good Bye 2023 : ટેનિસમાં યોકોવિચની બાદશાહત કાયમ, અલકારાઝનો પણ ઉદય 1 - image

ટેનિસમાં યોકોવિચની રેકોર્ડ ૨૪ ગ્રાન્ડ સ્લેમ સાથે બાદશાહત કાયમ : અલકારાઝનો પણ ઉદય 

ટેનિસ જગત પર સર્બિયાના દિગ્ગજ ખેલાડી યોકોવિચનો દબદબો જોવા મળ્યો હતો. યોકોવિચે ઓસ્ટ્રેલિયન ઓપન, ફ્રેન્ચ ઓપન અને યુએસ ઓપન જીતવાની સાથે સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ જીતવાનો વર્લ્ડ રેકોર્ડ ૨૪ પર પહોંચાડયો હતો. નડાલ ૨૨ ગ્રાન્ડ સ્લેમ સાથે બીજા ક્રમે આવી ગયો હતો. યોકોવિચે રેકોર્ડ આઠમી વખત વર્ષનો અંત નંબર વન તરીકે આણ્યો હતો અને તેણે સાતમી વખત સિઝનની આખરી એટીપી ફાઈનલ્સ પણ જીતી હતી. યોકોવિચની બાદશાહત વચ્ચે પણ સ્પેનના યુવા ખેલાડી અલકારાઝે તેની પ્રતિભાનો ચમકારો દેખાડયો હતો. અલકારાઝે યોકોવિચને હરાવીને વિમ્બલડન ટાઈટલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. જોકે ત્યાર બાદ તે સાતત્ય દેખાડી શક્યો નહતો.

સ્વિયાટેક અને સબાલેન્કા વચ્ચે મહિલા ટેનિસમાં કશ્મકશ

પોલેન્ડની ઈગા સ્વિયાટેક અને બેલારૂસની સબાલેન્કા વચ્ચે મહિલા ટેનિસમાં પ્રભુત્વ માટેની કશ્મકશ વર્ષ દરમિયાન યોજાવા મળી હતી. સબાલેન્કા ઓસ્ટ્રેલિયન ઓપન તો સ્વિયાટેક ફ્રેન્ચ ઓપન જીતી હતી. મહિલા ટેનિસમાં ચારેય ગ્રાન્ડ સ્લેમ અલગ-અલગ ખેલાડીએ જીત્યા હતા. ચેક રિપબ્લીકની વોન્ડ્રોસોવાએ વિમ્બલડન અને અમેરિકાની ટીનએજર ગૉફે યુએસ ઓપનનો ખિતાબ હાંસલ કર્યો હતો. સ્વિયાટેકે વર્લ્ડ નંબર વન તરીકે શરૂઆત કરી હતી. જોકે, સબાલેન્કાએ તેનો તાજ આંચકી લીધો હતો. આખરે સ્વિયાટેકે ફરી વર્લ્ડ નંબર વન તરીકેનો ખિતાબ પાછો મેળવ્યો હતો. 

સ્પેનના મહિલા ફૂટબોલ વર્લ્ડ કપ વિજયને વિવાદનું ગ્રહણ

મહિલા ફૂટબોલના ઈતિહાસમાં સૌપ્રથમ વખત જ સેમિ ફાઈનલ અને ફાઈનલ સુધીની સફર ખેડનારા સ્પેને ટાઈટલ જીતવાની સાથે આગવો ઈતિહાસ રચી દીધો હતો. ફાઈનલમાં સ્પેને ૧-૦થી ઈંગ્લેન્ડને પરાજય આપ્યો હતો અને ખિતાબ પર કબજો જમાવ્યો હતો. સ્પેનની ઐતાના બોનમાતીને પ્લેયર ઓફ ધ મેચ તરીકેનો ગોલ્ડન બોલ એનાયત કરવામાં આવ્યો હતો. જોકે સ્પેનના મહિલા ફૂટબોલની આ ઐતિહાસિક સફળતા બાદ ટ્રોફીના સમારંભ દરમિયાન સ્પેનિશ ફૂટબોલ સંઘના વડા રુબિયાલેસે ચેમ્પિયન ટીમની ખેલાડી હેર્મોસોને કિસ કરતાં ઉગ્ર વિવાદ સર્જાયો હતો. વૈશ્વિક સ્તરે ભારે ચર્ચા જગાવનારા આ વિવાદને પગલે રુબિયાલેસ પર ફિફાએ પ્રતિબંધ મૂક્યો હતો અને સ્પેનમાં તેમની સામે ફોજદારી કેસ ચલાવવામાં આવ્યો હતો.

હોકીમાં જર્મની ત્રીજી વખત વિશ્વ વિજેતા

જર્મનીએ ત્રીજી વખત મેન્સ હોકી વર્લ્ડ કપ જીતવાની સાથે રેકોર્ડ બુકમાં સ્થાન મેળવી લીધું હતુ. ભુવનેશ્વરમાં રમાયેલી ફાઈનલમાં જર્મનીએ પેનલ્ટી શૂટઆઉટમાં બેલ્જીયમને ૫-૪થી મહાત કરતાં ટાઈટલ જીત્યું હતુ. બેલ્જીયમનું સતત બીજો વર્લ્ડ કપ જીતવાનું સ્વપ્ન રોળાયું હતુ. જ્યારે જર્મની ૨૦૦૬ પછી પહેલી વખત વિશ્વવિજેતા બન્યું હતુ.

સ્વિમિંગની ગોલ્ડન ગર્લ કેટી લેડેકી

અમેરિકાની કેટી લેડેકીએ સ્વિમિંગની ગોલ્ડન ગર્લ તરીકેની તેની ઓળખને જાળવી રાખતાં ફિના વર્લ્ડ ચેમ્પિયનશિપમાં વધુ બે સુવર્ણ જીતી કારકિર્દીના કુલ સુવર્ણ ચંદ્રકની સંખ્યા ૨૧ પર પહોંચાડી હતી. લેડેકીએ જાપાનના ફુકુઓકામાં યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં કારકિર્દીનો ૧૬મો વ્યક્તિગત સુવર્ણ ચંદ્રક જીતવાની સાથે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સૌથી વધુ ૧૫ સુવર્ણ ચંદ્રક જીતવાના માઈકલ ફેલ્પ્સના રેકોર્ડને તોડી નાંખ્યો હતો.

ફેથ કિપ્યેગોન : વર્લ્ડ બેસ્ટ એથ્લીટના ડબલ ગોલ્ડ

કેન્યાની ૨૯ વર્ષની એથ્લીટ ફેથ કિપ્યેગોને ૨૦૨૩માં ૧૫૦૦ અને ૫૦૦૦ મીટરની સાથે એક માઈલની દોડમાં નવો વિશ્વવિક્રમ સર્જ્યો હતો. બુડાપેસ્ટ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તેણે તેની ટ્રેડમાર્ક ૧૫૦૦ મીટરની દોડની સાથે પાંચ હજાર મીટરમાં પણ સુવર્ણ સિદ્ધિ હાંસલ કરી હતી. તે છેલ્લા ૫૪ વર્ષમાં પહેલી એવી મહિલા ખેલાડી બની હતી, જેના નામે ૧૫૦૦ અને ૫૦૦૦ મીટરના વર્લ્ડ રેકોર્ડ હોય. તેને વર્ષની શ્રેષ્ઠ એથ્લીટ પણ જાહેર કરવામાં આવી હતી.

ફોર્મ્યુલા વન કાર રેસિંગમાં ડચ રેસર મેક્સ વર્સ્ટાપ્પનની હેટ્રિક 

વિશ્વની એલિટ કાર રેસિંગ - ફોર્મ્યુલા વન ચેમ્પિયનશિપમાં રેડબુલ ટીમના ડચ રેસર મેક્સ વર્સ્ટાપ્પને સળંગ ત્રીજા વર્ષે રેસર્સ ચેમ્પિયનશિપ જીતી લેવાની સાથેે અનોખી હેટ્રિક સર્જી હતી. વર્સ્ટાપ્પને વિશ્વભરના રેસિંગ ટ્રેક પર આગવું પ્રભુત્વ જમાવતા ૨૨માંથી ૧૯ રેસ જીતીને અનોખો રેકોર્ડ સર્જી દીધો હતો. વર્સ્ટાપ્પને જ અગાઉ ૨૦૨૨ની સિઝનમાં ૧૫ રેસ પોતાના નામે કરી હતી. 

લેબ્રોન જેમ્સ : એનબીએના ઈતિહાસનો હાઈએસ્ટ સ્કોરર

અમેરિકાની અતિ પ્રતિષ્ઠિત બાસ્કેટબોલ લીગ - એનબીએના ઈતિહાસમાં સૌથી વધુ પોઈન્ટ્સ નોંધાવવાનો કરીમ અબ્દુલ-જબ્બારનો ૩૯ વર્ષ જૂનો રેકોર્ડ લેબ્રોન જેમ્સે તોડી નાંખ્યો હતો. અબ્દુલ-જબ્બારનો એનબીએના ઈતિહાસમાં સૌથી વધુ ૩૮,૩૮૭ પોઈન્ટ્સનો રેકોર્ડ લોસ એંજલસ લેકર્સ તરફથી રમતાં લેબ્રોને ૮મી ફેબુ્રઆરી, ૨૦૨૩ના રોજ તોડી નાંખ્યો હતો. લેબ્રોને આ રેકોર્ડને વધુ મુશ્કેલ બનાવતા કુલ પોઈન્ટ્સને ૩૯,૩૦૭ પર પહોંચાડયા હતા. 

ચીનનો ડિંગ લિરેન ચેસનો નવો વિશ્વવિજેતા

ચીનના ૩૧ વર્ષના ડિંગ લિરેને રશિયાના ઈયાન નિપોમ્નિશીને હરાવીને ચેસના ક્લાસિકલ ફોર્મેટમાં વર્લ્ડ ચેમ્પિયન તરીકેનો ખિતાબ હાંસલ કર્યો હતો. છેલ્લા ૧૦ વર્ષથી ચેમ્પિયન તરીકેનું એકહથ્થુ સામ્રાજ્ય ધરાવતા નોર્વેના કાર્લસને આ વખતે ટાઈટલ જાળવવાની અનિચ્છા દર્શાવી હતી, જેના કારણે વર્લ્ડ ચેમ્પિયનના ચેલેન્જરને નક્કી કરવા માટે રમાતી કેન્ડીડેડ માસ્ટર્સ ટુર્નામેન્ટમાં ટોચના બે સ્થાન ધરાવતા ખેલાડીઓ વચ્ચે વર્લ્ડ ટાઈટલ માટે જંગ ખેલાયો હતો અને ૨૦૨૧ બાદ સતત બીજી વખત વર્લ્ડ ચેમ્પિયનશિપ રમી રહેલા નિપોમ્નિશીને ફરી હારનો સામનો કરવો પડયો હતો. નિર્ધારિત ૧૪ ગેમ બાદ મુકાબલો ડ્રો રહેતા ટાઈબ્રેકરના ચોથા મુકાબલાના અંતે વિજેતાનો નિર્ણય લેવાયો હતો.

નોહ લાયલ્સઃ ટ્રેક ઈવેન્ટનો નવો અમેરિકન કિંગ

અમેરિકાના નોહ લાયલ્સે વિશ્વના શ્રેષ્ઠ ટ્રેક એથ્લીટ તરીકેની તેની પ્રતિભાને નવી ઊંચાઈએ પહોંચાડતાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ત્રેવડા સુવર્ણ ચંદ્રકો જીતી લઈને ખળભળાટ મચાવ્યો હતો. નોહને ૨૦૦ મીટરની દોડમાં આ સતત ત્રીજી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં કોઈ હરાવી શક્યું નહતુ. જ્યારે તેણે ૧૦૦ અને ૧૦૦ બાય ૪૦૦ મીટર રિલે એમ વધુ બે સુવર્ણ ચંદ્રકો પણ હાંસલ કરતાં વિશ્વના એથ્લીટ તરીકેનું ગૌરવ મેળવ્યું હતુ.

સિમોન બાઈલ્સનું બે વર્ષ બાદ ધમાકેદાર પુનરાગમન

અમેરિકાની લેજન્ડરી જિમ્નાસ્ટ સિમોન બાઈલ્સે બે વર્ષના બ્રેક બાદ ધમાકેદાર પુનરાગમન કર્યું હતુ. ડિપ્રેશનને કારણે ટોક્યો ઓલિમ્પિક સુધી પહોંચ્યા બાદ સિમોને ભાગ લીધો નહતો. જોકે આ વર્ષે તેણે ફરી સ્પર્ધામાં ઝંપલાવ્યું હતુ અને રેકોર્ડ આઠમી વખત નેશનલ ચેમ્પિયનશિપ જીતી હતી. તેણે એન્ટવર્પમાં યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ઓલઅરાઉન્ડ ઈવેન્ટમાં છઠ્ઠી વખત ટાઈટલ જીત્યું હતુ.

માંચેસ્ટર સિટીનો એક જ સિઝનમાં પાંચ ટાઈટલ જીતવાનો રેકોર્ડ 

ઈંગ્લિશ ફૂટબોલ કલબ માંચેસ્ટર સિટીએ ઈંગ્લિશ પ્રીમિયર લીગ, લીગ કપની સાથે ચેમ્પિયન્સ લીગ અને યુઈએફએ સુપર કપ તેમજ હવે ફિફા કલબ વર્લ્ડ કપ એમ એક જ સિઝનમાં પાંચ ટાઈટલ જીતીને રેકોર્ડ સર્જ્યો હતો. માંચેસ્ટર સિટીના સુપરસ્ટ્રાઈકર હાલેન્ડે ઈપીએલની સિઝનમાં ૩૬ ગોલ ફટકારીને ખળભળાટ મચાવ્યો હતો. ચેમ્પિયન્સ લીગની ફાઈનલમાં સિટીએ ૧-૦થી ઈન્ટર મિલાન કલબને હરાવી હતી. જ્યારે ફિફા કલબ વર્લ્ડ કપની ફાઈનલમાં તેમણે બ્રાઝિલયન કલબ ફ્લુમિનેન્સે એફસીને ૪-૦થી હરાવીને ખિતાબ હાંસલ કર્યો હતો. 

ડુપ્લાન્ટીસે સાતમી વખત વર્લ્ડ રેકોર્ડ તોડયો

પોલ વોલ્ટની દુનિયામાં જીવંત દંતકથા સમાન બની ગયેલા માત્ર ૨૪ જ વર્ષના એથ્લીટ અર્માન્ડ ડુપ્લાન્ટીસે રેકોર્ડ સાતમી વખત વર્લ્ડ રેકોર્ડ તોડવાની સાથે વર્લ્ડ ચેમ્પિયન તરીકેનો તાજ જાળવી રાખ્યો હતો. ચાલુ વર્ષે બે વખત વર્લ્ડ રેકોર્ડ તોડયો હતો અને છેલ્લે તેણે ૧૭ સપ્ટેમ્બરે તેણે ૬.૨૩ મીટરનો નવો અને આખરી વિશ્વવિક્રમ નોંધાવ્યો હતો.

ક્રિસ્ટીયાનો રોનાલ્ડોએ વધુ એક માઈલસ્ટોન પાર કર્યો

ફૂટબોલ જગતના સુપરસ્ટાર ક્રિસ્ટીયાનો રોનાલ્ડોએ વધુ એક માઈલસ્ટોન પાર કરતાં આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં ૨૦૦ મેચ રમનારા સૌપ્રથમ ખેલાડી તરીકેનું ગૌરવ મેળવ્યું હતુ. આ સાથે તેને ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું હતુ. તેણે દે ધનાધન ગોલ ફટકારવાનો સિલસિલો આગળ ધપાવતા ૨૦૨૩માં કુલ ૫૧ ગોલ ફટકાર્યા હતા અને અલ-નાસરને પહેલીવાર આરબ કપમાં ચેમ્પિયન બનાવ્યું હતુ.

બેડમિંટનમાં નવા સિતારાનો ચમકારો

બેડમિંટનના પુરુષ અને મહિલા સિંગલ્સમાં આ વખતે નવા વર્લ્ડ ચેમ્પિયન જોવા મળ્યા હતા. થાઈલેન્ડના કુન્લાવુત વિટિડસર્ને મેન્સ સિંગલ્સ અને સાઉથ કોરિયાની એન સે યંગે વિમેન્સ સિંગલ્સ ટાઈટલ પોતાના નામે કર્યા હતા. રસપ્રદ બાબત એ હતી કે, બંને ખેલાડીઓ બેડમિંટનમાં વર્લ્ડ ચેમ્પિયન બનેલા તેમના દેશના સૌપ્રથમ ખેલાડી બન્યા હતા.

ફૂટબોલનો જાદુગર મેસી ઈન્ટર માયામીમાં સામેલ : રેકોર્ડ ૮મી વખત બાલોન ડી ઓર જીત્યો

આર્જેન્ટીનાને ફૂટબોલમાં વિશ્વ વિજેતા બનાવનારા કેપ્ટન લિઓનેલ મેસીએ પીએસજી કલબ છોડી દીધી હતી. મેસીને કરારબદ્ધ કરવા માટે સાઉદી અરેબિયાની અલ હિલાલ કલબે ૧૫૦ કરોડ યુરો (આશરે ૧૩,૭૦૦ કરોડથી વધુ રૂ.)ની લોભામણી ઓફર આપી હતી. જોકે મેસીએ રૂપિયા કરતાં પરિવારને પ્રાધાન્ય આપ્યું હતુ અને અમેરિકાના મેજર લીગ સોકરની ઈન્ટર માયામી કલબ સાથે જોડાયો હતો. તેણે માયામીને લીગ કપ જીતાડયો હતો. મેસીએ રેકોર્ડ આઠમી વખત બાલોન ડી ઓર એવોર્ડ જીતીને અનોખો ઈતિહાસ રચી દીધો હતો.


Google NewsGoogle News