Good Bye 2023 : ભારતીય ક્રિકેટ : સોનું તો રહ્યું, પણ સુગંધની કસર રહી ગઈ...
વનડે વર્લ્ડકપમાં સળંગ ૧૦ વિજય બાદ ભારતને એકમાત્ર હાર ફાઈનલમાં મળી
ટેસ્ટ ચેમ્પિયનશીપમાં પણ ભારત ફાઈનલમાં જ ફસક્યું
ભારતીય ક્રિકેટ જગત માટે ૨૦૨૩નું વર્ષ સોના જેવું તો રહ્યું પણ તેમાં સુગંધની કસર રહી ગઈ અને આ જ કારણે ક્રિકેટરોની સખત મહેનત, ચાહકોનું જબરજસ્ત સમર્થન અને પ્રાયોજકોના કરોડોના કેમ્પેઈન અને વિક્રમી સફળતા છતાં સ્હેજ માટે આઈસીસી ટ્રોફી ચૂકી જવાનો રંજ પણ રહી ગયો. આઈસીસીની ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ અને વન ડે વર્લ્ડ કપની ફાઈનલ સુધીની ભારતની ધમાકેદાર પર્ફોર્મન્સ સાથેની સફર એન્ટી ક્લાઈમેક્સ સાથે પુરી થઈ. રોહિતની કપ્તાની, ગીલની વિસ્ફોટક બેટિંગ, કોહલીની ૫૦મી વન ડે સદી અને શમીનો ઝંઝાવાતી ફાસ્ટ બોલિંગ સહિતના યાદગાર દેખાવોથી ભરચક રહેલા વર્ષ ૨૦૨૩માં ભારત ૭માંથી ૩ ટેસ્ટ જીત્યું અને બે હાર્યુ હતુ. જ્યારે બે મેચ ડ્રો રહી હતી. ભારતે વર્ષ દરમિયાન ૩૪માંથી ૨૬ વન ડેની જીત અને માત્ર ૭માં હારનો પ્રભાવશાળી રેકોર્ડ નોંધાવ્યો હતો. ટી-૨૦માં ટીમ ઈન્ડિયા ૨૩માંથી ૧૫ જીતી અને ૭ હારી હતી. વ્હાઈટબોલના બંને ફોર્મેટમાં ૧-૧ મેચ અનિણત રહી હતી. આમ છતાં ટેસ્ટ ચેમ્પિયનશિપ અને વન ડે વર્લ્ડ કપની ફાઈનલની હારનો કડવો ઘૂંટડો ભારત માટે ગળાની નીચે ઉતારવો ખુબ જ મુશ્કેેલ રહ્યો હતો. ભારતને તિલક વર્મા, રિન્કુ સિંઘ તેમજ મુકેશ કુમાર જેવા ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરતાં ઉજ્જવળ ભવિષ્યનો વિશ્વાસ જગાવ્યો છે. ત્રણેય ફોરમેટમાં ભારતે નંબર વન બનવાની સિધ્ધી આ વર્ષે મેળવી હતી.
વિરાટ કોહલી વન ડેમાં ૫૦ સદી સાથે આસમાન સે આગે...
ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન અને ક્રિકેટ ઈતિહાસના એવરગ્રીન બેટ્સમેનોમાં સ્થાન ધરાવતા વિરાટ કોહલીએ આઈસીસી વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે સદી ફટકારતાં કારકિર્દીની ૫૦ વન ડે સદીનો અનોખા વિશ્વવિક્રમ રચી દીધો હતો. કોહલીએ વન ડેમાં સૌથી વધુ ૪૯ સદી ફટકારનારા તેંડુલકરને પાછળ રાખતાં આ સિદ્ધિ હાંસલ કરનારા વિશ્વના સૌપ્રથમ બેટર તરીકેનું ગૌરવ મેળવ્યું હતુ. તેના નામે ૨૦૨૩માં ટેસ્ટ અને વન ડેમાં કુલ ૮ સદી અને ૯ અડધી સદી નોંધાઈ હતી. ભારતીય ક્રિકેટના દિગ્ગજ બેટ્સમેને જબરજસ્ત ફોર્મને જારી રાખતાં દુનિયાના ટોચના બેટ્સમેનોમાં આગવું સ્થાન હાંસલ કર્યું છે. કોહલી આગામી સમયમાં વન ડેમાં સૌથી વધુ સદીના વર્લ્ડ રેકોર્ડને તેના અનુગામીઓ માટે વધુ મુશ્કેલ બનાવવાની કોશીશ કરશે. જોકે પુનર્ગઠન તરફ આગળ વધી રહેલી ભારતીય ટીમમાં તે ક્યાં સુધી સ્થાન ટકાવી રાખવામાં સફળ થાય છે, તે જોવાનું રહેશે.
હિટમેટ રોહિત શર્મા કેપ્ટન્સીના યુગ અસ્ત ?
હિટમેન તરીકેની આગવી ઓળખ ધરાવતા રોહિત શર્માએ આ વર્ષે પણ ઓપનિંગમાં વિસ્ફોટક બેટિંગને સહારે ટીમને મક્કમ શરુઆત અપાવી હતી. લો-પ્રોફાઈલ વ્યક્તિત્વ અને ટીમ મેન તરીકેની છાપ ધરાવતા રોહિતે ટેસ્ટ અને વન ડેમાં ભારતને ચેમ્પિયન બનાવવાની નજીક પહોંચાડયું હતુ, પણ તે થોડા માટે ચૂકી ગયો હતો. વન ડે વર્લ્ડ કપમાં તેની ઝંઝાવાતી શરુઆતે ચાહકોને એક જમાનાના જયસૂર્યા-કાલુવિથરાનાની યાદ તાજી કરાવી હતી. વન ડે વર્લ્ડ કપની હાર બાદ તેની કેપ્ટન્સી સામે પ્રશ્નાર્થ સર્જાયો છે, ત્યારે મુંબઈ ઈન્ડિયન્સે તેને ૧૦ વર્ષ બાદ કેપ્ટન તરીકે દૂર કરીને હાર્દિકને સુકાન સોંપ્યું હતુ, જેનું અનુકરણ ભારતીય પસંદગીકારો આગામી ટી-૨૦ વર્લ્ડ કપમાં કરશે કે નહીં તે હાલ તો યક્ષ પ્રશ્ન બની રહ્યો છે.
ઓસ્ટ્રેલિયન ક્રિકેટનો દબદબો ટેસ્ટ-વન ડેમાં વર્લ્ડ ચેમ્પિયન
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમે ફરી એક વખત આગવું પ્રભુત્વ જમાવતા એક જ વર્ષમાં ટેસ્ટ અને વન ડેમાં વર્લ્ડ ચેમ્પિયન બનવાની અનોખી સિદ્ધિ હાંસલ કરી હતી. પૅટ કમિન્સના નેતૃત્વ હેઠળની ઓસ્ટ્રેેલિયન ટીમે ક્રિકેટના બંને ફોર્મેટના ખરાખરીના જંગમાં ભારતને પરાજીત કરીને સીમાચિહ્નરુપ સિદ્ધિ હાંસલ કરી હતી. યોગાનુંયોગ બંને ફાઈનલમાં ભારતને ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ટ્રાવિસ હેડ જ ભારે પડયો હતો. તેણે ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ બાદ વન ડે વર્લ્ડ કપની ફાઈનલમાં પણ સદી ફટકારી હતી. ઓસ્ટ્રેેલિયાએ વન ડે વર્લ્ડ કપમાં તેનું પ્રભુત્વ આગળ ધપાવતા રેકોર્ડ છઠ્ઠી વખત ચેમ્પિયન બનવામાં સફળતા હાંસલ કરી હતી.
બિશન સિંઘ બેદી અને સલીમ દુર્રાનીની ચિરવિદાય
ભારતના સ્પિન લેજન્ડ અને ભૂતપૂર્વ કેપ્ટન બિશન સિંઘ બેદીએ ૭૭ વર્ષની વયે ચિરવિદાય લીધી હતી. એક જમાનામાં બેદીની પ્રસન્ના, ચંદ્રશેખર અને વેંકટરાઘવનની સ્પિન બોલિંગની ચોકડીએ આગવો દબદબો સ્થાપિત કર્યો હતો. કેપ્ટન તરીકે પણ બેદીએ કેટલાક વિવાદિત પણ મક્કમ નિર્ણય લીધા હતા. આખાબોલા સ્વભાવને કારણે પણ તેઓ ચર્ચામાં રહ્યા હતા. અફઘાનિસ્તાનમાં જન્મેલા અને જામનગરમાં સ્થાયી થયેલા સલીમ દુર્રાનીએ પણ ૮૮ વર્ષની ઉંમરે ફાની દુનિયાને અલવિદા કહ્યું હતુ. ચાર્મિંગ લૂક અને પ્રેક્ષકોની ફરમાઈશ પર સિક્સર ફટકારવા માટે જાણીતા સલીમ દુર્રાનીએ એક ફિલ્મમાં પણ કામ કર્યું હતુ.
મહિલા ક્રિકેટ ટીમની કમાલ
ભારતની મહિલા ક્રિકેટ ટીમે ઘરઆંગણે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ વિજયની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી હતી. ભારતે ઈંગ્લેન્ડ સામે ઘરઆંગણે સૌપ્રથમ ટેસ્ટ વિજય મેળવ્યો હતો. ભારતનો ૩૪૭ રનનો વિજય મહિલા ટેસ્ટ ઈતિહાસનો સૌથી મોટા અંતરનો વિજય હતો. જે પછી ભારતે ઓસ્ટ્રેલિયા સામે ઈતિહાસનો સૌપ્રથમ ટેસ્ટ વિજય હાંસલ કરતા રેકોર્ડ સર્જ્યો હતો.
ક્રિકેટને અલવિદા...
૨૦૨૩નું વર્ષ ક્રિકેટના કેટલાક સિતારાઓ માટે કારકિર્દીનું પૂર્ણાહુતિ વર્ષ પણ બની રહ્યું હતુ. વર્ષ દરમિયાન નિવૃત્ત થયેલા ધુરંધરમાં ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડનો સમાવેશ થાય છે. ૨૦૦૭ના વર્લ્ડ કપમાં યુવરાજના છ બોલમાં છ છગ્ગા સહન કરવા છતાં ટકી રહેલા બ્રોડે ટેસ્ટમાં સૌથી વધુ ૬૦૪ વિકેટ ઝડપનારા બીજા ક્રમના ફાસ્ટર તરીકે ક્રિકેટને અલવિદા કહ્યુ. ઓસ્ટ્રેેલિયાના આક્રમક ઓપનર અને ૨૦૨૧ના ટી-૨૦ વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન આરોન ફિન્ચે પણ કારકિર્દી પર પૂર્ણ વિરામ મૂક્યું હતુ. આ ઉપરાંત સાઉથ આફ્રિકાના ડી કોકની સાથે ઈંગ્લેન્ડના ડેવિડ વિલી અને અફઘાનિસ્તાનના નવિન ઉલ હકે પણ નિવૃત્તિ લીધી હતી.
સૌરાષ્ટ્રનો રણજી ટ્રોફીમાં યાદગાર વિજય
કેપ્ટન જયદેવ ઉનડકટે બીજી ઈનિંગમાં છ અને મેચમાં કુલ નવ વિકેટ ઝડપતાં સૌરાષ્ટ્રે ત્રણ સિઝનમાં આ બીજી વખત રણજી ટ્રોફી જીતી લીધી હતી. સૌરાષ્ટ્રે ૨૦૧૯-૨૦ની સિઝનની ફાઈનલનું પુનરાવર્તન કરતાં ફાઈનલમાં બંગાળને જ હરાવ્યું હતુ. સૌરાષ્ટ્રનો અર્પિત વસાવડા પ્લેયર ઓફ ધ સિઝન બન્યો હતો.
વેસ્ટ ઈન્ડિઝ ૪૮ વર્ષના ઈતિહાસમાં પહેલીવાર વર્લ્ડ કપમાં ગેરહાજર
ઈ.સ. ૧૯૭૫માં શરુ થયેલા આઇસીસી વર્લ્ડ કપના ઈતિહાસમાં શરૂઆતની બંને ટ્રોફી જીતનારી વિન્ડિઝની ટીમ આ વર્ષેે ભારતની ભૂમિ પર યોજાયેલા વર્લ્ડ કપમાં ક્વોલિફાય પણ થઈ શકી નહતી. વિન્ડિઝની આ નિષ્ફળતા પર ક્રિકેટ જગતે આંચકો અનુભવ્યો હતો. રેન્કિંગમાં છેક પાછળના ક્રમે હોવાથી વિન્ડિઝને ક્વોલિફાયર્સમાં ઉતરવું પડયું હતુ. જોકે સ્કોટલેન્ડ સામેના પરાજય સાથે તેઓ વર્લ્ડ કપની રેસમાંથી બહાર ફેંકાયા હતા.
એક્સિડન્ટલ હીરો વર્લ્ડ કપમાં શમીનો સપાટો
આઈસીસી વર્લ્ડ કપમાં અચાનક જ સુપર હીરો તરીકે ઉભરી આવેલા મોહમ્મદ શમીએ સેમિ ફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે સાત વિકેટ ઝડપવાની સાથે ઈતિહાસ રચી દીધો હતો. તે વન ડેની ઈનિંગમાં સાત વિકેટ ઝડપનારો સૌપ્રથમ ભારતીય બન્યો હતો. તેણે વર્લ્ડ કપ-૨૦૨૩માં સૌથી વધુ ૨૪ વિકેટ ઝડપવાનો રેકોર્ડ પણ સર્જ્યો હતો. હાર્દિક પંડયાને વર્લ્ડ કપની મેચમાં થયેલી ઈજા બાદ શમીને પ્લેઈંગ ઈલેવનમાં તક મળી હતી અને તેણે આ તકને ઝડપી લેતાં ૭ મેચમાં ૨૪ વિકેટ ઝડપી હતી.
આઇપીએલમાં ચેન્નાઈ પાંચમી વખત સુપર કિંગ્સ
આઈપીએલમાં ધોનીની કેપ્ટન્સી હેઠળની ચેન્નાઈની ટીમ પાંચમી વખત સુપર કિંગ્સ બનીને ઉભરી આવી હતી. ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત સામેની અમદાવાદમાં રમાયેલી દિલધડક ફાઈનલ વરસાદના કારણે વિલંબથી શરુ થઈ હતી. મધરાત સુધી ચાલેલા હાઈડ્રામામાં ચેન્નાઈને જીતવા છેલ્લા બે બોલમાં ૧૦ રનની જરુર હતી, ત્યારે મોહિત શર્માની બોલિંગમાં જાડેજાએ છગ્ગા બાદ ચોગ્ગો ફટકારીને ટીમને નાટકીય જીત અપાવી હતી. ગીલે સિઝનમાં ૮૯૦ રન ફટકારી ઓરેન્જ કેપ અને શમીએ ૨૮ વિકેટ સાથે પર્પલ કેપ જીતી હતી.
મહિલા ક્રિકેટરો પર ધનવર્ષા ડબલ્યુપીએલનો શુભારંભ
બીસીસીઆઇએ આઇપીએલની સ્ટાઈલમાં જ મહિલા ક્રિકટેરો માટે પણ વિમેન્સ પ્રીમિયર લીગ શરુ કરવાનું ઐતિહાસિક પગલું આ વર્ષે ભર્યું હતુ. ગુજરાત જાયન્ટ્સ, મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ, યુપી વોરિયર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એમ મહિલા પ્રીમિયર લીગની પાંચ ફ્રેન્ચાઈઝી વેચીને બોર્ડને રૂ.૪૬૬૯ કરોડની કમાણી કરી હતી. મહિલા ક્રિકેટરોની પણ હરાજી થઈ હતી અને બેંગ્લોરે સ્મૃતિ મંધાનાને રેકોર્ડ ૩.૪૦ કરોડ રુપિયામાં પોતાની ટીમમાં સામેલ કરી હતી. જે સૌથી મોંઘી ખેલાડી બની હતી. પહેલી વિમેન્સ પ્રીમિયર લીગ હરમનપ્રીતની કેપ્ટન્સી હેઠળ મુંબઈ ઈન્ડિયન્સે જીતી હતી.
ઓસ્ટ્રેલિયાએ મહિલા ટી-૨૦ વર્લ્ડ કપ જીત્યો
ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે પ્રભુત્વ જાળવી રાખતાં છઠ્ઠી વખત મહિલા ટી-૨૦ વર્લ્ડ કપ જીતી લીધો હતો. ઓસ્ટ્રેેલિયાએ સેમિ ફાઈનલમાં ભારતને પાંચ રનથી હરાવ્યું હતુ. જ્યારે ફાઈનલમાં તેમણે બેથ મૂની અને એશ્લી ગાર્ડનરના વિજયી દેખાવને સહારે ટાઈટલ જીત્યું હતુ. મહિલા ટી-૨૦ વર્લ્ડ કપના છેલ્લા સાતમાંથી આ છઠ્ઠો અને સળંગ ત્રીજો ટી-૨૦ વર્લ્ડ કપ ઓસ્ટ્રેેલિયાએ જીત્યો હતો.