Good Bye 2023 : એશિયન ગેમ્સથી એથ્લેટિક્સની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારત સિદ્ધિના સ્વર્ણિમ શિખરે

નીરજ ચોપરાનો વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ, સાત્વિક-ચિરાગની બેડમિંટનમાં તો પ્રજ્ઞાનંધાની ચેસમાં કમાલ

Updated: Dec 30th, 2023


Google NewsGoogle News
Good Bye 2023 : એશિયન ગેમ્સથી એથ્લેટિક્સની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારત સિદ્ધિના સ્વર્ણિમ શિખરે 1 - image


નીરજ ચોપરા : ભારતનો પહેલો વર્લ્ડ ચેમ્પિયન એથ્લીટ

ભારતીય એથ્લેટિક્સના એકમાત્ર ઓલિમ્પિક ગોલ્ડ મેડાલીસ્ટ નીરજ ચોપરાએ ભાલા ફેંકમાં વર્લ્ડ ચેમ્પિયન બનવાની અનોખી સિદ્ધિ હાંસલ કરી હતી. બુડાપેસ્ટ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં નીરજે ગોલ્ડ જીત્યો હતોે જે ભારતનો વર્લ્ડ ચેમ્પિયનશિપનો પહેલા ગોલ્ડ હતો. તેણે એશિયન ગેમ્સમાં પણ તેનો ગોલ્ડ જાળવ્યો હતો. જોકે ડાયમંડ લીગમાં તેને સિલ્વરથી સંતોષ માનવો પડયો હતો.

એશિયન ગેમ્સમાં મેડલ જીતવામાં ભારતની પહેલી સદી

ચીનના હાંગઝોઉ એશિયન ગેમ્સમાં ભારતે ૧૦૭ મેડલ જીતવાની સાથે ગેમ્સના ઈતિહાસમાં સૌપ્રથમ વખત મેડલ જીતવાની સદી ફટકારી હતી. ભારતે હાંગઝોઉ એશિયાડમાં સૌથી વધુ ૬ ગોલ્ડ સાથેના ૨૯ મેડલ એથ્લેટિક્સમાં તો ૭ ગોલ્ડ સાથેના ૨૨ મેડલ શૂટિંગમાં જીત્યા હતા. હોકી, તીરંદાજી, સ્ક્વોશ, કબડ્ડી જેવી રમતોમાં ભારતે દબદબો જાળવ્યો હતો. જોકે કુસ્તીએ નિરાશ કર્યા હતા. અલબત્ત, ઘોડેસવારી, સ્કેટિંગ, સેઈલીંગ, વૂશુ તેમજ સેપાક ટકરાવ જેવી રમતોમાં પણ ભારતે મેડલ વિજેતા તરીકેનું ગૌરવ મેળવ્યું હતુ. ભારતે હાંગઝોઉમાં કુલ ૨૮ ગોલ્ડ, ૩૮ સિલ્વર અને ૪૧ બ્રોન્ઝ એમ કુલ ૧૦૭ મેડલ જીતી મેડલ ટેબલમાં ચોથું સ્થાન હાંસલ હાંસલ કર્યું હતુ.

અવિનાશ સાબળે અને પારુલ ચૌધરીની સફળતા

ભારતીય એથ્લીટ અવિનાશ સાબળે અને પારુલ ચૌધરીએ નેશનલ રેકોર્ડ તોડવાની સાથે પોતપોતાની સ્પર્ધામાં આગવી સફળતા મેળવી હતી. સાબળેએ એશિયન ગેમ્સમાં ૩૦૦૦ મીટર સ્ટીપલચેઝમાં ગોલ્ડ અને ૫૦૦૦ મીટરની દોડમાં સિલ્વર મેડલ જીત્યા હતા. જ્યારે પારુલ ચૌધરીએ એશિયાડમાં ૫૦૦૦ મીટરની દોડમાં ગોલ્ડ અને ૩૦૦૦ મીટર સ્ટીપલ ચેઝમાં સિલ્વર મેડલ જીત્યા હતા. બંને ખેલાડીઓ લોસ એંજલસની ઈવેન્ટમાં ૫૦૦૦ મીટરની દોડમાં નવો નેશનલ રેકોર્ડ સર્જ્યો હતો

તીરંદાજીના ૯૨ વર્ષના ઈતિહાસમાં ભારતના બેવડા વર્લ્ડ ચેમ્પિયન

તીરંદાજીની વર્લ્ડ ચેમ્પિયનશિપના ૯૨ વર્ષના ઈતિહાસમાં ભારતને પહેલીવાર વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ અદિતી સ્વામી અને ઓજસ દેવતળેએ અપાવ્યો હતો. જર્મનીના બલનમાં યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં કમ્પાઉન્ડ તીરંદાજીમાં પુરુષો અને મહિલાઓની વ્યક્તિગત સ્પર્ધાના બંને ખિતાબ ભારતના બંને યુવા તીરંદાજોએ જીત્યા હતા. ભારતની મહિલા કમ્પાઉન્ડ તીરંદાજી ટીમે પણ સુવર્ણ સફળતા હાંસલ કરી હતી.

ભારતની ૪ બાય ૪૦૦ મીટરની રિલે ટીમની સિદ્ધિ

ભારતની ૪ બાય ૪૦૦ મીટરની રિલે ટીમે એથ્લેટિક્સની વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પ્રવેશ મેળવતા આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું હતુ. મુહમ્મદ અનસ, અમોજ જેકોબ, મુહમ્મદ અજમલ વારિયાથોડી અને રાજેશ રમેશે બુડાપેસ્ટ વર્લ્ડ ચેમ્પિયનશિપની હિટમાં (પ્રથમ રેસ) નવો એશિયન રેકોર્ડ સર્જતાં અમેરિકાને પાછળ રાખીને ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. ફાઈનલમાં તેઓ પાંચમા ક્રમે રહ્યા હતા, જે ભારતીય એથ્લેટિક્સમાં આગવી સિદ્ધિ હતી. તેમણે એશિયન ગેમ્સમાં પણ ગોલ્ડ જીત્યો હતો

સાનિયાની નિવૃત્તિ : બોપન્નાની ડેવિસ કપમાંથી વિદાય

ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ તેની કારકિર્દી પર આ વર્ષે પૂર્ણવિરામ મૂકવાનો નિર્ણય લીધો હતો. સાનિયાએ કારિકર્દીમાં ડબલ્સમાં છ ગ્રાન્ડ સ્લેમ જીતવાની સાથે વર્લ્ડ રેન્કિંગમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું હતુ. ચાલુ વર્ષે તેેણે બોપન્ના સાથે જોડી જમાવીને ઓસ્ટ્રેલિયન ઓપનમા મિક્સ ડબલ્સમાં રનરઅપ રહીને વિદાય લીધી હતી. બોપન્નાએ પણ ૨૧ વર્ષની ડેવિસ કપની કારકિર્દી પર પૂર્ણવિરામ મૂક્યું હતુ. તેણે ઋતુજા ભોસલે સાથે એશિયન ગેમ્સમાં મિક્સ ડબલ્સમાં ગોલ્ડ જીત્યો હતો. એટીપી ફાઈનલ્સમાં સૌથી મોટી ઉંમરે મેચ જીતવાની સિદ્ધિ પણ તેણે મેળવી હતી.

ભારતીય બેડમિંટનના ફ્લેગબેરર

ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાઈરાજ રાન્કીરેડ્ડીની જોડીએ આંતરરાષ્ટ્રીય બેડમિંટનમાં સાતત્યભર્યા દેખાવ સાથે ભારતને નવી ઊંચાઈએ પહોંચાડયું હતુ. એશિયન ગેમ્સમાં મેન્સ ડબલ્સનો સૌપ્રથમ ગોલ્ડ જીતવાની સાથે ચાલુ વર્ષે ચાર મેજર ટાઈટલ જીત્યા હતા અને રેન્કિંગમાં વર્લ્ડ નંબર વનનું સ્થાન પણ હાંસલ કર્યંન હતુ. જોકે ભારતની ધુરંધર બેડમિંટન ખેલાડી પી.વી. સિંધુ અને આશાસ્પદ યુવા ખેલાડી લક્ષ્ય સેન માટે વર્ષ સરેરાશ રહ્યું હતુ. સાત્વિક-ચિરાગે દેશનો સર્વોચ્ચ ખેલ રત્ન એવોર્ડ પણ જીત્યો હતો.  એચ.એસ. પ્રનોયે વર્લ્ડ બેડમિન્ટનમાં મેન્સ સિંગલ્સનો બ્રોન્ઝ જીત્યો હતો

ભારતીય કુસ્તીમાં જબરજસ્ત દંગલ

ઓલિમ્પિક ચંદ્રક વિજેતા પહેલવાન સાક્ષી મલિક, બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટે ભારતીય કુસ્તી સંઘના તત્કાલીન પ્રમુખ બ્રિજ ભૂષણ સિંઘ પર મહિલા કુસ્તીબાજોની જાતીય સતામણીનો આરોપ મૂકતાં ધરણા કર્યા હતા. બ્રિજભૂષણ સિંઘની આખરે પ્રમુખપદેથી વિદાય થઈ હતી. જોકે નવેસરથી થયેલી ચૂંટણીમાં તેમના વિશ્વાસુ પ્રમુખ તરીકે ચૂંટાઈ આવતા સાક્ષી મલિકે નિવૃત્તિ જાહેર કરી હતી અને બજરંગે પદ્મશ્રી પાછો આપવાની જાહેરાત કરી હતી. જેના પગલે ખેલ મંત્રાલયે ચૂંટાયેલી નવી બોડીને સસ્પેન્ડ કરી દીધી હતી. 

પગથી તીરંદાજી કરતી શીતલ દેવી વર્લ્ડ નંબર વન

હાથ ન હોવા છતાં પગથી ધનુષ પકડીને તીરંદાજી કરતી ભારતની પેરા તીરંદાજ શીતલ દેવીએ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં આગવું આકર્ષણ જમાવતા તેની કેટેગરીમાં વર્લ્ડ નંબરવન તરીકેનું સ્થાન હાંસલ કર્યું હતુ. શીતલે હાંગઝોઉમાં યોજાયેલી પેરા એશિયન ગેમ્સમાં વ્યક્તિગત અને મિક્સ ટીમ ઈવેન્ટમાં સુવર્ણ તેમજ વિમેન્સ ટીમ ઈવેન્ટમાં બંને હાથ સાબુત હોય તેવી હરિફોને હંફાવતા રજત ચંદ્રક હાંસલ કર્યો હતો.

આર. પ્રજ્ઞાનાનંધ : ભારતીય ચેસનો નવો સુપરસ્ટાર

ભારતના ૧૮ વર્ષના ગ્રાન્ડ માસ્ટર આર. પ્રજ્ઞાનાનંધે અઝરબૈજાનમાં યોજાયેલા ચેસના વર્લ્ડ કપમાં ધુરંધરોને મહાત કરતાં ફાઈનલમાં પ્રવેશીને વિશ્વનાથન આનંદના રેકોર્ડની બરોબરી કરી હતી. જોકે ફાઈનલમાં વર્લ્ડ નંબર અને ભૂતપૂર્વ ચેમ્પિયન કાર્લસન સામે બરોબરીના મુકાબલા બાદ આખરે ટાઈબ્રેકરમાં હારતાં તેને રજત ચંદ્રકથી સંતોષ માનવો પડયો હતો. તેની બહેન વૈશાલીએ પણ ગ્રાન્ડ માસ્ટરનો ખિતાબ મેળવનારી ભારતની ત્રીજી મહિલા ખેલાડી તરીકેનો રેકોર્ડ સર્જ્યો હતો.

ભારતીય ફૂટબોલ ટીમ નવમી સાફ ચેમ્પિયનશિપ જીતી

ભારતની પુરુષ ફૂટબોલ ટીમે વર્ષ દરમિયાન નોંધપાત્ર સફળતા હાંસલ કરતાં વર્લ્ડ રેન્કિંગમાં પોતાની સ્થિતિ સુધારી હતી. ભારતે ઘરઆંગણે યોજાયેલો મ્યાંમાર અને કિર્ગીસ્તાન સાથેનો ત્રિકોણીય જંગ જીત્યો હતો. ભારતે ઈન્ટર કોન્ટીનેન્ટલ કપમાં પણ ફાઈનલમાં લેબનોનને મહાત કરતાં ટાઈટલ જીત્યું હતુ. ઘરઆંગણે યોજાયેલી આઠ દેશોની સાફ ફૂટબોલ ચેમ્પિયનશિપમાં ભારતે પેનલ્ટી શૂટઆઉટમાં લેબનોનને હરાવીને રેકોર્ડ નવમી વખત ટાઈટલ જીત્યું હતુ. કેપ્ટન સુનિલ છેત્રી ૯૩ ગોલ સાથે ફૂટબોલ ઈતિહાસમાં સૌથી વધુ ગોલ ફટકારવામાં રોનાલ્ડો, અલી ડાઈ અને મેસી બાદ ચોથા ક્રમે આવી પહોંચ્યો છે.'

ભારતીય પુરુષ હોકી ટીમ પેરિસ ઓલિમ્પિકમાં ક્વોલિફાય

ભારતીય પુરુષ હોકી ટીમે એશિયન ગેમ્સમાં સુવર્ણ ચંદ્રક જીતવાની સાથે જ આવતા વર્ષના પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરી લીધું હતુ. હરમનપ્રીત સિંઘના શાનદાર દેખાવને સહારે ભારતે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી પણ જીતી લીધી હતી. જોકે પ્રો હોકી લીગમાં ભારત નોંધપાત્ર દેખાવ છતાં આગવો પ્રભાવ પાડી શક્યું નહતુ. ભારતના હાર્દિક સિંઘે ૨૦૨૩ના વિશ્વના શ્રેષ્ઠ હોકી ખેલાડી તરીકેનો એવોર્ડ જીત્યો હતો. જ્યારે મહિલા હોકી ટીમની કેપ્ટન સવિતા પુનિયા ૨૦૨૩ની વિશ્વની શ્રેષ્ઠ મહિલા ગોલકિપર બની હતી.


Google NewsGoogle News