VIDEO | સુપરમેન બન્યો આ ખેલાડી, સદીની નજીક પહોંચેલા ખેલાડીનો કર્યો અદભૂત કેચ
બીજા દિવસની રમતના અંતે ન્યુઝીલેન્ડનો સ્કોર 132 રન હતો
Glenn Phillips Stunning Catch : ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રાઈસ્ટચર્ચમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે ગ્લેન ફિલિપ્સની શાનદાર ફિલ્ડિંગ જોવા મળી હતી. એક સમયે એવું લાગ્યું કે જાણે તેના અંદર સુપરમેનની આત્મા આવી ગઈ હોય. ફિલિપ્સે એક એવો કેચ પકડ્યો જે લગભગ અશક્ય હતો કારણ કે બોલ ખૂબ જ ઝડપથી ટ્રાવેલ કરી રહ્યો હતો, પરંતુ ગ્લેન ફિલિપ્સે હવામાં કૂદીને એક હાથે કેચ પકડીને બેટરને પેવેલિયન પરત કર્યો હતો.
ગ્લેન ફિલિપ્સે ડાઈવ મારીને પકડ્યો અશક્ય કેચ
ઓસ્ટ્રેલિયાની ઇનિંગની 61મી ઓવર ચાલી રહી હતી. ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમનો કેપ્ટન ટિમ સાઉથી બોલિંગ કરી રહ્યો હતો અને માર્નસ લાબુશેન સદી તરફ આગળ વધી રહ્યો હતો. તે 90 રન બનાવીને રમી રહ્યો હતો. એ જ ઓવરના ચોથા બોલ પર લાબુશેને પોઈન્ટ અને થર્ડ સ્લિપ વચ્ચે બોલને કટ કરવાનો પ્રયાસ કર્યો. જો કે બોલ થોડો હવામાં ચાલ્યો ગયો હતો. આવી સ્થિતિમાં ફિલિપ્સે તેની જમણી તરફ હવામાં ડાઈવ મારી અને એક હાથે કેચ પકડ્યો હતો.
લાબુશેન સદીથી ચૂક્યો
ગ્લેન ફિલિપ્સના કારણે માર્નસ લાબુશેન તેની સદીથી ચૂકી ગયો હતો. ફિલિપ્સનો કેચ જોઇને લાબુશેન સહિત સ્ટેડિયમમાં હાજર દર્શકો પણ ચોંકી ગયા હતા. લાબુશેનને લાગ્યું જ ન હતું કે કોઈ આ કેચ પકડી શકે છે. પરંતુ કેચ પકડ્યા બાદ ફિલિપ્સની પ્રતિક્રિયા અને સેલિબ્રેશન જોવા લાયક હતું.
ઘરઆંગણે ન્યુઝીલેન્ડ સીરિઝ હારવા તરફ
મેચની વાત કરીએ તો ન્યુઝીલેન્ડના 162 રનના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ તેની પ્રથમ ઇનિંગમાં 256 રન બનાવ્યા હતા અને લગભગ 100 રનની લીડ મેળવી હતી. ન્યુઝીલેન્ડની ટીમ પોતાની ધરતી પર પણ મુશ્કેલીનો સામનો કરી રહી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ટીમ સીરિઝની પ્રથમ મેચ હારી ચૂકી છે અને આ મેચ પણ જીતવી મુશ્કેલ લાગી રહી છે. જો કે સમગ્ર જવાબદારી પૂર્વ કેપ્ટન કેન વિલિયમસન પર રહેશે, કારણ કે તેણે ત્રણ ઇનિંગ્સમાં તેના રન બનાવ્યા નથી.