'જ્યાં સુધી હું ચાલી શકીશ ત્યાં સુધી હું IPL રમતો રહીશ', દિગ્ગજ ક્રિકેટરે આપ્યું મોટું નિવેદન
આઈપીએલને હું મારા કરિયરના અંતિમ સમય સુધી રમતો રહીશ. આ મારા કરિયરની અંતિમ ટૂર્નામેન્ટ હશે : મેક્સવેલ
જ્યાં સુધી હું ચાલી શકું છું, ત્યાં સુધી હું IPL રમતો રહીશ : મેક્સવેલ
Image:Twitter |
Glenn Maxwell In IPL : ઓસ્ટ્રેલિયા ટીમનો વિસ્ફોટક બેટ્સમેન ગ્લેન મેકસવેલ ઓસ્ટ્રેલિયાની સાથે સાથે ભારતમાં પણ ખુબ પ્રખ્યાત છે. ભારતમાં મેકસવેલની ફેન ફોલોવિંગ ખુબ વધારે છે. મેકસવેલ પણ ભારત અને ભારતીય ક્રિકેટને ખુબ પસંદ કરે છે. તેણે IPLમાં રમવું ખુબ ગમે છે. તેને IPL એટલું બધું પસંદ છે કે તેણે આ T20 ટુર્નામેન્ટને લઈને એક ખાસ નિવેદન આપ્યું છે.
જ્યાં સુધી મારા પગ ચાલશે ત્યાં સુધી હું IPL રમતો રહીશ - મેકસવેલ
IPL અંગે નિવેદન આપતા મેક્સવેલે કહ્યું, 'IPL કદાચ મારા કરિયરની છેલ્લી ટૂર્નામેન્ટ હશે, કારણ કે જ્યાં સુધી મારા પગ ચાલશે ત્યાં સુધી હું IPL રમતો રહીશ. હું આ વિશે વાત પણ કરી રહ્યો હતો કે IPL મારા કરિયર માટે કેટલી સારી છે. આ દરમિયાન હું જે લોકોને મળ્યો હતો, હું જે કોચની નીચે રમ્યો હતો, જે આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ સાથે મેં સમય પસાર કર્યો હતો, આ બધું મારા કરિયર માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થયું છે.' મેક્સવેલે આગળ કહ્યું, 'જો તમે એબી ડી વિલિયર્સ અને વિરાટ કોહલી સાથે તેમના ખભા પર હાથ મુકીને IPL દરમિયાન બે મહિના સુધીસમય પસાર કરો છો, રમો છો, તો તે તમારા કરિયર માટે એક મહાન અનુભવ અને સૌથી મોટી શીખવાની ક્ષણ છે."
આ બે ટીમોમાં રહ્યો છે મેકસવેલ
ગ્લેન મેક્સવેલનો IPL ડેબ્યૂ 2012માં થયો હતો. IPLમાં તેનો મોટાભાગનો સમય કિંગ્સ ઈલેવન પંજાબ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે પસાર થયો છે. મેકસવેલ જયારે પણ IPL ઓક્શનમાં આવ્યો છે તેની ડિમાન્ડ હંમેશા ખુબ વધુ રહી છે. તે સારું પ્રદર્શન કરે કે ના કરે પરંતુ તેના માટે ટીમ કરોડો રૂપિયા ખર્ચ કરવા તૈયાર રહે છે. તેણે IPLમાં અત્યાર સુધી કુલ 124 મેચમાં 26.40ની એવરેજ અને 157.62ની સ્ટ્રાઈક રેટથી 2719 રન બનાવ્યા છે. જેમાં 18 ફિફ્ટી પણ સામેલ છે. આ દરમિયાન તેણે 31 વિકેટ પણ લીધી છે.