ગિલ તમિલનાડુનો હોત તો કાઢી મૂક્યો હોત: પૂર્વ ક્રિકેટરે BCCI પર લગાવ્યો ભેદભાવનો આરોપ
Image: Facebook
Subramaniam Badrinath Accuses BCCI: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT) 2024-25 માં ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયાના હાથે 1-3 થી હારનો સામનો કરવો પડ્યો. આ હારના કારણે ભારતીય ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ની ફાઈનલમાં પહોંચવાની તક પણ ગુમાવવી દીધી. હવે WTC ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાની ટક્કર થશે.
શુભમનને લઈને આ ક્રિકેટરનું અટપટું નિવેદન
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સીરિઝમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન શુભમન ગિલે નિરાશાજનક પ્રદર્શન કર્યું, જેના કારણે તે ટીકાકારોના નિશાને આવી ગયો છે. શુભમને આ સીરિઝમાં કુલ 5 ઈનિંગમાં 18.60 ની સરેરાશથી 93 રન બનાવ્યા જે નંબર-3 બેટ્સમેન માટે ખૂબ સરેરાશ પ્રદર્શન હતું.
શુભમન ગિલ અને ટીમ ઈન્ડિયાના સિલેક્શનને લઈને હવે પૂર્વ ક્રિકેટર સુબ્રમણ્યમ બદ્રીનાથનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. બદ્રીનાથે ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ (BCCI) પર ટીમ સિલેક્શનમાં ક્ષેત્રીય ભેદભાવનો પણ આરોપ લગાવી દીધો. બદ્રીનાથે શુભમનની ટીકા કરતાં કહ્યું કે 'જો તે તમિલનાડુનો હોત તો તેને ટીમથી બહાર કરી દેવાયો હોત. મારા માટે આ જોવું ખૂબ મુશ્કેલ છે. તે લેવલ પર તે આશાઓ પર ખરો ઉતર્યો નથી.' બદ્રીનાથ અનુસાર શુભમનને એટલા માટે ટીમમાં રાખવામાં આવ્યો છે કેમ કે તે ઉત્તર ભારતથી છે.
બદ્રીનાથે આગળ કહ્યું, 'જો તમે રન બનાવી શકતાં નથી તો ઈન્ટેન્ટ અને આક્રમકતા બતાવો. હું ઈચ્છતો હતો કે તે બોલર્સને થકવે અને બોલને જૂનો કરે. સાથી ખેલાડીઓની મદદ કરે અને રન ન બનાવવા પર પણ અડગ રહે. 100 બોલ રમે અને બોલર્સને થકવી દે. લાબુશેન અને મેકસ્વીનીએ ઘણી મેચોમાં આવું કર્યું. તમારે ત્યાં જઈને એવું નથી કહેવાનું કે અરે, હું આ રીતે રમું છું, હું ઊભો રહીશ અને પરફોર્મ કરીશ. ચાર લોકો તમારા વિશે લખશે. તમે તે સમયે જે પણ કરી શકો છો. તમારે કરવું જોઈએ. આ સીરિઝમાં મને શુભમન પાસેથી તે ન મળ્યું. મેદાન પર તેની ફીલ્ડિંગ સરેરાશ હતી, તે સ્લિપ અને પોઈન્ટમાં ટકી શક્યો નહીં. તે ટીમમાં શું યોગદાન આપે છે?'
બદ્રીનાથનો ઈન્ટરનેશનલ રેકોર્ડ
44 વર્ષના સુબ્રમણ્યમ બદ્રીનાથે ભારત માટે 2 ટેસ્ટ, 7 વનડે અને 1 ટી20 મેચ રમી. આ દરમિયાન ટેસ્ટમાં 63, ઓડીઆઈમાં 79 અને ટી20 ઈન્ટરનેશનલમાં 43 રન બનાવ્યા. બદ્રીનાથનું ફર્સ્ટ ક્લાસ કરિયર શાનદાર રહ્યું, જેણે 145 મેચમાં 54.49 ની સરેરાશથી 10245 રન બનાવ્યા. બદ્રીનાથે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 32 સદી અને 45 અડધી સદી ફટકારી.