IND vs SA : ભારત સામેની બીજી ટેસ્ટ પહેલા સાઉથ આફ્રિકાને મોટો ઝટકો, આ સ્ટાર બોલર થયો બહાર
સિરીઝની બીજી ટેસ્ટ મેચ 3 જાન્યુઆરીના રોજ કેપટાઉનમાં રમાશે
Image:Twitter |
IND vs SA 2nd Test Gerald Coetzee Ruled Out : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 2 ટેસ્ટ મેચની સિરીઝમાં ભારતને એક ઇનિંગ અને 32 રને હારનો સામનો કરવો પડ્યો હતો. હવે સિરીઝની બીજી ટેસ્ટ મેચ 3 જાન્યુઆરીના રોજ કેપટાઉનમાં રમાશે. બીજી ટેસ્ટ મેચ પહેલા સાઉથ આફ્રિકાની ટીમને એક મોટો ઝટકો લગ્યો છે. સાઉથ આફ્રિકા ક્રિકેટ ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર ગેરાલ્ડ કોએત્ઝી ટીમમાંથી બહાર થઇ ગયો છે.
કોએત્ઝી પેલ્વિક ઇન્ફ્લેમેશનના કારણે ટીમમાંથી બહાર
મળેલી માહિતી મુજબ ભારત સામે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન ગેરાલ્ડ કોએત્ઝીને પેલ્વિક ઇન્ફ્લેમેશન થયો હતો. જેના કારણે તે સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચે રમાનાર બીજી ટેસ્ટ મેચમાં ટીમનો ભાગ રહેશે નહીં. આ માહિતી સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડે તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી છે.
પ્રથમ ઇનિંગમાં 74 રન આપીને 1 વિકેટ ઝડપી
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં કોએત્ઝીએ પ્રથમ ઇનિંગમાં 74 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત બેટિંગ દરમિયાન તેણે 19 રન પણ બનાવ્યા હતા. બીજી ઇનિંગમાં ગેરાલ્ડ કોએત્ઝીએ 5 ઓવરમાં 28 રન આપ્યા હતા.