સંજૂની 'ગેમઓવર'? આ ખેલાડીને જ વિકેટકીપર બનાવશે ટીમ ઈન્ડિયા: દિગ્ગજનો દાવો
Image Source: Twitter
T20 World Cup 2024: T20 વર્લ્ડ કપ 2024માં ભારતનો વિકેટ કીપર કોણ હશે ઋષભ પંત કે સંજુ સેમસન? આ અંગે ખૂબ ચર્ચા ચાલી રહી છે. સંજુએ વર્લ્ડ કપ પહેલા એકમાત્ર વોર્મ-અપ મેચમાં ઓપનિંગ કર્યું હતું. પણ તે કંઈ ખાસ નહોતો કરી શક્યો. જ્યારે ત્રીજા નંબરે આવેલા ઋષભ પંતે શાનદાર ઈનિંગ રમી હતી.
પંતે 32 બોલમાં 53 રન ફટકાર્યા હતા. અને આ ઈનિંગ બાદ મહાન બેટિંગ સુનીલ ગાવસ્કરે સ્પષ્ટ કરી દીધું કે, આ ઈવેન્ટમાં ભારતનો વિકેટ કીપર કોણ હશે. નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આયોજિત આ મેચમાં રોહિત શર્મા અને સંજુ સેમસને ઓપનિંગ કર્યું હતું.
વિરાટ કોહલી મોડા આવવાને કારણે આ મેચ નહોતો રમી શક્યો. અને આ કારણોસર સેમસનને આ તક મળી. IPL 2024માં રાજસ્થાન રોયલ્સ માટે શાનદાર પ્રદર્શન કરનાર સંજુની યશસ્વી જયસ્વાલ કરતાં પ્રથમ પસંદગી થઈ. પરંતુ તે નિષ્ફળ ગયો. સંજુ છ બોલમાં માત્ર એક રન બનાવીને LBW થઈ ગયો હતો. જ્યારે ત્રીજા નંબરે આવેલા પંતે ભારત માટે સૌથી મોટી ઈનિંગ રમી છે.
જાણો ગાવસ્કરે શું કહ્યું..
મને એવું લાગે છે કે જો તમે વિકેટ કીપિંગની વાત કરો છો તો ઋષભ પંત સેમસન કરતાં વધુ સારો છે. અમે અહીં બેટિંગની વાત નથી કરી રહ્યા, બેટિંગ પણ મહત્વપૂર્ણ છે. પરંતુ ઋષભ પંતે છેલ્લી કેટલીક મેચોમાં શાનદાર બેટિંગ કરી છે. બીજી તરફ સંજુ સેમસને IPL સિઝનની શાનદાર શરૂઆત કરી હતી, તેણે પોતાની ઈચ્છા પ્રમાણે રન બનાવ્યા હતા અને મેદાનની ચારે બાજુ બોલને ફટકાર્યા હતા.
પરંતુ છેલ્લી બે-ત્રણ મેચમાં તે કંઈ ખાસ કમાલ નથી કરી શક્યો. તેથી બાંગ્લાદેશ સામેની મેચ તેના માટે એક તક હતી. જો તેણે 50-60 રન બનાવ્યા હોત તો કોઈ સવાલ જ નહોતો. પરંતુ હવે મને લાગે છે કે ભારતીય સિલેક્ટર્સ ઋષભ પંતને વિકેટકીપર બનાવશે.
પંત પોતાના એક્સિડેન્ટ બાદ પહેલીવાર ભારતીય જર્સીમાં મેદાનમાં ઉતર્યો હતો. પરંતુ તેની બેટિંગથી એવું લાગી નહોતું રહ્યું કે આ બ્રેકથી કોઈ ફરક પડ્યો હોય. પંતે આ ઈનિંગમાં ચાર ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. પંતની બેટિંગથી ચાહકો ખૂબ જ ખુશ નજર આવ્યા હતા. લોકોએ X પર આ ઈનિંગની ખૂબ પ્રશંસા કરી.
ઋષભ પંતે એક્સિડેન્ટ બાદ IPL 2024થી પ્રોફેશનલ ક્રિકેટમાં વાપસી કરી હતી. તેણે આ સિઝનમાં કમાલ કર્યો. પંતે IPL 2024ની 13 ઈનિંગમાં 446 રન બનાવ્યા છે. આ રન 40.50ની એવરેજ અને 155.40ની સ્ટ્રાઈક રેટથી બનાવ્યા છે.