ગાવસ્કરે ગુજરાત ટાઈટન્સના આ ખેલાડીની તુલના બેન સ્ટોક્સ સાથે કરી, કહ્યું- તે હંમેશા 100 ટકા મહેનત કરે છે
Image: Facebook
IPL 2024: પૂર્વ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસ્કરે ગુજરાત ટાઈટન્સના વાઈસ કેપ્ટન રાશિદ ખાનના પ્રદર્શનના વખાણ કર્યાં છે. ગાવસ્કરે રાશિદની તુલના ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સ સાથે કરી છે. રાશિદ ખાને બુધવારે રાજસ્થાન રોયલ્સ સામે જયપુરમાં રમાયેલી મેચમાં ગુજરાત ટાઈટન્સને અંતિમ બોલ પર જીત અપાવી. રાશિદ ખાને પહેલા બોલથી કમાલ કરી બતાવી અને પછી બેટિંગ કરીને ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી. IPL 2024માં ગુજરાત ટાઈટન્સની આ ત્રીજી જીત છે, જ્યારે ટીમે ત્રણ મેચ ગુમાવી પણ છે.
રાશિદ ખાને બોલિંગ દરમિયાન જોસ બટલરને આઉટ કર્યો અને 11 બોલમાં 24 રનની ઈનિંગ રમી. ગાવસ્કરે રાશિદની વિકેટ લેવાની ક્ષમતા સિવાય તેના બેટિંગના પણ વખાણ કર્યાં. 'રાશિદ હંમેશાની જેમ વિકેટ લે છે અને જ્યારે બેટિંગની જરૂર હોય છે ત્યારે તે પોતાનું કામ કરે છે. આ કારણ છે કે વિશ્વભરમાં હાજર ફ્રેંચાઈઝી તેને ખરીદવા ઈચ્છે છે. તેઓ તેને પસંદ કરે છે કેમ કે તેઓ તેની પ્રતિબદ્ધતા, બેટિંગ, બોલિંગ, ફિલ્ડિંગ જુએ છે. તે ફિલ્ડિંગ કરતી વખતે પણ100% મહેનત કરે છે. બોલર ફિલ્ડિંગ દરમિયાન ડાઈવ કરવાથી દૂર ભાગે છે પરંતુ રાશિદના કિસ્સામાં આવુ નથી. રાશિદ ટીમને સો ટકા આપવા માગે છે'.
ગાવસ્કરે વધુમાં જણાવ્યું કે, 'અન્ય એક ક્રિકેટર છે જે IPL માં રમી રહ્યો નથી. આવો જ બેન સ્ટોક્સ છે. જ્યારે પણ તમે બેન સ્ટોક્સને જોશો તો ખ્યાલ આવશે કે તે બેટિંગ, બોલિંગ, ફિલ્ડિંગ બધું જ 100 % આપે છે. તે એવો ક્રિકેટર છે જેને કોચ પસંદ કરે છે, કેપ્ટન પસંદ કરે છે. શક્ય છે કે તે હંમેશા પરિણામ ન આપે પરંતુ હંમેશા સો ટકા જ પ્રયત્ન કરશે.