ગૌતમ ગંભીર જ બનશે ટીમ ઈન્ડિયાના નવા કોચ! જાણો ક્યારે થઈ શકે છે સત્તાવાર જાહેરાત
Team India Head Coach : ભારતીય ટીમના વર્તમાન મુખ્ય કોચ રાહુલ દ્રવિડ માટે T20 વર્લ્ડ કપ-2024 છેલ્લી એસાઈનમેન્ટ છે. આ ટુર્નામેન્ટની પૂર્ણ થયા બાદ રાહુલ દ્રવિડની મુખ્ય કોચ પદની જવાબદારીઓ પણ પૂર્ણ થઈ જશે. ત્યારબાદ ટીમ ઈન્ડિયાના નવા કોચની જાહેરાત જૂનના છેલ્લા સપ્તાહમાં થવાની સંભાવના છે. નવા કોચ પદે ગૌતમ ગંભીર જ સ્થાન લે તેવી પુરેપુરી શક્યતા છે.
T20 વર્લ્ડ કપ-2024 બાદ નવા કોચની સત્તાવાર જાહેરાત કરાશે
ભારતીય ટીમના નવા કોચ તરીકે ગૌતમ ગંભીર પર મહોર વાગી ચુકી છે. રિપોર્ટ મુજબ BCCI અને ગૌતમ ગંભીર વચ્ચે ડીલ થઈ ગઈ છે. આ બાબતે ગત ગુરુવારે પુષ્ટી પણ થઈ ગઈ છે કે, આગામી કોચ ગૌતમ ગંભીર જ હશે. ટી20 વર્લ્ડ કપ-2024 પૂર્ણ થયા બાદ તેમના નામની સત્તાવાર જાહેરાત કરાશે. બીસીસીઆઈના એક સૂત્રએ એક અગ્રણી મીડિયા જૂથને જણાવ્યું છે કે, બોર્ડ અને ગંભીર વચ્ચે વાત થઈ ગઈ છે. તેઓ જ રાહુલ દ્રવિડના સ્થાને આવશે.
ગંભીર સાથે સપોર્ટ સ્ટાફ પણ બદલાશે?
જોકે ગૌતમ ગંભીર સાથે સપોર્ટ સ્ટાફમાં કોણ હશે, તે આવનારા સમયમાં જ સામે આવશે. હાલ ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ વિક્રમ રાઠોર છે. બોલિંગ કોચ પારસ મહાંબ્રે અને ફિલ્ડિંગ કોચ ટી.દિલીપ છે. ગંભીર પોતે પોતાના સપોર્ટ સ્ટાફની પસંદગી કરશે. રાહુલ દ્રવિડે પણ આવું જ કર્યું હતું. તે વખતે રવિ શાસ્ત્રીની ટીમમાં બેટિંગ કોચ સંજય બાંગર, બોલિંગ કોચ ભરત અરૂણ અને ફિલ્ડિંગ કોચ આર.શ્રીધર હતા.