ગંભીરની ઑલટાઈમ વર્લ્ડ પ્લેઇંગ 11માં ત્રણ પાકિસ્તાની, એક પણ ભારતીયને સ્થાન કેમ નહીં?
Gautam Gambhir: શ્રીલંકા પ્રવાસથી ભારતીય ટીમના કોચનું પદ સંભાળનાર ગૌતમ ગંભીર હવે ઘરઆંગણે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીમાં એક્શનમાં જોવા મળશે. ભારતે 19 સપ્ટેમ્બરથી બાંગ્લાદેશ સામે બે મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે. આ પછી બંને ટીમો 3 T20 સિરીઝમાં આમને-સામને થશે.
ભારતીય ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીરે પોતાની પસંદગીની વર્લ્ડ XI ટીમની પસંદગી કરી છે. આમાં તેણે ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાનના ત્રણ-ત્રણ ખેલાડીઓને સ્થાન આપ્યું છે. દક્ષિણ આફ્રિકાના બે દિગ્ગજ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે જ્યારે શ્રીલંકા અને ઈંગ્લેન્ડના એક-એક ખેલાડીને સ્થાન આપવામાં આવ્યું છે. આ ટીમ તેની સામે રમનારા ખેલાડીઓમાંથી બનાવવામાં આવી છે, તેથી તેમાં કોઈ ભારતીય ખેલાડીનું નામ સામેલ નથી. ગંભીર પોતે જેમની સામે તે રમ્યો છે તે તમામ ખેલાડીઓમાંથી આ ટીમ બનાવી છે.
ભારતીય ટીમના ખેલાડીઓને શ્રીલંકા પ્રવાસ બાદ આરામ મળ્યો છે જેમાં સિનિયરો આરામ કરી રહ્યા છે જ્યારે બાકીના ખેલાડીઓને ઘરેલુ ક્રિકેટમાં હાથ અજમાવવાનો મોકો મળ્યો છે. કેટલાક ક્રિકેટરો દુલિપ ટ્રોફીમાં રમી રહ્યા છે તો કેટલાક ખેલાડીઓ બૂચી બાબુ ટુર્નામેન્ટમાં રમી રહ્યા છે. આ સિવાય દિલ્હીમાં અને દક્ષિણ ભારતમાં મહારાજ ટુર્નામેન્ટ જેવી શોર્ટ ફોરમેટની ટુર્નામેન્ટ્સ પણ રમાઈ રહી છે.
ગંભીરે પસંદ કરેલી આ ઓલટાઈમ વર્લ્ડ પ્લેઇંગ 11માં તેણે ત્રણ પાકિસ્તાનીઓનો સમાવેશ કર્યો છે. ગંભીરે પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન અને બેટર ઈન્ઝમામ-ઉલ-હક, ઝડપી બોલર શોએબ અખ્તર અને ઓલરાઉન્ડર અબ્દુલ રઝાકને ઓલ ટાઈમ વર્લ્ડ ઈલેવનમાં સામેલ કર્યા છે.
આ સિવાય 3 કાંગારું ક્રિકેટર્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પૂર્વ ઓસ્ટ્રેલિયાના વિકેટકીપર એડમ ગિલક્રિસ્ટ, ઓપનર મેથ્યુ હેડન અને ઓલરાઉન્ડર એન્ડ્ર્યુ સાયમન્ડ્સને સ્થાન આપવામાં આવ્યું છે.
આ સિવાય દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ વિસ્ફોટક બેટ્સમેન એબી ડી વિલિયર્સ અને ઝડપી બોલર મોર્ને મોર્કેલનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝના મહાન બેટ્સમેન બ્રાયન લારા, શ્રીલંકાના દિગ્ગજ સ્પિનર મુથૈયા મુરલીધરન, ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર એન્ડ્રુ ફ્લિન્ટોફને પણ ગૌતમ ગંભીર દ્વારા પોતાની ઓલ ટાઈમ વર્લ્ડ પ્લેઈંગ ઈલેવનમાં પસંદ કરવામાં આવ્યા છે.
ગૌતમ ગંભીરની ઓલ ટાઈમ વર્લ્ડ પ્લેઈંગ ઈલેવન
એડમ ગિલક્રિસ્ટ, મેથ્યુ હેડન, એબી ડી વિલિયર્સ, બ્રાયન લારા, એન્ડ્ર્યુ સાયમન્ડ્સ, ઈન્ઝમામ ઉલ હક, અબ્દુલ રઝાક, મુથૈયા મુરલીધરન, શોએબ અખ્તર, મોર્ને મોર્કેલ, એન્ડ્રુ ફ્લિન્ટોફ.