T20 વર્લ્ડ કપ પહેલા ગૌતમ ગંભીરનું મોટું નિવેદન, કહ્યું, 'રોહિત શર્માને કેપ્ટન્સી આપવી જોઈએ પરંતુ....'
સૂર્યકુમાર યાદવને T20I અને કે.એલ રાહુલને ODI સિરીઝમાં કેપ્ટનશીપ સોંપવામાં આવી છે
Image:Twitter |
Gautam Gambhir On Rohit Sharma's Captaincy : ભારતીય ક્રિકેટ ટીમ હાલ સાઉથ આફ્રિકાના પ્રવાસે છે. જ્યાં તે 3 T20I, 3 ODI અને 2 ટેસ્ટ મેચની સિરીઝ રમવાની છે. જેના માટે સૂર્યકુમાર યાદવને T20I સિરીઝમાં અને કે.એલ રાહુલને ODI સિરીઝમાં કેપ્ટનશીપ સોંપવામાં આવી છે. જયારે રોહિત શર્મા ટેસ્ટ સિરીઝમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. આવતા વર્ષે જૂનમાં ભારતીય ટીમ T20 World Cup રમવાની છે. આવી સ્થિતિમાં ફરી એકવાર રોહિતને કેપ્ટનશીપ સોપવાની માંગ થઇ રહી છે. ફેન્સ સહિત કેટલાંક દિગ્ગજ ખેલાડીઓ પણ આના સમર્થનમાં છે. આ દરમિયાન પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરે પણ આ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.
T20માં કેપ્ટનશીપ કરતાં ફોર્મ વધુ મહત્ત્વનું છે - ગૌતમ ગંભીર
ગૌતમ ગંભીરે કહ્યું હતું કે જો રોહિત શર્મા સારા ફોર્મમાં છે અને શાનદાર બેટિંગ કરી રહ્યો છે તો હું માનું છું કે તેને કેપ્ટનશીપ સોંપવી જોઈએ. ગંભીરે એક ચેનલ સાથે વાતચીત દરમિયાન કહ્યું, 'કપ્તાની કોઈ મોટી વાત નથી. મને નથી લાગતું કે રોહિત ખરાબ કેપ્ટન છે. તમે વર્લ્ડ કપમાં તમારો દબદબો જાળવી રાખ્યો હતો. માત્ર એક ખરાબ મેચને કારણે તમે તેને ખરાબ કેપ્ટન ન કહી શકો. જો તે સારા ફોર્મમાં છે અને શાનદાર બેટિંગ કરી રહ્યો છે, તો મારું માનવું છે કે તેને કેપ્ટનશીપ સોંપવી જોઈએ. ગંભીરે વધુમાં કહ્યું, 'કપ્તાની નહીં પરંતુ ટીમ મહત્વપૂર્ણ છે. તમારે ટીમમાં સારો દેખાવ કરનાર ખેલાડીને પસંદ કરવો પડશે, પછી તે રોહિત હોય, હાર્દિક હોય કે સૂર્યા હોય, જે સારું પ્રદર્શન કરી રહ્યો હોય તે કેપ્ટન હોવો જોઈએ. T20માં કેપ્ટનશીપ કરતાં ફોર્મ વધુ મહત્ત્વનું છે.'
'મારે આ મામલે કંઈ કહેવું નથી' - શ્રીસંત સાથેના વિવાદ પર ગંભીરનો જવાબ
શ્રીસંત સાથેના વિવાદ અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં ગંભીરે કહ્યું, 'મારે આ મામલે કંઈ કહેવું નથી. હું અહીં એક સારા કામ માટે આવ્યો છું. આ અંગે કોઈ વાત કરવા નથી ઈચ્છતું. જણાવી દઈએ કે 6 ડિસેમ્બરે લિજેન્ડ્સ લીગ ક્રિકેટમાં ગુજરાત જાયન્ટ્સ અને ઈન્ડિયા કેપિટલ્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચ દરમિયાન ગૌતમ ગંભીર અને પૂર્વ ફાસ્ટ બોલર એસ શ્રીસંત વચ્ચે બોલાચાલી થઇ હતી. બાદમાં તેમની લડાઈ સોશ્યલ મીડિયા પર પણ પહોંચી હતી. શ્રીસંતે એક પછી એક અનેક વીડિયો શેર કરીને ગંભીર પર નિશાન સાધ્યું હતું.