બિઝનેસ ક્લાસમાં મુસાફરી, 5 સ્ટારમાં રોકાણ, કરોડો રૂપિયાના પગાર ઉપરાંત ગંભીરને કઈ સુવિધાઓ મળશે?
ભારતીય ટીમના નવા હેડ કોચ તરીકે ગૌતમ ગંભીરની નિમણૂક થઈ ગઈ છે. હવે શ્રીલંકા પ્રવાસથી તેના કોચિંગ હેઠળ ટીમ ઈન્ડિયા રમવાનું શરૂ કરશે. રાહુલ દ્રવિડ બાદ કોચ બનેલા ગૌતમ ગંભીરને સાડા ત્રણ વર્ષના કાર્યકાળ માટે કોચ બનાવાયા છે. ગંભીરે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે, 'મારા ત્રિરંગાને, મારા દેશને અને તેના લોકોની સેવા કરવી એ મારા માટે ગૌરવની વાત છે.'
અગાઉ કોચ તરીકે ગૌતમ ગંભીરની નિમણૂકને લઈને ઘણી ચર્ચાઓ શરૂ થઈ હતી. પગારના કારણે BCCI સાથે વાટાઘાટ થઈ રહી હોવાનું જણાવવામાં આવી રહ્યું હતું. તો ગંભીરને પોતાની કોચિંગ ટીમ જાતે પસંદ કરવા માટે સ્વતંત્રતા જોઈતી હોવાનું પણ બહાર આવ્યું હતું. હવે ટૂંક સમયમાં ટીમના બોલિંગ કોચની પણ પસંદગી થાય તેવી શક્યતા BCCIના સૂત્રો દ્વારા દર્શાવવામાં આવી રહી છે.
હેડ કોચ તરીકે પગાર
તાજેતરના અહેવાલો પ્રમાણે ગંભીરને ટીમ ઈન્ડિયાના હેડ કોચ તરીકે રાહુલ દ્રવિડ જેટલો જ પગાર મળશે. રાહુલ દ્રવિડને વાર્ષિક 1.2 મિલિયન ડોલર જેટલો પગાર મળતો હતો. ભારતીય ચલણ પ્રમાણે તે 12 કરોડ જેટલી રકમ થાય છે.
આ સિવાય ટીમના વિદેશ પ્રવાસ દરમિયાન હેડ કોચ ગૌતમને દૈનિક 21000 રૂપિયા જેટલું ભથ્થું મળશે. આ સિવાય ગંભીરને બિઝનેસ ક્લાસમાં વિમાન મુસાફરી, 5 સ્ટાર હોટલમાં રોકાણ અને લૉન્ડ્રી ખર્ચના રૂપિયા મળશે. વિદેશ પ્રવાસમાં પણ ગંભીરને વર્લ્ડક્લાસ ટ્રાવેલ એક્સપિરિયન્સ અને એ જ સ્તરનું રોકાણ મળશે.
ગૌતમ ગંભીર અગાઉ IPL દરમિયાન કોલકાતા નાઈટ રાઈડર્સના સપોર્ટ સ્ટાફમાં રહીને ટીમને લેટેસ્ટ ટાઇટલ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી ચૂક્યો છે. આ સિવાય વન-ડે ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે તેણે 6 વન-ડેમાં કેપ્ટન્સી કરી છે જે તમામમાં ભારતને જીત અપાવી છે.