'અમે સોશિયલ મીડિયાના આધારે 11 ખેલાડીઓ નક્કી નથી કરતા...', રાહુલને લઈને ગૌતમ ગંભીરનો કટાક્ષ
Gautam Gambhir On Social Media : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સીરિઝની બીજી મેચ 24 ઓક્ટોબરથી પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન(MCA) ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ પહેલા ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેણે આ ટેસ્ટ મેચના પ્લેઇંગ 11 વિશે ચર્ચા કરી હતી.
સોશિયલ મીડિયાના આધારે ખેલાડીઓની પસંદગી કરતા નથી
ગૌતમ ગંભીરે જણાવ્યું કે, 'હજુ સુધી પ્લેઇંગ 11ની ટીમ નક્કી કરવામાં આવી નથી. પરંતુ શુભમન ગિલ ચોક્કસ મેચ રમશે.' આ સિવાય મુખ્ય કોચે કેએલ રાહુલનું સમર્થન કરતા જણાવ્યું હતું કે, 'સોશિયલ મીડિયા પર કોણ શું કહે છે, તેનાથી કોઈ ફરક પડતો નથી. અમે સોશિયલ મીડિયાના આધારે ખેલાડીઓ(પ્લેયિંગ 11)ની પસંદગી કરતા નથી. ટીમ મેનેજમેન્ટનો અભિપ્રાય મહત્વપૂર્ણ છે. સોશિયલ મીડિયાનો કોઈ અર્થ નથી. ટીમ મેનેજમેન્ટ અને સર્વોચ્ચ નેતૃત્વ શું વિચારે છે તે ખૂબ મહત્ત્વનું છે. કે.એલ રાહુલ ખરેખર સારી બેટિંગ કરી રહ્યો છે. તેણે બાંગ્લાદેશ સામે કાનપુરમાં યોજાયેલી મેચમાં મુશ્કેલ વિકેટ પર સારી ઇનિંગ રમી હતી.'
રાહુલ પાસે રન બનાવવાની ક્ષમતા
વધુમાં ગંભીરે કહ્યું હતું કે, 'મને ખાતરી છે કે તે(રાહુલ) જાણે છે કે તેણે હજુ ઘણાં રન બનાવવાના છે. અને તેની પાસે રન બનાવવાની ક્ષમતા પણ રહેલી છે. તેથી ટીમે તેને ટેકો આપ્યો છે... છેવટે તો દરેકનું મૂલ્યાંકન કરવામાં આવે છે. ગંભીરે બેંગલુરુમાં તુમને મળેલી હાર વિશે કહ્યું કે, 'બેંગલુરુમાં મળેલી હારને અમારે સહન કરવી પડી હતી. અમે મેચના બાકીના અઢી દિવસ બેટિંગ કરવાનો કોઈ ઈરાદો દર્શાવ્યો ન હતો.'
આ પણ વાંચો : ટેસ્ટ રેન્કિંગમાં આ દિગ્ગજ ભારતીય બેટરે કોહલીને પાછળ છોડ્યો, બોલર બુમરાહ ટોપ પર
ભારતે કોઈ પણ રીતે બીજી ટેસ્ટ મેચ જીતવી પડશે
બેંગલુરુમાં પહેલીં ટેસ્ટની પહેલી ઇનિંગમાં ભારતીય ટીમે માત્ર 46ના સ્કોર પર ઓલઆઉટ થઇ ગઈ હતી. જે અત્યાર સુધીની સૌથી ઓછો સ્કોર હતો. જેથી કરીને ભારતીય ટીમે 36 વર્ષ પછી ઘરઆંગણે ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. તેથી સીરિઝને બચાવવા માટે ભારતે કોઈ પણ રીતે બીજી ટેસ્ટ જીતવી પડશે.