ગંભીરે કહ્યું હતું કે ગાંગુલી લાગવગથી આગળ આવ્યો...' પૂર્વ ક્રિકેટરના ખુલાસાથી સનસનાટી મચી
Manoj Tiwari : પૂર્વ ક્રિકેટર મનોજ તિવારીએ ભારતીય ક્રિકેટ ટીમના હાલના મુખ્ય કોચ ગૌતમ ગંભીર પર ચોંકાવનારા આરોપ લગાવ્યા છે. મનોજ તિવારીએ દાવો કર્યો હતો કે, ગૌતમ ગંભીરે એક સમયે પૂર્વ કૅપ્ટન સૌરવ ગાંગુલીની મજાક ઉડાવી હતી. અહીં તમને જણાવી દઈએ કે, વર્ષ 2015માં દિલ્હીના ફિરોઝશાહ કોટલા મેદાન પર એક રણજી મેચ દરમિયાન ગૌતમ ગંભીર અને બંગાળના કૅપ્ટન મનોજ તિવારી વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારથી બંને પૂર્વ ક્રિકેટરો વચ્ચે દુશ્મની છે.
ગાંગુલી જેક લગાવીને ટીમમાં આવી ગયો?
મનોજ તિવારીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, 'મને યાદ છે કે સૌરવ ગાંગલી CAB(ક્રિકેટ ઍસોસિયેશન ઑફ બંગાળ)માં સામેલ થયો હતો. ગૌતમ ગંભીર તે સમયે સૌરવ ગાંગુલીને લઈને બકવાસ કરતો હતો. ત્યારે ગંભીરે કહ્યું હતું કે, ગાંગુલી જેક લગાવીને ટીમમાં આવી ગયો હતો અને તું પણ તેની પાછળ આવી ગયો. પછી મેં ગાંગુલીને આ વાત કહી હતી. તેમણે માત્ર 'ઠીક છે' કહીને વાત જવા દીધી હતી. મારી ફરજ હતી કે હું તેમને આ વાત કહું. ત્યારબાદ અમારી વચ્ચે કોઈ પણ વાતચીત કે મળવાની બધી આશા પૂરી થઈ ગઈ હતી.'
ગંભીરે મનોજને આપી હતી ધમકી
હકીકતમાં એ રણજી મેચ દરમિયાન ગંભીર સ્લીપમાં ઊભો હતો અને બેટર મનોજ તિવારીને અપશબ્દો કહી રહ્યો હતો. તિવારીએ કહ્યું હતું કે, 'મેં ક્યારેય કોઈને આ રીતે અપશબ્દો કહેતા સાંભળ્યા નથી. જો કોઈ તમારી માતાને અપશબ્દો કહે છે તો તમારે ચૂપ ન રહેવું જોઈએ. હું એવો વ્યક્તિ નથી કે જે ગમે તેવા અપશબ્દો સાંભળી લે. મેં ત્યારે તેને પૂછ્યું હતું કે, ગૌતી ભાઈ, તમે આ રીતે કેમ વાત કરી રહ્યા છો. સામે તેણે કહ્યું કે, રાતે તું મને મળ, હું તને મારીશ. મેં કહ્યું કે, રાતે શું અત્યારે જ કર જે કરવું હોય તે.'
આ પણ વાંચોઃ રણજીમાં રવીન્દ્ર જાડેજાનો તરખાટ! 50 બોલમાં એક પણ રન ન આપ્યો, એક જ મેચમાં 12 વિકેટો ઝડપી
મેચ ફીના 50 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો ગંભીર પર
ગંભીર સાથેના વિવાદ અંગે વધુમાં તિવારીએ કહ્યું કે, 'મેચ દિલ્હીમાં રમાઈ રહી હતી. આ દરમિયાન અમ્પાયર વચ્ચે આવ્યા અને ગંભીરને ત્યાંથી દૂર લઈ ગયા હતા અને પછી ઓવર પૂરી થઈ ગઈ હતી અને મેં નોન-સ્ટ્રાઇક છોડી દીધી હતી. તે મીડ-ઑફ પાસે આવીને મને ફરીથી અપશબ્દો કહેવા માંડ્યો હતો. અમ્પાયર વધુ કંઈ કરી શકે તેમ ન હતા. તે મોટો ખેલાડી હતો, તેથી અમ્પાયરોને ડર હતો કે તે પોતાના પ્રભાવનો દુરુપયોગ તેમની સામે કરી શકે છે. કોઈ પણ ખેલાડીએ મારી સાથે આ રીતે વાત કરી ન હતી.' ત્યારે બંને ખેલાડીઓ વચ્ચે તીવ્ર બોલાચાલી થઈ હતી. આ ઘટનાને લઈને ગંભીર પર મેચ ફીના 50 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો.