રોહિત નહીં રમે તો બુમરાહ બનશે કેપ્ટન: ગૌતમ ગંભીરે કરી જાહેરાત, વિરાટના ફૉર્મ મુદ્દે પણ આપ્યું નિવેદન
IND Vs AUS, Gautam Gambhir : ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે સોમવારે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર રવાના થતા પહેલા મીડિયા સાથે વાત કરી હતી. આ દરમિયાન તેણે ન્યૂઝીલેન્ડ સામેની હાર સાથે જોડાયેલા મુશ્કેલ પ્રશ્નોના જવાબ આપ્યા હતા. તેણે ટીમની તૈયારી અને કેપ્ટન રોહિત શર્માની ઉપલબ્ધતા અને ટીમનો કેપ્ટન કોણ હશે તે અંગે જવાબો આપ્યા હતા.
પહેલી ટેસ્ટમાં રોહિત શર્મા રમશે?
રોહિત શર્મા પહેલી ટેસ્ટ મેચમાં રમશે કે નહી? તે અંગે ગંભીરે કહ્યું હતું કે, 'રોહિત શર્મા વિશે હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી. આશા છે કે તે મેચ સમયે ઉપલબ્ધ રહેશે. સીરિઝ શરૂ થશેતે પહેલા તમને બધું જ ખબર પડી જશે. જો રોહિત શર્મા ઉપલબ્ધ નહી હોય તો અમારી પાસે કેએલ રાહુલ અને અભિમન્યુ ઇશ્વરન તરીકે ઓપનિંગ વિકલ્પો છે.'
રોહિત નહીં તો કોણ બનશે કેપ્ટન?
ટીમમાં રોહિતની ગેરહાજરીમાં કેપ્ટન કોણ હશે તે સવાલના જવાબમાં ગંભીરે કહ્યું હતું કે, 'જસપ્રિત બુમરાહ વાઇસ કેપ્ટન છે. જો રોહિત મેચ રમવાનું ચૂકી જશે તો જસપ્રીત બુમરાહ ટીમનો કેપ્ટન રહેશે.'
શું કહ્યું ગંભીરે કોહલી અને રોહિતના ફોર્મ વિશે?
વિરાટ કોહલી અને રોહિત શર્માના ફોર્મ અંગે ગંભીરે કહ્યું હતું કે, 'હું રોહિત શર્મા અને વિરાટ કોહલીના ફોર્મથી ચિંતિત નથી. મારા માટે તો ડ્રેસિંગ રૂમમાં રનની ભૂખ મહત્ત્વપૂર્ણ છે. અને મને લાગે છે કે આ બંનેને રન બનાવવાની ખૂબ ભૂખ છે. અમારી પાસે ઘણાં અનુભવી ખેલાડીઓ છે. જેઓ આ સ્થિતિમાં રમી ચૂક્યા છે. બંને યુવા ખેલાડીઓને મદદ કરશે. યુવા ખેલાડીઓ માટે આ સીરિઝ મહત્ત્વપૂર્ણ છે.'