2007 T-20 અને 2011 વનડે વર્લ્ડ કપની ફાઈનલ મેચનો હીરો બની શકે છે ભારતીય ટીમનો હેડ કોચ
Gautam Gambhir: ગૌતમ ગંભીર ભારતીય ક્રિકેટ ટીમનો હેડ કોચ બને તેવી શક્યતા વધતી જાય છે. ભારતીય ક્રિકેટબોર્ડ (BCCI)એ ભારતની ટીમના હેડ કોચની નિયુક્તિ માટે ભારતના કે વિદેશના કોચ નીમવા માટેની અરજી મંગાવી છે. અરજી કરવાની છેલ્લી તારીખ આઈપીએલની ફાઈનલ પછીના બીજા દિવસે એટલે કે 27મી મે છે.
દ્રવિડની મુદત પૂરી થઈ રહી છે
વર્તમાન હેડ કોચ દ્રવિડની મુદત આગામી બીજી જૂને શરૂ થનાર T-20 વર્લ્ડ કપની સમાપ્તિ સુધી છે. રાહુલ દ્રવિડ (Rahul Dravid) ઇચ્છે તો ફરી અરજી કરી શકે છે. અને પસંદગી પ્રક્રિયા માટે સામેલ થઈ શકે છે. પણ રાહુલ દ્રવિડ હવે અરજી કરવાના નથી. તેવી જ રીતે લક્ષ્મણ (V.V.S Laxman) પણ આવી ઇચ્છા નથી ધરાવતો. દરમ્યાન ભારતીય ક્રિકેટબોર્ડે ગૌતમ ગંભીર જોડે હેડ કોચ બનાવવા માટે વાટાઘાટો કરી રહ્યા હોવાનું મનાય છે.
કોલકાતાને બે વખત ચેમ્પિયન બનાવ્યું
ગંભીર 2007ની T-20 વર્લ્ડકપ અને 2011ના વન-ડે ક્રિકેટના વર્લ્ડકપનો ખેલાડી રહી ચૂક્યો છે. તેની ટેસ્ટ અને વન-ડે કારકીર્દીથી તો ક્રિકેટ ચાહકો પરિચિત છે જ. T-20 ક્રિકેટમાં તે કોલકાતા નાઈટરાઈડર્સનો કેપ્ટન 2012થી 2017ના વર્ષ દરમ્યાન રહ્યો હતો. તેની કેપ્ટન્સી હેઠળ કોલકાતા પાંચ વખત પ્લે ઓફમાં અને 2012 અને 2014માં બે વખત ચેમ્પિયન બની ચૂક્યું છે.
લખનઉ સુપર જાયટન્સનો મેન્ટર રહ્યો
2022 અને 2023ની આઈપીએલ સિઝનમાં તે લખનઉ સુપર જાયટન્સનો મેન્ટર રહ્યો હતો અને ટીમ પ્લેઓફમાં પહોંચી હતી. 2024ની વર્તમાન સિઝનમાં ગંભીર આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સનો મેન્ટોર છે અને ટીમ પ્લે ઓફમાં નંબર વન તરીકે ક્વોલિફાય થઈ છે.આમ ગંભીર ભારતીય ટીમના હેડ કોચ બનવા માટે ફેવરિટ છે.