ગૌતમ ગંભીરનું કદ વેતરી નાંખવાની તૈયારી! પાવર બચાવવા માટે અગ્નિપરીક્ષામાંથી થવું પડશે પસાર
Gautam Gambhir May Be Removed From Head Coach Position : તાજેતરમાં ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ક્રિકેટ ટીમને 0-3થી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. 24 વર્ષ બાદ ઘરઆંગણે ભારતીય ટીમનું ટેસ્ટ સીરિઝમાં ક્લીન સ્વિપ થયું હતું. હવે ભારતીય ટીમ આગામી પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયા જવાની છે. જ્યાં તે ઓસ્ટ્રેલિયા સામે 22 નવેમ્બરથી 5 મેચની ટેસ્ટ સીરિઝ રમશે. આ ટેસ્ટ સીરિઝ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ(WTC)ની ફાઈનલ માટે ક્વોલિફિકેશનની દ્રષ્ટિએ પણ ભારતીય ટીમ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.
ગૌતમ ગંભીરના કોચિંગ સામે અનેક સવાલો
ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર માટે પણ ઓસ્ટ્રેલિયા પ્રવાસ એક અઘરી પરીક્ષા સ્મિત થશે. ન્યૂઝીલેન્ડ સામે ભારતની કારમી હાર બાદ ગૌતમ ગંભીર પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. લગભગ ચાર મહિના પહેલા ગંભીરે મુખ્ય કોચનું પદ સંભાળ્યું હતું. પરંતુ તેમના કોચિંગ હેઠળ ભારતીય ટીમ શ્રીલંકાના પ્રવાસમાં વનડે સીરિઝ હારી ગઈ હતી. અને ત્યારબાદ ન્યૂઝીલેન્ડ સામે શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ગૌતમ ગંભીરને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
શું ગંભીરને કોચના પદ પરથી હટાવી શકાય છે?
જો ઓસ્ટ્રેલિયામાં ભારતીય ટીમનું પ્રદર્શન ખરાબ રહેશે તો ગૌતમ ગંભીરને ટેસ્ટ ક્રિકેટમાં મુખ્ય કોચના પદ પરથી હટાવી શકાય છે. ગંભીર હાલમાં ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમનો મુખ્ય કોચ છે. એક અહેવાલમાં દાવો કરાયો છે કે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI) હવે વ્હાઈટ બોલ અને રેડ બોલ ક્રિકેટ માટે અલગ-અલગ કોચની નિમણૂક કરવા પર વિચાર કરી રહ્યું છે. ટેસ્ટ ક્રિકેટમાં VVS લક્ષ્મણ જેવા અનુભવી ખેલાડીને મુખ્ય કોચ બનાવી શકાય છે. જ્યારે ગૌતમ ગંભીર વ્હાઈટ બોલની ટીમના મુખ્ય કોચ બની શકે છે.
BCCIએ યોજી સમીક્ષા બેઠક
એક અહેવાલ અનુસાર, BCCI દ્વારા ન્યૂઝીલેન્ડ સામે મળેલી કારમી હાર બાદ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠક છ કલાક ચાલી હતી. જેમાં કેપ્ટન રોહિત શર્માની સાથે મુખ્ય પસંદગીકાર અજીત અગરકર અને મુખ્ય કોચ ગંભીર, BCCI પ્રમુખ રોજર બિન્ની પણ હાજર હતા. ન્યૂઝીલેન્ડ સીરિઝ દરમિયાન ટીમ મેનેજમેન્ટ દ્વારા લેવામાં આવેલા કેટલાક નિર્ણયો અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ગંભીરની કોચિંગ સ્ટાઈલ વિશે પણ ચર્ચા થઈ હતી. જે અગાઉના મુખ્ય કોચ રાહુલ દ્રવિડથી ઘણી અલગ છે.