ગૌતમની કોચિંગ પર ઉઠ્યા 'ગંભીર' સવાલ: પાંચ મહિનામાં પાંચ વખત થઈ ફજેતી
Gautam Gambhir : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સીરિઝની બીજી મેચ એડિલેડ ઓવલ ખાતે રમાઈ હતી. આ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને 10 વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતે ઓસ્ટ્રેલિયાને માત્ર 19 રનનું લક્ષ્ય આપ્યું હતું. ભારતીય ટીમની મળેલી હારને કારણે પાંચ ટેસ્ટ મેચોની આ સીરિઝ 1-1થી બરાબર થઈ ગઈ છે. હવે બંને ટીમો વચ્ચેની ત્રીજી ટેસ્ટ 14 ડિસેમ્બરથી બ્રિસ્બેનના ગાબા મેદાન પર રમાશે.
ગૌતમના કોચિંગ પર 'ગંભીર' સવાલ!
એડિલેડ ટેસ્ટમાં ટીમને મળેલી હાર બાદ ચાહકો ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર પર સવાલો ઉઠાવી રહ્યા છે. T20 વર્લ્ડકપ 2024 બાદ ગંભીર ભારતીય ટીમનો મુખ્ય કોચ બન્યો હતો. તેણે રાહુલ દ્રવિડની જગ્યા લીધી હતી. જો કે, કોચ તરીકે ગંભીરનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું ન હતું. ભારતીય ટીમ ગંભીરના કોચિંગ હેઠળ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ(WTC)માં ફાઈનલની રેસમાં પાછળ રહી જાય તેવું લાગી રહ્યું છે. જો ગંભીરના કોચિંગ પર નજર કરીએ તો તેના હેઠળ ભારતીય ટીમને માત્ર પાંચ મહિનામાં 5 વખત મોટી ફજેતીનો સામનો કરવો પડયો હતો........
શ્રીલંકા સામે ટીમની હાર
1. કોચ તરીકે ગૌતમ ગંભીરની પહેલી પરિક્ષા ભારત અને શ્રીલંકા વચ્ચેની સીરિઝ હતી. ભારતીય ટીમે જુલાઈ 2024માં શ્રીલંકાનો પ્રવાસ કર્યો હતો. જેમાં ભારતીય ટીમે T20 સીરિઝ 3-0થી જીતી હતી, પરંતુ વનડે સીરિઝમાં 0-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. 27 વર્ષ બાદ ભારતીય ટીમ શ્રીલંકા સામે દ્વિપક્ષીય વનડે સીરિઝ હારી ગઈ. આ પહેલા તેઓ ઓગસ્ટ 1997માં હારી ગયા હતા.
ન્યૂઝીલેન્ડ સામે ભારતીય ટીમનું નિરાશાજનક પ્રદર્શન
2. ભારતીય ટીમને ગંભીરના કોચિંગ હેઠળ ઘરઆંગણે ન્યૂઝીલેન્ડ સામે કારમી હાર મળી હતી. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પહેલી ટેસ્ટ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં ભારતીય ટીમ પહેલી ઇનિંગમાં 46 રન કરી સમેટાઈ ગઈ હતી. ટેસ્ટ ઈતિહાસમાં ઘરઆંગણે ભારતનો આ સૌથી ઓછો સ્કોર હતો. તે મેચમાં ભારતીય ટીમને 8 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. 19 વર્ષ બાદ ભારતીય ટીમ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ટેસ્ટ મેચ હારી હતી.
ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પહેલી વખત ક્લીન સ્વીપ!
3. આ પછી ભારતીય ટીમને પુણે ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડના હાથે 113 રને હારનો સામનો કરવો પડ્યો હતો. અને તેના પછી વાનખેડે ટેસ્ટમાં પણ ટીમને 25 રને હારનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે ન્યૂઝીલેન્ડે ત્રણ મેચની ટેસ્ટ સીરિઝમાં ભારત સામે ક્લીન સ્વીપ કર્યું હતું. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પહેલી વખત ભારતીય ટીમને ઘરઆંગણે ત્રણ કે તેથી વધુ મેચોની સીરિઝમાં ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો હતો. ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણે ભારત પહેલી વખત ટેસ્ટ સીરિઝમાં હર્યું હતું.
12 વર્ષ બાદ ભારતીય ટીમ ટેસ્ટ સીરિઝ હારી
4. 12 વર્ષ બાદ ઘરઆંગણે ભારતીય ટીમ ટેસ્ટ સીરિઝ હર્યું હતું. આ પહેલા ભારતીય ટીમને ડિસેમ્બર 2012માં ઈંગ્લેન્ડ સામે ચાર મેચની ટેસ્ટ સીરિઝમાં 1-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. તે પછી ભારત પહેલી વખત ઘરઆંગણે ટેસ્ટ સીરિઝ હારી ગયું હતું. ન્યૂઝીલેન્ડ સામેની સીરિઝ પહેલા ભારતીય ટીમે ઘરઆંગણે સતત 18 ટેસ્ટ સીરિઝ જીતી હતી.
ઓસ્ટ્રેલિયા સામે પણ ટીમ મુશ્કેલીમાં મૂકાઈ
5. હવે ગૌતમ ગંભીરના નેતૃત્વમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગઈ છે. ભારતે ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝમાં સારી શરૂઆત કરી હતી અને પર્થ ટેસ્ટમાં 295 રનથી જીત મેળવી હતી. જો કે, ભારતીય ટીમ પિંક બોલ ટેસ્ટ મેચમાં મુશ્કેલીમાં મૂકાઈ ગઈ હતી. આ મેચ ત્રીજા દિવસના પહેલા સેશનમાં જ સમાપ્ત થઈ ગઈ હતી. અને ભારતે આ મેચ ગુમાવી દીધી હતી.
અહીં તમને જણાવી દઈએ કે ગૌતમ ગંભીરે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા ટીમ સિલેક્શન કરવામાં પણ ભાગ લીધો હતો. હકીકતમાં મુખ્ય કોચ ટીમ સિલેક્શનમાં ભાગ લઈ શકતા નથી. પરંતુ છતાં પણ BCCIએ ગંભીર માટે નિયમમાં ફેરફાર કર્યો. પરંતુ હવે જ્યારે ટીમના સારા પરિણામો નથી આવે રહ્યા ત્યારે ગંભીર સામે પ્રશ્નો ઊભા થઇ રહ્યા છે. હવે અપેક્ષા રખાઈ રહી છે કે ભારતીય ટીમ એડિલેડ ટેસ્ટની હારમાંથી પાઠ શીખશે અને આવનારી ત્રણ ટેસ્ટ મેચોમાં સારું પ્રદર્શન કરશે.
ગંભીરના કોચિંગ હેઠળ ભારતનું અત્યાર સુધીનું પ્રદર્શન
શ્રીલંકા વિરુદ્ધ T20 સીરિઝ: 3-0થી જીત
શ્રીલંકા વિરુદ્ધ વનડે સીરિઝ: 0-2થી હાર
બાંગ્લાદેશ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ: 2-0થી જીત
બાંગ્લાદેશ વિરુદ્ધ T20 સીરિઝ: 3-0થી જીત
ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ: 0-3થી હાર
ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટેસ્ટ સીરિઝઃ હાલમાં 1-1થી બરાબરી પર છે