ટીમ ઈન્ડિયામાં વાઇસ કેપ્ટન મુદ્દે ઘમસાણ, પ્રેકિટસ સેશનમાં ગંભીર અને પંડ્યા વચ્ચે ગહન ચર્ચા
Gautam Gambhir Hardik Pandya: ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે પાંચ મેચોની સીરિઝ રમશે. આ સીરિઝની શરૂઆત 22 જાન્યુઆરીથી કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં થશે. સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ આ સીરિઝ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ટીમે પ્રથમ પ્રેક્ટિસ સેશનમાં મેદાન પર પરસેવો પાડી દીધો હતો. આ દરમિયાન હેડ કોચ ગૌતમ ગંભીર અને સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા લગભગ અડધા કલાક સુધી કોઈ મુદ્દા પર વાત કરતા દેખાયા હતા. ટીમના વાઇસ કેપ્ટન અંગે બંને વચ્ચે લાંબી ચર્ચા ચાલી હતી.
ગંભીર અને પંડ્યા વચ્ચે ગહન ચર્ચા
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ગૌતમ ગંભીર હાર્દિકને વાઇસ કેપ્ટન બનાવવા માગતો હતો. જોકે, સિલેક્શન કમિટિએ અક્ષર પટેલની વાઇસ કેપ્ટન તરીકે પહેલાથી જ પસંદગી કરી લીધી હતી. પ્રેક્ટિસ સેશન દરમિયાન ગંભીર અને પંડ્યાએ ટીમ નેટથી દૂર લાંબા સમય સુધી ગહન ચર્ચા કરી. આ ઉપરાંત ગંભીરે સંજુ સેમસન સાથે પણ અલગથી વાત કરી હતી.
રોહિત-અગરકર ગંભીરના પક્ષમાં નહોતા
એવા અહેવાલો સામે આવ્યા હતા કે, ગંભીર ઈચ્છતો હતો કે, ચેમ્પિયન્સ ટ્રોફીમાં હાર્દિક પંડ્યાને ટીમ ઈન્ડિયાનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવે અને ઋષભ પંતની જગ્યાએ સંજુ સેમસનને વિકેટકીપર તરીકે પસંદ કરવામાં આવે, પરંતુ સિલેક્શન કમિટિની બેઠકમાં કેપ્ટન રોહિત શર્મા અને ચીફ સિલેક્ટર અજિત અગરકરે સેમસનની પસંદગીનો વિરોધ કર્યો હતો. પંત અને પંડ્યાને બદલે તે શુભમન ગિલને વાઇસ કેપ્ટન બનાવવાના પક્ષમાં હતો. સિલેક્શન મીટિંગમાં પણ આ અંગે ચર્ચા થઈ હતી.
સેમસન માત્ર ટી20 સીરિઝનો હિસ્સો
પ્રેક્ટિસ સેશન દરમિયાન ગંભીરની પંડ્યા અને સેમસન સાથેની વાતચીતે આ અટકળોને વધુ વેગ આપ્યો છે. સેમસનને માત્ર ઈંગ્લેન્ડ સામેની ટી20 સીરિઝ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ઈંગ્લેન્ડ સામેની વન ડે સીરિઝ અને ચેમ્પિયન્સ ટ્રોફી માટે તેની ટીમમાં પસંદગી કરવામાં આવી ન હતી. જેના પર કેટલાક પૂર્વ ક્રિકેટરોએ પણ સવાલ ઉઠાવ્યા છે. ટીમ ઈન્ડિયાના નવા બેટિંગ કોચ સિતાંશુ કોટક પણ પ્રથમ સેશનમાં હાજર હતા.
મોહમ્મદ શમીની વાપસી
પ્રથમ પ્રેક્ટિસ સેશનમાં બધાની નજર મોહમ્મદ શમી પર હતી, જે લગભગ 14 મહિના પછી ટીમ ઈન્ડિયામાં વાપસી માટે તૈયાર છે. પ્રેક્ટિસ સેશનમાં તેણે લગભગ બે કલાક બોલિંગ કરી. શમી 2023માં રમાયેલા વન ડે વર્લ્ડ કપના ફાઈનલ પછી મેદાનથી દૂર હતો.