આપણે હજુ MI-CSK કરતાં પાછળ છીએ...: IPL 2024 જીત્યાં બાદ ગૌતમ ગંભીરે KKRને આપ્યો નવો ટાર્ગેટ
Image: Facebook
Gautam Gambhir: કોલકાતા નાઈટ રાઈડર્સના મેન્ટર ગૌતમ ગંભીરે ટીમના આગામી લક્ષ્યનો ખુલાસો કર્યો છે. તેમનું કહેવું છે કે તેઓ કેકેઆરને આઈપીએલના ઈતિહાસની સૌથી સફળ ફ્રેન્ચાઈઝી બનાવવા ઈચ્છે છે જે માટે તેમની ટીમને ખૂબ મહેનત કરવી પડશે. કોલકાતા નાઈટ રાઈડર્સે આઈપીએલ 2024ના ફાઈનલમાં સનરાઈઝર્સ હૈદરાબાદને 8 વિકેટથી હરાવીને ત્રીજો ખિતાબ જીત્યો હતો, તેના પહેલા ટીમ 2012 અને 2014માં ચેમ્પિયન બની ચૂકી છે. જો કેકેઆરે આઈપીએલના ઈતિહાસની સૌથી સફળ ટીમ બનવું હોય તો હજુ તેણે 3 ખિતાબ જીતવા પડશે.
આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ ટ્રોફી જીતવાનો રેકોર્ડ હાલ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સના નામે છે. આ બંને ટીમોએ અત્યાર સુધી 5-5 ખિતાબ જીત્યા છે. કેકેઆર 3 ટ્રોફી સાથે તેમનાથી પાછળ છે. ગૌતમ ગંભીરે કહ્યું, 'અમે હજુ પણ MI અને CSK થી બે ટ્રોફી દૂર છીએ. હું આજે સંતુષ્ટ છું, પરંતુ અમે હજુ પણ સૌથી સફળ આઈપીએલ ફ્રેંચાઈઝી નથી. તે માટે હજુ અમારે ત્રણ ટુર્નામેન્ટ જીતવાની જરૂર છે, અને આ માટે ખૂબ પ્રયત્નની જરૂર પડશે.' કેકેઆરના મેન્ટરે કહ્યું, 'અમારુ આગામી મિશન કેકેઆરને આઈપીએલની સૌથી સફળ ટીમ બનાવવાનું છે. તેનાથી શ્રેષ્ઠ કોઈ અનુભવ નહીં હોય પરંતુ આ દિશામાં યાત્રા હજુ શરૂ થઈ છે.
ત્રીજી વખત આઈપીએલ ખિતાબ જીતવાના સવાલ પર કેકેઆરના પૂર્વ કેપ્ટને કહ્યું કે શબ્દોમાં તેને જણાવવું ખૂબ મુશ્કેલ છે. ગંભીરે કહ્યું, જ્યારે તમે આઈપીએલમાં ઉતરો છો તો તમારો પહેલો વિચાર પ્લેઓફમાં પહોંચવાનો હોય છે. જ્યારે તમે પ્લેઓફના નજીક હોવ છો તો તમે ઉચ્ચ સ્થાન વિશે વિચારો છો. જ્યારે તમે ત્યાં પહોંચો છો તો તમે ફાઈનલમાં પહોંચવા ઈચ્છો છો અને પછી તેને જીતવા ઈચ્છો છો. દરેક પગલા પર ઉત્સાહ, પડકાર અને ગભરામણ રહી છે. આજે ઘરે બેસીને હું ખૂબ ખુશ છું. આઈપીએલ એક એવી લીગ છે જ્યાં તમે કોઈ પણ ટીમને હળવાશમાં લઈ શકો નહીં. આ એટલી હાઈ-ઈન્ટેસિટી ટુર્નામેન્ટ છે કે જ્યારે તમે આને જીતો છો તો તમે પોતાના વિશે ખૂબ સારો અનુભવ કરવા લાગો છો.