ગૌતમ ગંભીરે આપ્યું એવું નિવેદન કે હાર્દિક પંડ્યાની વધી જશે ચિંતા, જાણો શું સંકેત આપ્યા
Gautam Gambhir On Hardik Pandya : ભારતીય ક્રિકેટ ટીમમાં હંમેશા બેટરનો દબદબો રહ્યો છે. પરંતુ હવે નવી પેઢીમાં જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ અને મોહમ્મદ સિરાજ જેવા બોલરોના લીધે હવે ક્રિકેટ જગતમાં ભારતનું બોલિંગમાં પણ પ્રભુત્વ વધી રહ્યું છે. રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાએ બોલ અને બેટ બંનેથી સાબિત કર્યું છે કે, તેઓ વિશ્વસ્તરના સ્પિન ઓલરાઉન્ડરો છે. અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદર અને કુલદીપ યાદવ પણ પોતાના પ્રદર્શનથી લોકોને પ્રભાવિત કરી રહ્યા છે, પરંતુ લાંબા સમયથી ભારતીય ટીમમાં હંમેશા એક પેસ ઓલરાઉન્ડરની ખોટ રહી છે.
હાલમાં ભારતીય ક્રિકેટ ટીમમાં હાર્દિક પંડ્યા, શાર્દુલ ઠાકુર અને શિવમ દુબે જેવા પેસ ઓલરાઉન્ડર ઉપલબ્ધ છે. ટીમ મેનેજમેન્ટ શિવમ દુબે અને શાર્દુલ કરતાં હાર્દિક પંડ્યા પર વધુ વિશ્વાસ કરે છે, પરંતુ હાર્દિક ટેસ્ટ રમવા માંગતો નથી. જ્યારે ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરને ભારતીય ટીમમાં પેસ ઓલરાઉન્ડરની કમી વિશે પૂછવામાં આવ્યું તો, તેમણે કહ્યું હતું કે, 'ભારતીય ટીમને એક પેસ ઓલરાઉન્ડરની શોધ કરી રહી છે. આશા છે કે તે ટૂંક સમયમાં મળી જશે.'
ગૌતમ ગંભીરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં લોકો આવે છે અને સારું પ્રદર્શન કરે છે. આપણે કપિલ દેવના સમયથી જ આ અંગે વિચાર કરતા રહ્યા છીએ કે, આપણી પાસે કોઈ ઝડપી બોલિંગ કરનાર ઓલરાઉન્ડર નથી.' આ બાબતે ગંભીરે હાર્દિક પંડ્યાનું નામ તો નથી લીધું, પરંતુ ઈશારો જરૂર કર્યો હતો કે, જો તે ટેસ્ટ નથી રમી રહ્યો તો તેનાથી કોઈ ફરક પડી રહ્યો નથી. આ બાબતને લઈને હાર્દિક પંડયાની ચિંતામાં વધારો થઇ શકે છે.'
પેસ ઓલરાઉન્ડરને લઈને કોચ ગંભીરે જણાવ્યું હતું કે, 'જો આપણી પાસે તે નથી, તો તે નથી જ, આપણી પાસે ખરેખર મજબૂત ફર્સ્ટ ક્લાસ માળખું છે. અને આશા છે કે અમે ટૂંક સમયમાં કોઈને શોધી લઇશું. જો અમને ટૂંક સમયમાં કોઈ મળી જશે તો, તે ભારતીય ક્રિકેટ માટે ઘણું સારું રહેશે, અને જો અમને કોઈ નથી મળતું તો, અમારી પાસે ગુણવત્તાયુક્ત ઓલરાઉન્ડર ઉપલબ્ધ છે. અમારે રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ અને અશ્વિન જેવા ખેલાડીઓ ને મેનેજ કરવા પડશે, વોશિંગ્ટન સુંદર પણ છે, એટલા માટે અમારી પાસે શાનદાર ઓલરાઉન્ડર છે.'
બે મેચમાં ખેરવી 18 વિકેટ: વિદેશની ધરા પર તરખાટ મચાવી રહ્યો છે ભારતનો આ સ્ટાર બોલર
તેણે આગળ કહ્યું, 'જ્યારે આપણે સીમ બોલિંગ ઓલરાઉન્ડરની વાત કરીએ છીએ, તો તમે મને કહો કે કેટલી આંતરરાષ્ટ્રીય ટીમો પાસે સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર છે? એવી ઘણી ઓછી ટીમો છે કે જેમની પાસે સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર ઉપલબ્ધ છે. ભારત પાસે આ સુવિધા છે. તેથી સીમ બોલિંગ ઓલરાઉન્ડર વિશે આપણે વિચારવાનું બંધ કરવું જોઈએ. જો આપણે કોઈને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં વિકસાવી શકીએ તો તે ભારતીય ક્રિકેટ માટે બહુ સારું રહેશે.'