તમારે ભારતથી શું લેવા-દેવા?, મને રોહિત-વિરાટ પર પૂરો ભરોસો: ગંભીરનો રિકી પોન્ટિંગને જડબાતોડ જવાબ
Gautam Gambhir Reply To Ricky Ponting : ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે ન્યૂઝીલેન્ડ સામે થયેલી ભારતની શરમજનક હારને લઈને કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી સહિત ભારતીય ટીમના ઘણાં સિનિયર ખેલાડીઓના ફ્લોપ શો પર સવાલ ઉઠાવ્યા હતા. હવે તેના જવાબમાં ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે વળતો જવાબ આપ્યો છે. ભારતીય ટીમના મુખ્ય કોચે કેપ્ટન રોહિત શર્મા સહિત પોતાના વરિષ્ઠ ખેલાડીઓનું સમર્થન કર્યું હતું. અને કહ્યું કે પોન્ટિંગે ઓસ્ટ્રેલિયન ટીમ વિશે વાત કરવી જોઈએ.
તાજેતરમાં ઘરઆંગણે ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચની સિરીઝમાં ભારતીય ટીમના સ્ટાર બેટર રોહિત અને કોહલી બંને તેના ફોર્મ ન હતા. રોહિતે છ ઇનિંગ્સમાં માત્ર 91 રન બનાવ્યા હતા. જેમાં એક અડધી સદીનો સમાવેશ થાય છે, જ્યારે કોહલીએ 93 રન બનાવ્યા હતા. જેમાંથી 70 બેંગલુરુમાં પહેલી ટેસ્ટની બીજી ઇનિંગમાં બનાવ્યા હતા.
ગંભીરે કહ્યું હતું કે, 'રિકી પોન્ટિંગને ભારતીય ક્રિકેટ સાથે શું લેવાદેવા છે? તેણે ઓસ્ટ્રેલિયા વિશે વાત કરવી જોઈએ. વિરાટ કોહલી અને રોહિત શર્માની અંદર હજુ પણ રમત પ્રત્યે જનુન છે. અને તેઓ પોતાની કારકિર્દીમાં વધુ ઊંચાઈઓ હાંસલ કરવા માંગે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં દેશ માટે સારું પ્રદર્શન કર્યું છે. અન્ય ખેલાડીઓ પણ સારું પ્રદર્શન કરી રહ્યા છે. અને મને ખાતરી છે કે અમે એક ટીમ તરીકે સુધારીશું.'
સિનિયર બેટરો પર વિશ્વાસ વ્યક્ત કરતા ગંભીરે કહ્યું હતું કે, 'મને રોહિત અને વિરાટની કોઈ ચિંતા નથી. તેઓ મજબૂત ખેલાડી છે. તેમણે ભારતીય ક્રિકેટ માટે ઘણું હાંસલ કર્યું છે. અને આગળ પણ તેઓ આવું કરતા રહેશે."
હકીકતમાં ગયા અઠવાડિયે પોન્ટિંગે ICC સમીક્ષામાં વિરાટ કોહલીના ફોર્મ પર ચિંતા વ્યક્ત કરી હતી. અને સતત નિરાશાજનક પ્રદર્શન કરવા છતાં પણ ટેસ્ટ ટીમમાં તેની પસંદગી પર સવાલ ઉઠાવ્યા હતા.