'ગંભીરે પોતાની સાથે થયો હતો એવો જ અન્યાય હાર્દિકને કર્યો' જૂનો VIDEO વાયરલ થતાં ભડક્યા ફેન્સ
India-Sri Lanka T20 Series 2024 : ભારતીય ક્રિકેટ ટીમની શ્રીલંકા સામેની સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની T20 કેપ્ટનશીપની જવાબદારી સૂર્યકુમાર યાદવને મળી છે. આ ટીમમાં હાર્દિક પંડ્યાને પણ જગ્યા મળી છે. પરંતુ તેને વાઈસ કેપ્ટનની જવાબદારી પણ આપવામાં આવી નથી. અગાઉ T20 વર્લ્ડકપમાં તે વાઇસ કેપ્ટન હતો પરંતુ હવે તેને હટાવવામાં આવતા કેટલાક ક્રિકેટ ચાહકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ઝિમ્બાબ્વે સામેની શ્રેણીમાં કેપ્ટન બનનાર શુભમન ગિલને હવે બંને ફોરમેટમાં વાઇસ કેપ્ટનની જવાબદારી મળી છે. આ નિર્ણય બાદ હાલમાં જ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બનેલા ગૌતમ ગંભીરને કેટલાક ક્રિકેટ ચાહકો ટાર્ગેટ કરી રહ્યા છે. એક જૂના ઈન્ટરવ્યુને લઈને ફેન્સ ગંભીરને ટ્રોલ કરી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયો ગૌતમ ગંભીરના એક ઈન્ટરવ્યૂનો છે જેમાં તે કહી રહ્યો છે કે, “મહેન્દ્ર સિંહ ધોની કોમનવેલ્થ બેંક (CB) શ્રેણીમાં ટીમ ઇન્ડિયાનો કેપ્ટન હતો, જ્યારે હું વાઇસ-કેપ્ટન હતો. આ સીરિઝ પછી અમારે બાંગ્લાદેશમાં શ્રેણી રમવા જવાનું હતું. પરંતુ તેમાં ટીમમાં માત્ર એક ફેરફાર કરવામાં આવ્યો હતો. વાઇસ કેપ્ટન (ગંભીર)ને હટાવીને વિરાટ કોહલીને આ જવાબદારી સોંપવામાં આવી હતી. આજ સુધી કોઈપણ રમતના ઈતિહાસમાં તમે જોયું હશે કે વાઈસ કેપ્ટનને હટાવવામાં આવ્યો હોય અને કેપ્ટન એ જ રહ્યો હોય!
હવે હાર્દિક પંડયા સાથે પણ આવું જ થયું છે. T20 વર્લ્ડકપમાં ભારત વિશ્વવિજેતા બન્યું. આ ટુર્નામેન્ટમાં હાર્દિક પંડયા વાઇસ કેપ્ટન હતો. ત્યાર બાદ ઝિમ્બાબ્વે સીરિઝમાં તો તેને આરામ આપવામાં આવ્યો હતો માટે તે ટીમનો હિસ્સો જ નહોતો. પરંતુ ત્યાર પછી શ્રીલંકા સામેની શ્રેણીમાં તેની પાસેથી વાઇસ કેપ્ટનનું પદ લઈ લેવામાં આવ્યું છે.
ગંભીરનો આ વીડિયો વાયરલ થયા બાદ ફેન્સ તરફથી અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે. એક યુઝરે લખ્યું હતું કે, "આ વ્યક્તિ પોતે જ પોતાના નિવેદનનો વિરોધાભાસ કરે છે."
તો અન્ય એક યુઝરે લખ્યું, “તેના મનમાં ઘણા લોકો માટે વેરભાવના છે. સમજાતુ નથી કે તે ડ્રેસિંગ રૂમમાં કેવી રીતે એડજસ્ટ થશે."
T20I વર્લ્ડ કપ 2024 માં વિજય બાદ કેપ્ટન રોહિત શર્માએ T20I ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. એવી અટકળો હતી કે હાર્દિક પંડ્યા આ ફોર્મેટમાં ભારતીય ટીમનો આગામી કેપ્ટન હશે. પરંતુ એવું ન થયું અને આ જવાબદારી સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવી. જેના કારણે કેટલાક ક્રિકેટ પ્રેમીઓ અકળાયા હતા.