IND vs NZ: 'એક હજાર રન બનાવો છતાં જીતની ગેરંટી નથી', ગૌતમ ગંભીરે આપી ફોર્મ્યુલા, કહ્યું- આ યુગ બોલર્સનો
Gautam Gambhir : બોલિંગને લઈને ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે ફરી એકવાર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ગંભીરનું માનવું છે કે, આ બોલર્સનો યુગ છે અને બેટરોએ પોતાનું જીદ્દી વલણ છોડવું પડશે. ગંભીરના આ જ આત્મવિશ્વાસનું પરિણામ છે કે ભારતીય ટીમની બોલિંગ યુનિટ બાંગ્લાદેશ સામેની ત્રણ મેચની T20 સીરિઝમાં 26 વિકેટ લેવામાં સફળ રહી હતી. હવે ભારત આગામી ટેસ્ટ સીરિઝ 16 ઑક્ટોબરથી ન્યૂઝીલૅન્ડ સામે રમશે.
ન્યુઝીલૅન્ડ સામેની ટેસ્ટ સીરિઝ પહેલા ગૌતમ ગંભીરે કહ્યું હતું કે, 'આ બોલર્સનો યુગ છે. બેટર માત્ર મેચને જીતાડવા માટેના પાયો નાખવાનું કામ કરે છે. બેટરોએ પોતાનું જીદ્દી વલણ ભૂલી જવું પડશે. જો ટીમ બેટિંગમાં 1000 રનનો સ્કોર કરે છે, તો પણ જીત મળશે કે નહીં તેની કોઈ ગેરંટી નથી. પરંતુ જો બોલર મેચમાં 20 વિકેટ લઈ લે છે તો મેચ જીતવાની 99 ટકા ગેરંટી છે.'
વધુમાં ગંભીરે જણાવ્યું હતું કે, 'ભારતમાં બેટિંગ પ્રત્યે વધુ જુસ્સો જોવા મળે છે, પરંતુ જસપ્રિત બુમરાહ, રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજા જેવા બોલર્સએ આ માનસિકતાને બદલવાનું કામ કર્યું છે. બુમરાહ ટેસ્ટ ક્રિકેટમાં ચતુરાઈથી કામ કરે છે. એ સારી વાત છે કે આપણા બોલરો વૈશ્વિક ક્રિકેટના માપદંડોને બદલી રહ્યા છે. બુમરાહ અત્યારે વિશ્વનો સર્વશ્રેષ્ઠ ઝડપી બોલર છે, જે કોઈપણ સમયે મેચને બદલી શકે છે.'
આ પણ વાંચો : કોહલીના ખરાબ ફૉર્મ વિશે કોચ ગૌતમ ગંભીરે કહી એવી વાત, કે ફેન્સ થઈ જશે ગદગદ્