ગૌતમ ગંભીરે ક્રિકેટ ટીમના હેડ કોચ બનવા આપ્યો ઈન્ટરવ્યૂ, જાણો BCCIએ શું સવાલ પૂછ્યા
Image Twitter |
Gautam Gambhir Interview: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચ બનવા માટે ભૂતપૂર્વ દિગ્ગજ ક્રિકેટર ગૌતમ ગંભીરનો ઈન્ટરવ્યુ લેવામાં આવ્યો હતો. આ પહેલા રિપોર્ટ સામે આવ્યો હતો કે, ગૌતમ ગંભીરે BCCI સમક્ષ કેટલીક શરતો મૂકી હતી. જોકે, તે શરતોને BCCIએ પણ સ્વીકારી લીધી છે. પરંતુ હવે ફેન્સ જાણવા માંગે છે કે ઈન્ટરવ્યુ દરમિયાન BCCIએ ગૌતમ ગંભીરને કયા પ્રશ્નો પૂછ્યા હતા?
રિપોર્ટ્સ અનુસાર, ત્રણ સવાલ સામે આવી રહ્યા છે જે BCCIએ ગૌતમ ગંભીરને પૂછ્યા હતા...
- 1. ટીમના કોચિંગ સ્ટાફ વિશે ગૌતમ ગંભીરના શું વિચારો છે?
- 2. ટીમના બેટિંગ અને બોલિંગ બંને વિભાગમાં કેટલાક ઉંમરલાયક ખેલાડીઓ છે, જો ફેરફારો કરવામાં આવે તો તેઓ તેમને કેવી રીતે સંભાળશે?
- 3. ICC ટ્રોફી જીતવામાં ટીમ ઈન્ડિયા છેલ્લા ઘણા વર્ષોથી નિષ્ફળ રહી છે, આ અંગે તમારો શું મત છે?
ગૌતમ ગંભીર IPL 2024માં કોલકાતા નાઈટ રાઈડર્સ માટે મેન્ટર તરીકે કામ કરી રહ્યા હતા. તેની દેખરેખમાં KKRએ આ વખતે પણ ખિતાબ કબજે કર્યો હતો. ત્યારથી BCCIની નજર ગૌતમ ગંભીર પર ટકેલી હતી. ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તરીકે ગંભીર BCCIની પહેલી પસંદ છે. કેટલાક પૂર્વ ક્રિકેટરોએ પણ કહ્યું હતું કે, ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ પદ માટે શ્રેષ્ઠ ઉમેદવાર છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને BCCIના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ પણ ગંભીરનું સમર્થન આપ્યું હતું.
વર્લ્ડ કપ બાદ દ્રવિડનો કાર્યકાળ સમાપ્ત
ટીમ ઈન્ડિયા હાલ વર્લ્ડ કપમાં ધૂમ મચાવી રહી છે. હાલમાં મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ પણ T20 વર્લ્ડ કપ 2024 બાદ સમાપ્ત થઈ રહ્યો છે. ત્યાર બાદ ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વેના પ્રવાસ કરશે. તેમા ટીમ ઈન્ડિયાના કોચ ગૌતમ ગંભીર હોઈ શકે છે.