વિરાટ, બુમરાહ ચાલશે પણ રોહિતે રમવું પડશે! ગંભીરે શ્રીલંકા પ્રવાસ અગાઉ કેમ કરી આવી જીદ?

Updated: Jul 18th, 2024


Google NewsGoogle News
rohit sharma hardik pandya jasprit bumrah


Rohit Sharma: ભારતીય ક્રિકેટ ટીમના નવા હેડ કોચ તરીકે નિમાયેલા ગૌતમ ગંભીર મુખ્ય કોચ તરીકે શ્રીલંકા પ્રવાસ પર ભારતીય ટીમની સાથે રહેશે. રાહુલ દ્રવિડનો કાર્યકાળ T20 વર્લ્ડ કપ 2024 સુધીનો હતો. દ્રવિડના કોચિંગ હેઠળ ભારતે તાજેતરમાં T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. ત્યાર બાદ ઝિમ્બાબ્વે પ્રવાસમાં જુનિયર ટીમ ગઈ હતી અને સિનિયર્સને આરામ આપવામાં આવ્યો હતો. સંજુ સેમસન અને યશસ્વી જયસ્વાલ જેને  T20 વર્લ્ડ કપમાં તક રમવાની નહોતી મળી તેમણે આ પ્રવાસમાં પોતાનું બેટિંગ અને ફોર્મ બતાવી દીધું હતું.

જો કે ત્યાર બાદ શ્રીલંકા સામેની શ્રેણીમાં પણ કેપ્ટન રોહિત શર્મા સહિત સિનિયરોને શ્રીલંકા પ્રવાસ માટે આરામ આપવાનો હતો. પરંતુ હવે એક રિપોર્ટ અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે રોહિતને નવા કોચ ગૌતમ ગંભીરે ઉપલબ્ધ રહેવા માટે કહ્યું છે કારણ કે ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતને માત્ર 6 વનડે મેચ રમવાની છે. ચેમ્પિયન્સ ટ્રોફીનું યજમાન પાકિસ્તાન છે. હજુ ભારત આ ટુર્નામેન્ટ રમશે કે નહીં એ નિશ્ચિત નથી. જો કે ICC ટુર્નામેન્ટમાં રમવાનું થાય તો ટીમ પૂર્વતૈયારી કર્યા વિના પહોંચી ન શકે.

એક ક્રિકેટ વેબસાઇટના અહેવાલ અનુસાર, રોહિત શર્મા વનડે શ્રેણીમાં વાપસી કરી શકે છે. એવું કહેવામાં આવ્યું હતું કે કોચ ગૌતમ ગંભીરે સિનિયર ક્રિકેટર રોહિત શર્માને ODI શ્રેણી માટે પોતાને ઉપલબ્ધ રાખવા સૂચન કર્યું છે. તેની પાછળનું કારણ એ હતું કે ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતને માત્ર 6 ODI મેચ રમવાની છે અને  શ્રીલંકા પ્રવાસ બાદ તેને લાંબો બ્રેક મળી શકે એમ છે. આ વર્ષે શ્રીલંકા સામે ભારત 3 વન ડે અને આવતા વર્ષે જાન્યુઆરીની આસપાસ ઈંગ્લેન્ડ સામે 3 વન-ડે રમશે. કેપ્ટન અને કોચ વચ્ચે આપસમાં ચર્ચાઓ થાય અને નવી સ્ટ્રેટેજી બનાવવામાં સરળતા રહે એ માટે મોટી ટુર્નામેન્ટ અગાઉ તેમણે સાથે કામ કર્યું હોય એ જરૂરી છે.

જો કે રોહિત શર્મા ટીમની કેપ્ટનશિપ કરતો જોવા મળશે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે. જો રોહિત શર્મા શ્રીલંકા સામેની વન ડે શ્રેણીમાં નહીં રમે અથવા કેપ્ટનશીપ નહીં કરે તો લોકેશ રાહુલને કેપ્ટનશીપ આપવામાં આવી શકે છે. કારણ કે વિરાટ કોહલી અને જસપ્રિત બુમરાહને આરામ આપવામાં આવશે તે લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. 

કેએલ રાહુલે ઘણી વખત ODI મેચોમાં ભારતનું નેતૃત્વ કર્યું છે. અત્યાર સુધી કેએલ રાહુલે 12 વનડે મેચોમાં ભારતીય ટીમની કપ્તાની કરી છે. જેમાંથી ભારતે 8 મેચ જીતી છે અને 4 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. હવે જોવાનું એ રહે છે કે તે શ્રીલંકા સામે કેવું પ્રદર્શન કરે છે. તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા શ્રીલંકા પ્રવાસ પર 3 વનડે રમશે. પ્રથમ ODI 2જી ઓગસ્ટે, બીજી 4ઠ્ઠી ઓગસ્ટે અને ત્રીજી ODI 7મી ઓગસ્ટે રમાશે. જો કે હજુ ટીમની જાહેરાત થઈ નથી અને એ પણ એક મોટો પ્રશ્ન માનવામાં આવી રહ્યો છે. 


Google NewsGoogle News