'ગંભીર તો પાખંડી છે, IPLમાં જીતની ક્રેડિટ પણ લઈ ગયો...' પૂર્વ ભારતીય ક્રિકેટર જોરદાર ભડક્યો
Image: Facebook
Manoj Tiwarys Statement About Gautam Gambhir: ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ એક દાયકા બાદ બોર્ડર ગાવસ્કર ટ્રોફી ગુમાવી દીધી. આ પહેલા ન્યુઝીલેન્ડ વિરુદ્ધ 3 ટેસ્ટ મેચમાં ક્લીન સ્વીપ પણ વેઠી. ભારતીય ટીમ પોતાના ઘર આંગણે પહેલી વખત ત્રણ મેચોની સીરિઝમાં 0-3 થી હારી હતી. એટલું જ નહીં ભારતીય ટીમને 27 વર્ષોમાં પહેલી વખત શ્રીલંકામાં ઓડીઆઈ સીરિઝમાં હારનો સામનો કરવો પડ્યો. આ દરમિયાન એક બાબત કોમન હતી તે હતી કોચ ગૌતમ ગંભીર. તેની કોચિંગમાં ભારતે 5 મહિનાની અંદર ઘણી મેચ સાથે સીરિઝ પણ ગુમાવી દીધી. તેની આ ખરાબ શરૂઆત બાદ પૂર્વ બેટ્સમેન મનોજ તિવારીએ ભારતીય ટીમના તાજેતરના પ્રદર્શન પર સવાલ ઉઠાવ્યા છે. તેણે કહ્યું કે 'ગૌતમ ગંભીર આઈપીએલ ફ્રેંચાઈઝીને સલાહ આપવામાં પારંગત હોઈ શકે છે પરંતુ રાષ્ટ્રીય ટીમના કોચ માટે 'યોગ્ય વિકલ્પ' નથી.
મનોજ તિવારીએ કહ્યું કે 'હું ઈમાનદારીથી કહું તો મને નથી લાગતું કે તેની પાસે ટેસ્ટ કે વનડે ક્રિકેટમાં કોચિંગ આપવાનો કોઈ અનુભવ છે. જુઓ, પરિણામ તમારી સામે છે. પરિણામ ખોટું બોલતાં નથી. આંકડા ખોટા હોતાં નથી. રેકોર્ડ પોતે બોલે છે. ગંભીરને બાબતોને યોગ્ય કરવામાં કે જીતના માર્ગે આવવામાં ખૂબ સમય લાગશે. તેને ભારત જેવી ટીમના ખેલાડીઓને કોચિંગ આપવાનો કોઈ અનુભવ નથી.'
ઘણા ખેલાડી હતાં, જેમને કોચ બનાવી શકાત
તિવારીનું માનવું છે કે 'વીવીએસ લક્ષ્મણ અને સાઈરાજ બહુતુલે એવા પૂર્વ ખેલાડીઓને કોચિંગમાં પૂરતો અનુભવ છે અને તે ભારતીય ટીમના કોચ માટે આદર્શ વિકલ્પ હોત. મને લાગે છે કે વીવીએસ લક્ષ્મણ અને સાઈરાજ બહુતુલે જેવા પૂર્વ ખેલાડી આગામી મુખ્ય કોચ બનવાની લાઈનમાં હતાં. આ લોકો છેલ્લા ઘણા વર્ષોથી એનસીએ (નેશનલ ક્રિકેટ એકેડેમી) ની સાથે છે. જ્યારે રાહુલ દ્રવિડ ઉપલબ્ધ નહોતો તો આગામી કોચ આવું જ કોઈને હોવું જોઈતું હતું.
ગંભીર પાસેથી આવું પરિણામ મળવું નક્કી હતું
પશ્ચિમ બંગાળ સરકારના રમતગમત રાજ્ય મંત્રી તિવારીએ ગંભીરના કોચિંગની રીત પર સવાલ ઉઠાવતાં કહ્યું કે 'ગૌતમ ગંભીર રાહુલ દ્રવિડના સારા કાર્યોને આગળ વધારી શક્યો નહીં. દ્રવિડના મામલે તે પ્રક્રિયાનું પાલન કરવામાં આવી રહ્યું હતું પરંતુ આ વખતે ગંભીર કેવી રીતે આવ્યો, કોઈ જાણતું નથી. તેથી આવા પરિણામ મળવાનું નક્કી હતું. જ્યારે કોઈ એવી વ્યક્તિ આવે છે જેની પાસે કોઈ અનુભવ નથી અને તે કામ કરે છે તો તેનાથી કોઈ ફરક પડતો નથી કે તે કેટલો આક્રમક છે. દરમિયાન આ પરિણામ આવવાનું નક્કી છે.'
IPLમાં જીતની તમામ ક્રેડિટ પોતે લઈ લીધી
આઈપીએલમાં ગૌતમ ગંભીર કોલકાતા નાઈટરાઈડર્સનો મેન્ટોર હતો. તે પહેલા તે લખનૌ સુપર જાયન્ટ્સની સાથે બે વર્ષ સુધી ટ્રેનર તરીકે કામ કરી ચૂક્યો હતો. ગંભીરની અધ્યક્ષતામાં જ કેકેઆરે 2012 અને 2014માં આઈપીએલ ટ્રોફી જીતી હતી. માત્ર આઈપીએલનું પરિણામ જોઈને તેને મુખ્ય કોચ તરીકે નિમણૂક કરવાનો નિર્ણય ખોટો હતો. મારી સમજથી આ યોગ્ય વિકલ્પ નહોતો. તેણે કેકેઆરના આઈપીએલ ચેમ્પિયન બનવાનો પૂરો શ્રેય ગંભીરને આપવાની ટીકા કરતાં કહ્યું કે 'ટીમની સફળતામાં મુખ્ય કોચ ચંદ્રકાંત પંડિત અને ખેલાડીઓનું પણ મહત્ત્વનું યોગદાન હતું.'
મનોજ તિવારીની આઈપીએલ રમવાના દિવસોમાં 2013માં ગંભીરની સાથે ડ્રેસિંગ રૂમમાં તકરાર થઈ હતી. ત્યારે બંને કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમમાં સામેલ હતાં. તેણે કહ્યું, 'આમાં કોઈ શંકા નથી કે ગંભીરે ખરાબ સમયથી પસાર થઈ રહેલા આંદ્રે રસેલ અને સુનીલ નારાયણ જેવા ખેલાડીઓનું મનોબળ વધાર્યું પરંતુ જો તે તમામ કામ કરી રહ્યો હતો તો ચંદ્રકાંત પંડિત શું કરી રહ્યો હતો? શું તમે કહેવા ઈચ્છી રહ્યાં છો કે કેકેઆરની સફળતામાં કોચ તરીકે ચંદ્રકાંત પંડિત અને અન્ય ખેલાડીઓની કોઈ ભૂમિકા નહોતી?'
આ પણ વાંચો: વિરાટ કોહલી લઈ શકે આ મોટો નિર્ણય, BGT સીરિઝમાં ખરાબ પ્રદર્શન બાદ વધી ગયુ હતું દબાણ
આગામી સમયમાં ગંભીરની પરીક્ષા થશે
ભારતીય ટીમે ગૌતમ ગંભીરની કોચિંગમાં ખૂબ નિરાશાજનક પ્રદર્શન કર્યું છે. એવા પણ સમાચાર આવ્યા હતાં કે તે કોચ માટે બીસીસીઆઈની પહેલી પસંદ નહોતો. તેના બદલે વીવીએસ લક્ષ્મણને કોચ બનાવવાનો હતો પરંતુ તેના ઈનકાર કર્યા બાદ ગૌતમના નામ પર મોહર લાગી. જોકે ગંભીરની પાસે આગામી ઈંગ્લેન્ડ સીરિઝ અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાની આવડત સાબિત કરવાની સારી તક હશે. તે બાદ જૂનમાં ભારતે 2025-27 ની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ શરૂ કરવાની છે. જેના માટે તે પાંચ ટેસ્ટ મેચ માટે ઈંગ્લેન્ડનો પ્રવાસ કરશે. ભારતીય ટીમ 'પરિવર્તનના સમય' થી પસાર થઈ રહી છે. દરમિયાન ગંભીરની સામે પણ પડકારો, જેને તે પાર પાડવાનો પ્રયત્ન જરૂર કરશે.