સાઉથ આફ્રિકાના આ સ્ટાર ખેલાડીને ભારતનો બોલિંગ કોચ બનાવવા માંગે છે ગંભીર, BCCI લેશે અંતિમ નિર્ણય
Image: X
Gautam Gambhir New Head Coach: ગૌતમ ગંભીર હવે ટીમ ઈન્ડિયાનો નવો હેડ કોચ બની ગયો છે. જ્યારે બોલિંગ અને બેટિંગ કોચની પસંદગી થવાની બાકી છે. બોલિંગ કોચ માટે અત્યાર સુધી અભિષેક નાયરનું નામ સામે આવી રહ્યું હતું. ગંભીર અને અભિષેકનો IPL 2024 માં કેકેઆર માટે સારો તાલમેલ જોવા મળ્યો હતો પરંતુ હવે સાઉથ આફ્રિકાના પૂર્વ દિગ્ગજ બોલરનું નામ સામે આવી રહ્યું છે. રિપોર્ટ અનુસાર ગંભીરે આ સાઉથ આફ્રિકી દિગ્ગજનું નામ બોલિંગ કોચ બનાવવા માટે આપ્યું છે. જોકે આ મુદ્દે BCCI અંતિમ નિર્ણય લેશે.
આ દિગ્ગજ બોલિંગ કોચ બની શકે છે
ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચ ગૌતમ ગંભીરે બોલિંગ કોચ માટે સાઉથ આફ્રિકાના પૂર્વ દિગ્ગજ બોલર મોર્ને મોર્કેલના નામનું સૂચન કર્યું છે. જોકે અત્યાર સુધી બીસીસીઆઈએ તેને લઈને કોઈ અંતિમ નિર્ણય લીધો નથી. રિપોર્ટ અનુસાર બીસીસીઆઈ મોર્ને મોર્કેલના નામ પર વિચાર કરી શકે છે.
ગૌતમ ગંભીર અને મોર્ને મોર્કેલ આઈપીએલમાં પહેલા પણ એક સાથે કામ કરી ચૂક્યા છે. જ્યારે ગંભીર આઈપીએલમાં લખનૌ સુપર જાયન્ટ્સનો મેન્ટર હતો ત્યારે મોર્કેલ ટીમનો બોલિંગ કોચ હતો. મોર્ને મોર્કેલની સાથે BCCIની અમુક ચર્ચાઓ પણ થઈ છે.
મોર્કેલ પાકિસ્તાન ટીમનો કોચ રહી ચૂક્યો છે
વનડે વર્લ્ડ કપ 2023 દરમિયાન મોર્ને મોર્કેલ પાકિસ્તાન ક્રિકેટ ટીમનો બોલિંગ કોચ હતો. આ ટુર્નામેન્ટમાં પાકિસ્તાન ટીમનું પ્રદર્શન ખૂબ ખરાબ રહ્યું હતું. જે બાદ પાકિસ્તાન ક્રિકેટમાં ખૂબ પરિવર્તન જોવા મળ્યું હતું. મોર્કેલે પણ પાકિસ્તાન ક્રિકેટની સાથે પોતાનો કોન્ટ્રાક્ટ પૂરો થયા પહેલા પદ છોડી દીધું હતું.
મોર્કેલે 12 વર્ષ સુધી સાઉથ આફ્રિકા માટે ક્રિકેટ રમી હતી. પોતાના સમયમાં મોર્કેલ ખૂબ શાનદાર બોલર હતો. મોર્કેલે સાઉથ આફ્રિકા માટે 86 ટેસ્ટ, 117 વનડે અને 44 ટી20 મેચ રમી છે. ટેસ્ટ ક્રિકેટમાં મોર્કેલે 309 વિકેટ, વનડેમાં 188 અને ટી20 47 વિકેટ ફટકારી હતી.