રોહિતની ગેરહાજરથી લઈને શમીની ઈન્જરી સુધી... ટીમ ઈન્ડિયાના સિલેક્શન પર 5 સવાલ ઊઠ્યાં
5 Questions Are Being Asked About BCCI Team Selection : આગામી દક્ષિણ આફ્રિકા પ્રવાસ અને 5 મેચની ભારત વિ ઓસ્ટ્રેલિયા બોર્ડર ગાવસ્કર ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે(BCCI) ટીમની જાહેરાત કરી છે. દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ટીમ માટે 15 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. આ ટીમમાં મયંક યાદવ અને શિવમ દુબેની ઈજાને કારણે પસંદગી કરવામાં આવી નથી. અને રિયાન પરાગ હાલમાં BCCI સેન્ટર ઓફ એક્સેલન્સમાં છે. આ સિવાય બોર્ડર ગાવસ્કર ટેસ્ટ સીરિઝ માટે રોહિત શર્માના નેતૃત્વમાં 18 ખેલાડીઓની ટીમ પસંદ કરવામાં આવી છે. અને ત્રણ ખેલાડીઓ રિઝર્વમાં છે. ટીમમાં ઈજાના કારણે કુલદીપ યાદવની પસંદગી કરવામાં આવી નથી. પરંતુ BCCIની આ ટીમની પસંદગીને લઈને 5 મોટા સવાલ ઉભા થયા છે. ચાલો જાણીએ તેના વિશે......
મોહમ્મદ શમીની ફિટનેસને લઈને કોઈ અપડેટ નહી
BCCI તરફથી વર્લ્ડકપ 2023 બાદથી ઈજાગ્રસ્ત મોહમ્મદ શમીની ઈજા અંગે કોઈ અપડેટ આપવામાં આવ્યું નથી. હવે શમી ઈજામાંથી સાજો થઈ ગયો છે. અને તેણે સંપૂર્ણ તાકાતથી બોલિંગ કરવાનું શરૂ કરી દીધું છે. પરંતુ તે મેચને લઈને ફિટ છે કે નહીં તેની કોઈ અપડેટ નથી. BCCI તરફથી પણ શમીની ઈજાના અપડેટનો કોઈ ઉલ્લેખ નથી. બોર્ડર ગાવસ્કર સીરિઝમાં શમીનું ન હોવું ભારત માટે મોટો ઝટકો છે.
અચાનક હર્ષિત રાણા અને નીતિશ કુમાર રેડ્ડીને ટીમમાં સ્થાન અપાયું
હર્ષિત રાણા, નીતિશ કુમાર રેડ્ડી અને મયંક યાદવ જેવા યુવા ખેલાડીઓને ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં ટીમમાં સ્થાન અપાયું હતું. પરંતુ ત્યારબાદ તેમને અચાનક ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝમાં પણ સામેલ કરવામાં આવ્યા હતા. તેમને ટીમમાં સમાવેશ કરવો એ એક મોટો નિર્ણય હતો. આ ખેલાડીઓને પહેલી વખત ભારતીય ટેસ્ટ ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે.
કુલ 4 ખેલાડી ઈજાગ્રસ્ત
અપડેટ આપતા BCCIએ કહ્યું કે, શિવમ દુબે અને મયંક યાદવ ઈજાગ્રસ્ત થવાને કારણે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે તેમની પસંદગી કરવામાં આવી નથી. આ સાથે જ રિયાન પરાગ અને કુલદીપ યાદવ જેવા ખેલાડીઓ પણ જૂની ઈજાના કારણે પસંદગીમાંથી બહાર થઈ ગયા છે. ન્યૂઝીલેન્ડ સામેની પહેલી ટેસ્ટમાં કુલદીપ યાદવ ભારતીય પ્લેઈંગ ઈલેવનનો ભાગ હતો. પરંતુ બીજી ટેસ્ટમાં ટીમમાં તેના સ્થાને વોશિંગ્ટન સુંદરનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
BCCIએ માહિતી આપી હતી કે, કુલદીપ યાદવ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે પસંદગી માટે ઉપલબ્ધ ન હતો. કારણ કે તેને ન્યૂઝીલેન્ડ સામે ચાલી રહેલી ટેસ્ટ સીરિઝની સમાપ્તિ બાદ ડાબા ગ્રોઈનની સમસ્યાની સારવાર કરવવા માટે BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સમાં મોકલવામાં આવ્યો છે. રિયાન પરાગ પણ હાલમાં તેની જૂની જમણા ખભાની ઈજાની સારવાર માટે સેન્ટર ઓફ એક્સેલન્સમાં છે.
સારું પ્રદર્શન છતાં ઇશાન કિશનની પસંદગી નહી
ઘણાં સમયથી ભારતીય ટીમથી બહાર ચાલી રહેલો ઇશાન કિશને સ્થાનિક ક્રિકેટમાં રમવાનું શરુ કરી દીધું. અને તે સતત રન પણ બનાવી રહ્યો છે. તેમ છતાં તેની દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે પસંદગી થઈ નથી. આ પ્રવાસ માટે ટીમમાં માત્ર બે ઓપનિંગ બેટર અભિષેક શર્મા અને સંજુ સેમસનની પસંદગી કરવામાં આવી છે. ટીમમાં કોઈ બેકઅપ ઓપનર નથી. સંજુ સેમસને બાંગ્લાદેશ સામેની છેલ્લી સીરિઝમાં પણ ઇનિંગની શરૂઆત કરી હતી.
રોહિત શર્માને લઈને અનિશ્ચિતતા
હાલમાં જ કેટલાક અહેવાલો સામે આવ્યા હતા કે ભારતીય કેપ્ટન રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા સામેની બોર્ડર ગાવસ્કર ટેસ્ટ સીરિઝની પહેલી મેચ ચૂકી શકે છે. જો કે BCCIએ ટીમની પસંદગી દરમિયાન રોહિતની ઉપલબ્ધતા અંગે કોઈ અપડેટ આપી નથી.