યુરો કપમાંથી રોનાલ્ડોની ટીમ પોર્ટુગલ બહાર, પેનલ્ટી શૂટ આઉટ જીતી આ ટીમની સેમિ ફાઈનલમાં એન્ટ્રી
Image : File pic IANS |
Portugal vs France: યુરો કપ 2024ની ક્વાર્ટર ફાઈનલમાંથી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (Cristiano Ronaldo)ની ટીમ પોર્ટુગલ બહાર ફેંકાઈ ગઈ છે. કિલિયન એમબીપ્પેની આગેવાનીમાં ફ્રાન્સે પેનલ્ટી શૂટઆઉટ (penalty shootout)માં પોર્ટુગલને હરાવીને સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે. હવે સેમિ ફાઈનલમાં ટીમની સ્પેન (Spain) સામે ટક્કર થશે.
બંને ટીમોને ગોલના ઘણી તક મળી હતી
ફ્રાન્સે શુક્રવારે રાત્રે હેમ્બર્ગના વોક્સપાર્ક સ્ટેડિયમમાં રમયાયેલી મેચમાં પેનલ્ટી શૂટઆઉટમાં પોર્ટુગલને 5-3 (0-0)થી હરાવીને યુરો કપ 2024ની સેમિ ફાઇનલમાં ધમાકેદાર પ્રવેશ કર્યો હતો. પહેલા હાફમાં બંને ટીમો બરાબરી પર હતી અને બંને ટીમોને ગોલના ઘણા મોકા મળ્યા હતા. પ્રથમ હાફની 16મી મિનિટે પોર્ટુગલને તક મળી હતી, પરંતુ બ્રૂનો ફર્નાન્ડિસના ગોલ તરફના શોટને ફ્રેન્ચ ડિફેન્ડર વિલિયમ સાલિબાએ શાનદાર રીતે રોકી લીધો હતો. આ પછી ચાર મિનિટ બાદ પ્રથમ હાફમાં જ તક બનાવીને ફ્રાન્સના થિયો હર્નાન્ડેઝે દૂરથી જ શાનદાર શોટ ફટકાર્યો હતો, જો કે પોર્ટુગલના ગોલકીપર ડિયોગો કોસ્ટાએ ગોલ થવા ન દીધો.
ફ્રાન્સે તમામ 5 તકોને ગોલમાં ફેરવી નાખ્યા
મેચમાં ફ્રાન્સ અને પોર્ટુગલની ટીમો નિર્ધારિત સમય એટલે કે 120 મિનિટમાં એક પણ ગોલ કરી શકી ન હતી. આ પછી મેચનો નિર્ણય પેનલ્ટી શૂટઆઉટમાં થયો હતો. ફ્રાન્સે પેનલ્ટી શૂટ-આઉટમાં પાંચેય તકોને ગોલમાં પરિવર્તિત કરી હતી, જ્યારે પોર્ટુગલ ટીમ માત્ર ત્રણ જ ગોલ કરી શકી. આ રીતે ફ્રાન્સે મેચ 5-3થી પોતાના નામે કરી અને સેમિ ફાઈનલમાં પ્રવેશ કર્યો. હવે મંગળવારે મ્યુનિકના એલિયાન્ઝ એરેનામાં સેમિ ફાઈનલમાં ફ્રાન્સનો સામનો સ્પેન સાથે થશે.
આ પણ વાંચો : સર, લોકોએ મને ખૂબ ટ્રોલ કર્યો...: PM મોદી સામે છલકાયું ક્રિકેટરનું દર્દ, જુઓ વીડિયો
અગાઉ સ્પેન સેમીફાઈનલમાં પહોંચ્યું
ઉલ્લેખનીય છે કે આ પહેલા રમાયેલી પ્રથમ ક્વાર્ટર ફાઈનલમાં સ્પેને જર્મનીને હરાવીને સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું હતું. હવે સેમિ ફાઈનલની પ્રથમ મેચ ફ્રાન્સ અને સ્પેન વચ્ચે રમાશે. યુરો કપ 2024માં શુક્રવારે સ્પેન અને જર્મની વચ્ચે રમાયેલી ક્વાર્ટર ફાઈનલ મેચમાં સ્પેને જર્મનીને 2-1થી હરાવીને બહાર કરી દીધું હતું. આ બંને ટીમો રેકોર્ડ ત્રણ વખત ચેમ્પિયન છે. જર્મની બહાર થવાની સાથે ચોથી વખત ચેમ્પિયન બનવાની આશા ખતમ થઈ ગઈ. જ્યારે સ્પેન હવે 14 જુલાઈએ યોજાનારી ફાઈનલની રેસમાં છે.
આ પણ વાંચો : 'અરે તુ તો લાયો જ નહીં...' વડાપ્રધાન મોદીએ કઈ વાત યાદ અપાવતાં શરમાઈ ગયો નીરજ ચોપડાં