જ્યૂસની દુકાન ચલાવે છે જાણીતા વિદેશી ક્રિકેટરની ભારતવંશી પત્ની, વારાણસી સાથે ખાસ કનેક્શન
Daren Ganga's wife Pranitai's varanasi connection : વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ ક્રિકેટર ડેરેન ગંગા 14 જાન્યુઆરીના રોજ 46 વર્ષનો થઇ ગયો હતો. ગંગાનું ભારત અને તેમાં પણ વારાણસી સાથે ખાસ કનેક્શન છે. ગંગાએ વેસ્ટ ઈન્ડિઝ માટે 48 ટેસ્ટ, 35 વનડે અને 1 T20 મેચ રમી હતી. આ સમયગાળા દરમિયાન તેણે ટેસ્ટમાં 25.71 ની સરેરાશથી 2160 રન બનાવ્યા હતા. જેમાં ત્રણ સદી અને નવ અડધી સદીનો સમાવેશ થાય છે. જ્યારે વનડે ફોર્મેટમાં ગંગાએ 25.54 ની સરેરાશથી 843 રન બનાવ્યા હતા. ગંગાએ વનડેમાં 9 અડધી સદી ફટકારી હતી. ગંગાએ T20I આંતરરાષ્ટ્રીય મેચમાં 26 રન બનાવ્યા હતા.
જ્યૂસની દુકાન ચલાવે છે ગંગાની પત્ની પ્રણિતા
ડેરેન ગંગાના પૂર્વજો ભારતમાંથી ત્રિનિદાદ અને ટોબેગોમાં સ્થળાંતર કરીને અહીં જ વસી ગયા હતા. ગંગાની પત્ની પ્રણિતા તિવારી પણ ભારતીય મૂળની છે. પ્રણિતાએ ટ્રિનિદાદમાં 'ગંગા' નામની જ્યૂસની દુકાન ખોલી છે. કોવિડ-19 મહામારી દરમિયાન પ્રણિતાને જ્યૂસની દુકાન ખોલવાનો વિચાર આવ્યો હતો. ડેરેન ગંગા પણ તેમના ફ્રી સમયમાં તેમની પત્ની પ્રણિતાને ઘણી મદદ કરે છે. ઘણાં સ્ટાર ક્રિકેટરો તેમની આ જ્યૂસની દુકાનની મુલાકાત લઇ ચૂક્યા છે.
આ પણ વાંચોઃ વિરાટનો સમય ખતમ થઈ ગયો...' દિગ્ગજ ક્રિકેટર લૉયડની 'કિંગ'ના ફેન્સને ખૂંચે તેવી ટિપ્પણી
પ્રણિતાનો પરિવાર મૂળ વારાણસીનો વતની
હકીકતમાં પ્રણિતાનો જન્મ ઓસ્ટ્રેલિયામાં થયો હતો. પરંતુ તેનો પરિવાર મૂળ વારાણસીનો વતની છે. પ્રણિતા પણ ઘણી વખત વારાણસી જઈ ચૂકી છે. પ્રણિતા અને ડેરેન ગંગાએ થોડો સમય ડેટિંગ કર્યા બાદ વર્ષ 2020 માં લગ્ન કરી લીધા હતા. બંને પહેલી વાર વર્ષ 2017માં અમેરિકામાં મળ્યા હતા. બે ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝ ટીમનું નેતૃત્ત્વ કરી ચૂકેલા ડેરેન ગંગાએ હવે ક્રિકેટ કોમેન્ટ્રીની દુનિયામાં પોતાની ઓળખ બનાવી લીધી છે.