વિરાટ મહત્ત્વપૂર્ણ મેચોનો ખેલાડી...: ભારે ટ્રોલિંગ વચ્ચે કોહલીના સમર્થનમાં આવ્યો પૂર્વ સિલેક્ટર
Sunil Joshi Came In Support Of Virat Kohli : હાલમાં ભારતીય ટીમનો સ્ટાર બેટર વિરાટ કોહલી ટીકાકારોના નિશાના પર છે. ટેસ્ટમાં તે સતત નિરાશાજનક પ્રદર્શન કરી રહ્યો છે. બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં કોહલી હજુ સુધી કોઈ મોટી ઈનીંગ રમ્યો નથી. આવતા મહિને ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ જશે. અને તે પહેલા કોહલીનું ફોર્મ ચિંતાનો વિષય છે. પરંતુ હવે વિરાટને પૂર્વ મુખ્ય પસંદગીકારનું સમર્થન મળ્યું છે.
BCCIના પૂર્વ ચીફ સિલેક્ટર સુનિલ જોશીએ કોહલીનું સમર્થન કર્યું છે અને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે કોહલી ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં સારું પ્રદર્શન કરશે. જોશીએ કહ્યું હતું કે, 'મને પૂરો વિશ્વાસ છે કે વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા પ્રવાસની મજબૂત શરૂઆત કરશે. તેણે ભલે ભારતમાં હજુ સુધી રન બનાવ્યા ન હોય પરંતુ મોટી ટીમો સામે અને મોટી મેચોમાં તે સારું પ્રદર્શન કરશે.'
આ સિવાય અન્ય ભૂતપૂર્વ મુખ્ય પસંદગીકાર એમ.એસ.કે પ્રસાદે કહ્યું છે કે, કોહલીએ વર્ષ 2018-19માં ભારતીય ટીમને સીરીઝ જીતાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. કોહલી અને પૂજારાની જોડીએ ટીમને સંતુલન પૂરું પાડ્યું હતું. જો તમે જુઓ કે કોહલીએ વર્ષ 2018ની સીરિઝમાં કેવું પ્રદર્શન કર્યું હતું. એક છેડે તે આક્રમક બેટિંગ કરતો હતો.'
કોહલીની કેપ્ટનશીપમાં ભારતે પહેલીવાર વર્ષ 2018-19માં ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સીરિઝ જીતી હતી. આ પછી ભારતે 2020-21માં ફરી આવું કર્યું હતું. હવે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સીરિઝ જીતને હેટ્રિક ફટકારવાનો પ્રયાસ કરશે.
ન્યૂઝીલેન્ડ સામે રમાઈ રહેલી ત્રણ મેચની ટેસ્ટ સીરિઝની પહેલી બે મેચમાં કોહલીએ કુલ 88 રન બનાવ્યા છે. આ પહેલા બાંગ્લાદેશ સામે રમાયેલી બે ટેસ્ટ મેચમાં તેણે ચાર ઇનિંગ્સમાં માત્ર 99 રન બનાવ્યા હતા.