લખનઉમાં જન્મેલા PCBના પૂર્વ અધ્યક્ષ અને નવાબ પટૌડીના પિતરાઈ ભાઈનું 89 વર્ષની વયે નિધન
- શહરયાર ખાને પ્રાથમિક શિક્ષા ભારતમાં જ લીધી હતી
Image Source: Twitter
લાહોર, તા. 23 માર્ચ 2024, શનિવાર
Pakistan Cricket: પાકિસ્તાન ક્રિકેટને આજે મોટો ઝટકો લાગ્યો છે. PCBના પૂર્વ અધ્યક્ષ અને નવાબ પટૌડીના પિતરાઈ ભાઈ શહરયાર ખાનનું નિધન થઈ ગયુ છે. તેમણે 89 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધુ છે. તેમના નિધનથી પાકિસ્તાન ક્રિકેટમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. શહરયાર ખાનના નિધનની પુષ્ટિ તેમના પરિવારે કરી છે. તેમનું નિધન પાકિસ્તાનના લાહોરમાં થયું છે. શહરયાર ખાને રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના મેનેજર, PCBના બે વખત અધ્યક્ષ અને વિદેશી બાબતોના સચિવ તરીકે પણ કામ કર્યું છે.
ભારત સાથે ખાસ હતો સંબંધ
શહરયાર ખાનનો જન્મ 29 માર્ચ 1934ના રોજ ભારતના લખનઉમાં થયો હતો. શહરયાર ખાને પ્રાથમિક શિક્ષા ભારતમાં જ લીધી હતી. ત્યારબાદ ભારતનું વિભાજન થયુ અને શહરયાર ખાન પાકિસ્તાન ચાલ્યા ગયા હતા. શહરયાર ખાને કરાચીમાં રાજદ્વારી તરીકે એક પ્રતિષ્ઠિત કરિયર શરૂ કર્યું હતું. આ ઉપરાંત તેમણે પાકિસ્તાનના વિદેશ સચિવ તરીકે પણ કામ કર્યું હતું. શહરયાર ખાન એક સમૃદ્ધ ક્રિકેટ વારસો ધરાવતા પરિવારના હતા. તેઓ પૂર્વ ભારતીય કેપ્ટન નવાબ મન્સૂર અલી ખાન પટૌડીના પિતરાઈ ભાઈ હતા.
The PCB, through its Chairman, Board of Governors and employees, expresses deep sadness over the passing of former Chairman PCB Shaharyar Khan. Our heartfelt condolences to his family and friends. pic.twitter.com/IOmJWAJLu3
— Pakistan Cricket (@TheRealPCB) March 23, 2024
89 વર્ષની વયે થયુ નિધન
પ્રાપ્ત માહિતી પ્રમાણે શહરયાર ખાનની આજે સવારે અચાનક તબિયત લથડી ગઈ હતી અને તેમનું નિધન થઈ ગયુ હતું. શહરયાર ખાને 89 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધુ છે. શહરયાર ખાનના પરિવારમાં તેમની પત્ની અને 4 બાળકો છે.
PCB અધ્યક્ષ મોહસિન નકવીએ શોક વ્યક્ત કર્યો
શહરયાર ખાનના નિધનના સમાચાર મળ્યા બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વર્તમાન અધ્યક્ષ મોહસિન નકવીએ ટ્વીટ કર્યું અને લખ્યું કે પીસીબી વતી હું પૂર્વ અધ્યક્ષ શહરયાર ખાનના નિધન પર ઊંડી સંવેદના અને દુઃખ વ્યક્ત કરું છું. તેઓ એક સારા પ્રશાસક હતા અને તેમણે અત્યંત સમર્પણ સાથે પાકિસ્તાન ક્રિકેટની સેવા કરી.