'હું પાકિસ્તાન ટીમનો કોચ બનવા તૈયાર છું', ભારતીય પૂર્વ દિગ્ગજ ક્રિકેટરે કરી દીધી મોટી વાત
પાકિસ્તાન ક્રિકેટ ટીમનું ODI World Cup 2023માં પ્રદર્શન ખુબ જ નિરાશાજનક રહ્યું હતું
Image:File Photo |
Ajay Jadeja is ready for pakistan team coach role : પાકિસ્તાન ક્રિકેટ ટીમનું ODI World Cup 2023માં પ્રદર્શન ખુબ જ નિરાશાજનક રહ્યું હતું. પાકિસ્તાનની ટીમ લીગ સ્ટેજમાં જ બહાર થઇ પોતાના વતન પરત ફરી ગઈ હતી. પાકિસ્તાન પહોંચતા જ બાબર આઝમે કેપ્ટનશીપથી રાજીનામું આપી દીધું હતું. તે પછી પાકિસ્તાન ક્રિકેટમાં હલચલ મચી ગઈ હતી. મેનેજમેન્ટથી લઈને કોચિંગ સ્ટાફ સુધી તમામ લોકોને બદલવામાં આવ્યા હતા. હાલ પાકિસ્તાન ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. આ દરમિયાન એક પૂર્વ ભારતીય ખેલાડીએ પાકિસ્તાનના કોચ બનવા અંગે મોટી વાત કહી દીધી છે.
મને પાકિસ્તાનના કોચ બનવા સામે કોઈ વાંધો નથી - અજય જાડેજા
ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર અજય જાડેજાએ કહ્યું હતું કે તેમને પાકિસ્તાનના કોચ બનવા સામે કોઈ વાંધો નથી. એક ઈન્ટરવ્યુ દરમિયાન જ્યારે તેમને પાકિસ્તાન ક્રિકેટના કોચની ભૂમિકા નિભાવવા અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેમણે જવાબ આપતા કહ્યું, 'હું તૈયાર છું.' તેમણે આગળ કહ્યું, 'મેં અફઘાન ટીમ સાથે મારો અનુભવ શેર કર્યો અને હું માનું છું કે પાકિસ્તાન પણ એક સમયે અફઘાનિસ્તાન જેવું હતું.'
ICC Champions Trophy માટે અફઘાનિસ્તાન પહેલીવાર થયું ક્વાલિફાઈ
અજય જાડેજાએ ODI World Cup 2023માં અફઘાનિસ્તાનના શાનદાર પ્રદર્શનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેઓ મેંટોર તરીકે ટીમ સાથે જોડાયા હતા. અફઘાનિસ્તાનની ટીમ ODI World Cup 2023માં 4 મેચ જીતી પોઈન્ટ્સ ટેબલ પર છટ્ઠા સ્થાને રહી હતી. આ સાથે જ અફઘાનિસ્તાને ICC Champions Trophy માટે પણ ક્વાલિફાઈ કર્યું હતું. આ પ્રથમ વખત છે જયારે અફઘાનિસ્તાનની ટીમ ICC Champions Trophy માટે ક્વાલિફાઈ થઇ છે.
હેડ કોચ જોનાથન ટ્રોટ અને કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ અજય જાડેજાની પ્રશંસા કરી
અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના હેડ કોચ જોનાથન ટ્રોટ અને ટીમના કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ અજય જાડેજાની ODI World Cup 2023માં અફઘાનિસ્તાનના પ્રદર્શનમાં મોટી ભૂમિકા માટે પ્રશંસા કરી હતી. જણાવી દઈએ કે અફઘાનિસ્તાનની ટીમ જાન્યુઆરીમાં ત્રણ મેચની T20 સિરીઝ માટે ભારતના પ્રવાસે આવશે. આ સિરીઝ 11 જાન્યુઆરીથી શરૂ થશે અને 17 જાન્યુઆરી સુધી ચાલશે. T20 સિરીઝની પ્રથમ મેચ 11 જાન્યુઆરીએ મોહાલીમાં, બીજી મેચ 14 જાન્યુઆરીએ ઈન્દોરમાં અને ત્રીજી મેચ 17 જાન્યુઆરીએ બેંગલુરુમાં રમાશે.