વીરુના આ ગુરુ મંત્રને ફોલો કરે તો પાકિસ્તાનનો આ દિગ્ગજ ટીમમાં કરી શકશે વાપસી
Virender Sehwag Give Advice To Babar Azam : તાજેતરમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે(PCB) એક આશ્ચર્યજનક નિર્ણય લેતા બાબર આઝમને ટીમમાંથી બહાર કરી દીધો હતો. આ નિર્ણય PCBની પસંદગી સમિતિએ ઈંગ્લેન્ડ સામે મુલતાનમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચ બાદ લીધો હતો. બાબર આઝમની ટીમમાં વાપસી હવે ઘણી મુશ્કેલ લાગી રહી છે. પરંતુ હવે ભારતીય ટીમના પૂર્વ ઓપનર વિરેન્દ્ર સેહવાગે બાબરને પુનરાગમન કરવા માટે એક ગુરુ મંત્ર આપ્યો છે.
ઘણાં લાંબા સમયથી બાબર ખરાબ ફોર્મમાં
ઘણાં લાંબા સમયથી બાબર રન બનાવી રહ્યો ન હતો. તેના ખરાબ ફોર્મના કારણે તેના પર અનેક સવાલો ઉભા થયા હતા. અને તેના નેતૃત્વમાં પાકિસ્તાનની ટીમને જીત પણ મળી રહી ન હતી. પાકિસ્તાનને ઘરઆંગણે બે ટેસ્ટ મેચમાં હરાવીને બાંગ્લાદેશ રવાના થઈ ગયું હતું. બાબરે ટીમમાંથી બહાર નીકળતાની સાથે જ પાકિસ્તાને જોરદાર વાપસી કરી હતી. અને બીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને હરાવ્યું હતું. બાબરના સ્થાને આવેલા કામરાન ગુલામે શાનદાર સદી ફટકારી હતી. આ સ્થિતિમાં બાબરની પાકિસ્તાન ટીમમાં વાપસી હવે ઘણી મુશ્કેલ દેખાઈ રહી છે.
બાબરે ડોમેસ્ટિક ક્રિકેટ રમવું જોઈએ
ભારતના પૂર્વ ઓપનર વિરેન્દ્ર સેહવાગે તાજેતરમાં પાકિસ્તાનના પૂર્વ ઝડપી બોલર શોએબ અખ્તર સાથે સોશિયલ મીડિયા પર ચર્ચા કરી હતી. અખ્તરે સેહવાગને પૂછ્યું હતું કે, 'બાબરે પુનરાગમન માટે શું કરવું જોઈએ.' સેહવાગે જવાબ આપતા કહ્યું હતું કે, ' બાબર આઝમે હવે ડોમેસ્ટિક ક્રિકેટ રમવું જોઈએ. તેણે પોતાની ફિટનેસ પર પણ કામ કરવું જોઈએ. તેના પરિવાર સાથે થોડો સમય વિતાવવો જોઈએ અને પછી શારીરિક અને માનસિક રીતે ફિટ થઈને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પરત ફરવું જોઈએ.'
માનસિક રીતે મજબૂત રહેવાની જરૂર
વધુમાં બાબર આઝમ વિશે સેહવાગે કહ્યું હતું કે, ' હવે બાબર આઝમ પાસેથી આશાઓ ઓછી થઇ ગઈ છે. અને તે હવે કેપ્ટનશીપ પણ છોડી ચૂક્યો છે. એવું લાગી રહ્યું છે કે બાબર આ બધી ઘટનાની બાબર ઉપર વધુ અસર થઇ છે. તેણે માનસિક રીતે મજબૂત રહેવાની જરૂર છે. તે એક પ્રતિભાશાળી ખેલાડી છે. તેના જેવા ખલાડીઓ ઝડપથી વાપસી કરે છે.'
વર્ષ 2023થી બાબરે ટેસ્ટમાં માત્ર 20.૩૩ની સરેરાશથી 366 રન બનાવ્યા છે. જેમાં તેનો સૌથી વધુ સ્કોર 41 રહ્યો હતો. જે ઓસ્ટ્રેલિયા સામે મેલબોર્ન ખાતે રન બનાવ્યા હતા.