Photos: IPL ઑક્શન પહેલા ધોનીએ લાંબા વાળ કપાવ્યા, નવો લૂક આવ્યો ચર્ચામાં
MS Dhoni New Look: ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના ભારત સહિત સમગ્ર વિશ્વમાં ઘણાં ચાહકો છે. ભારતીય ટીમમાંથી નિવૃત્ત થયા બાદ પણ તેના ચાહકોમાં તેનો ક્રેઝ ઘટ્યો નથી. ધોની હવે માત્ર આઇપીએલમાં જ રમતા દેખાય છે માટે તેના ચાહકો આઇપીએલની રાહ જોતા હોય છે. સામાન્ય રીતે તો તે ધોની પોતાના શાંત સ્વભાવના કારણે પ્રખ્યાત છે, પરંતુ સ્ટાઇલના મામલે પણ તે પાછળ નથી. તેનો લૂક હંમેશા ચર્ચામાં રહે છે. આ દરમિયાન 43 વર્ષની વયે ફરી એક વાર તેણે પોતાનો લૂક બદલી લોકોને આશ્ચર્યચકિત કરી દીધા છે.
સીએસકેએ તસવીર શેર કરી
ધોની આઇપીએલમાં ચેન્નઇ સુપર કિંગ્સ (સીએસકે) તરફથી રમે છે અને પોતાની કેપ્ટનશિપ દરમિયાન તે સીએસકેને પાંચ વખત ચેમ્પિયન બનાવી ચૂક્યો છે. ધોનીના કારણે સીએસકેના પણ હજારો ચાહકો છે. આ દરમિયાન સીએસકેએ ધોનીના નવા લૂકની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે. ધોનીએ પોતાની હેરસ્ટાઇલ બદલી છે અને વાળોનો રંગ પણ બદલ્યો છે. સીએસકેએ આ પોસ્ટ પર 'એક્સટ્રીમ કૂલ!' કેપ્શન આપ્યું છે.
ચાહકોએ પ્રતિક્રિયા આપી
ધોની અવારનવાર પોતાનો લૂક બદલતો હોય છે. જો કે, આ વખતે તેણે તેના નવા લૂકથી સૌ કોઇની ચોંકાવી દીધા છે. સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સ તેના નવા લૂક પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, 'વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે માહી 43 વર્ષની વયે પણ આટલો આકર્ષક દેખાઇ શકે છે. થાલા ફોર એ રીઝન'. નોંધનીય છે કે, ધોનીએ જ્યારે ભારતીય ટીમમાં પ્રવેશ કર્યો હતો ત્યારે તેના લાંબા વાળ હતા અને તે સમયે પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેજ મુશરફ પણ તેના લૂકના પ્રશંસક હતા.
આઇપીએલના નિયમો બદલાયા
આઇપીએલના મેગા ઓક્શન પહેલા અનેક નિયમો બદલાયા છે. આ વખતે દરેક ફ્રેન્ચાઇઝીએ ઓક્શન પહેલા પોતાના રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરવાની છે. અનકેપ્ડ પ્લેયરના નિયમમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. નવા નિયમ મુજબ જે ખેલાડીઓએ પાંચ વર્ષ પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધું છે અને લાંબા સમયથી બીસીસીઆઇના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટનો ભાગ નથી તે ખેલાડીઓ પણ હવે અનકેપ્ડ ખેલાડી તરીકે રમી શકે છે. ધોની વર્ષ 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તી લઇ ચૂક્યો છે. કેટલાક લોકોનું માનવું છે કે ધોની અનકેપ્ડ પ્લેયર તરીકે રમી શકે તે માટે નવા ફેરફાર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ બુમરાહ નહીં પણ દિગ્ગજ ખેલાડી કાંગારૂઓ સામે ટ્રમ્પકાર્ડ સાબિત થશે, ગાંગુલીનો મોટો દાવો