પૂર્વ ભારતીય દિગ્ગજે 5 દિવસની ટેસ્ટ મેચ પર ઉઠાવ્યા સવાલ, કરી નાખી મોટી માગ
Dilip Vengsarkar On Test Cricket : ભારતીય ટીમને ઘરઆંગણે ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી ટેસ્ટ સીરિઝમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતનું ત્રણ ટેસ્ટ મેચની સીરિઝમાં ક્લીન સ્વીપ થયું હતું. જેને લઈને ભારતીય ક્રિકેટ ટીમની ટીકા થઇ રહી છે. આ દરમિયાન પૂર્વ ભારતીય દિગ્ગજ ક્રિકેટર દિલીપ વેંગસરકરે ટેસ્ટ ક્રિકેટ પર મોટું નિવેદન આપ્યું છે. તેણે ટેસ્ટ ક્રિકેટના ફોર્મેટમાં ફેરફારની માંગ કરી છે. દિલીપ વેંગસરકરનું માનવું છે કે હવે સમય આવી ગયો છે જ્યારે પાંચ દિવસીય ટેસ્ટ મેચ બંધ કરી દેવી જોઈએ. અને ટેસ્ટ મેચ પાંચને બદલે ચાર દિવસ રમવી જોઈએ.
ટેસ્ટ મેચોને ચાર દિવસની કરી દેવી જોઈએ
મીડિયા સાથે વાત કરતા દિલીપ વેંગસરકરે કહ્યું, 'હવે ટેસ્ટ મેચોને ચાર દિવસની કરી દેવી જોઈએ. મોટાભાગની મેચો હવે માત્ર ચાર દિવસમાં જ ખતમ થઈ જાય છે. ભારત, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સિવાય બાકીના ક્રિકેટ બોર્ડની આર્થિક સ્થિતિ સારી નથી. આ સ્થિતિમાં ચાર દિવસની ટેસ્ટ મેચ કરાવવામાં આવે તો તેઓ તેમના ખર્ચમાં બચત કરી શકશે.
ત્રણ દિવસમાં પૂરી થઇ જતી મેચ માટે પાંચ દિવસની ટિકિટ વહેંચવી યોગ્ય નથી
તેણે આગળ કહ્યું, 'વેસ્ટ ઈન્ડિઝ જેવી ટીમ માટે ટેસ્ટ મેચ માટે બીજા દેશમાં જવું અને પાંચ દિવસ સુધી ત્યાં રમવું એ તેમના માટે આ ઘણું મોંઘું છે. જ્યારે મેચ પણ ત્રણ દિવસમાં પૂરી થઈ રહી છે, તો પાંચ દિવસની ટિકિટ વહેંચવી પણ યોગ્ય નથી.'
આ પણ વાંચો : IPL 2025 : ધોનીને ભલે રિટેન કર્યો હોય પણ તે બધી મેચમાં નહીં રમે, રિકી પોન્ટિંગનો દાવો
માત્ર દિલ્હી, મુંબઈ, કોલકાતા, બેંગલુરુ અને ચેન્નાઈમાં જ ટેસ્ટ ક્રિકેટ રમાવી જોઈએ
દિલીપ વેંગસરકરે ભારતમાં ટેસ્ટ મેચના સ્થળને લઈને પણ મોટું નિવેદન આપ્યું છે. તેમનું માનવું છે કે ટેસ્ટ મેચ ભારતના મોટા શહેરોમાં જ રમાવી જોઈએ. તેણે કહ્યું કે, 'મુંબઈના લોકોએ ટેસ્ટ ક્રિકેટને આપેલું સમર્થન અદ્ભુત અને જબરદસ્ત હતું. આ સીરિઝ દરમિયાન મુંબઈ સિવાય અન્ય સ્થળોએ વધારે દર્શકો મેચ જોવા મળ્યા ન હતા. મને લાગે છે કે ભારતમાં માત્ર દિલ્હી, મુંબઈ, કોલકાતા, બેંગલુરુ અને ચેન્નાઈમાં જ ટેસ્ટ ક્રિકેટ રમાવી જોઈએ. વનડે અને T20 મેચ અન્ય સ્થળોએ યોજી શકાય છે.'